ભાસ્કર એક્સક્લૂસિવઅમદાવાદમાં વ્યાપક નુકસાન:નુકસાન 1 લાખ, સહાય આપી 3800, લોકોએ કહ્યું, સરકારને જોઇએ તો અમે એક-એક હજાર આપીશું

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ભારે વરસાદથી વાસણાના દેવાસ ફ્લેટમાં ગાડીઓ ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું. - Divya Bhaskar
ભારે વરસાદથી વાસણાના દેવાસ ફ્લેટમાં ગાડીઓ ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું.
  • 10 જુલાઈના વરસાદમાં ઘરોમાં છ ફૂટ સુધી પાણી ભરાતાં અનાજ, ઘરવખરી, ટીવી, ફ્રીજને નુકસાન થયું હતું
  • વાસણાના દેવાસ ફ્લેટના 130 ઘરને વરસાદથી નુકસાન
  • રહીશોએ કહ્યું, નુકસાનનો સરવે કર્યા વગર 2015ના નિયમ મુજબ વળતર જાહેર થયું
  • વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખી વળતર જાહેર કરવાની રહીશોની માગણી

ગત 10 જુલાઇએ પડેલા ભારે વરસાદથી અમદાવાદમાં વ્યાપક નુકસાન થયું હતું. વાસણાના દેવાસ ફલેટના 130 ઘરમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં રૂ.30 હજારથી માંડી 1 લાખ સુધીનું નુકસાન થયું હતું.પરંતુ સરકારે સરવે કરી પ્રત્યેક અસરગ્રસ્ત ઘરને માત્ર રૂ.3800 સહાય જાહેર કરી છે. સરકારની જાહેરાત બાદ સ્થાનિક રહીશોએ ટકોર કરી હતી કે, આટલી સહાય અમારી મજાક છે, સરકારને જોઈએ તો અમે સામેથી રૂ.એક-એક હજાર આપવા તૈયાર છીએ.

નુકસાન માટે ફિકસ 3800ની રકમ 2015થી નક્કી કરાઇ
જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓએ કહ્યું કે, વરસાદી પાણીના નુકસાન માટે ફિકસ 3800ની રકમ 2015થી નક્કી કરાઇ છે.સરવે બાદ સરકારમાં દરખાસ્ત સરકારને મોકલી આપવામાં આવી છે. અસરગ્રસ્તોએ કહ્યું કે, દેવાસ ફલેટના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા 130 મકાનોમાં નુકસાન થયું હતું. ફલેટમાં સામાન્ય કુટુંબો રહે છે. આટલું મોટું નુકસાન સહન કરી શકે તેમ નથી.

પાણીમાં નાશ પામેલી વસ્તુઓ ફરી ખરીદવી મુશ્કેલ: રહીશો
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, નુકસાનના પ્રમાણમાં વળતરની જાહેરાત થવી જોઈતી હતી. દેવાસ ફલેટના અસરગ્રસ્ત જિગ્નેશ ગોહિલે કહ્યું કે, મારા ઘરમાં ભરાયેલા પાણીમાં નાશ પામેલી વસ્તુઓ ફરી ખરીદવી મુશ્કેલ છે. ઘરમાં અત્યાર સુધીમાં 30 હજારનું નુકસાન છે. રમેશ દરજીએ કહ્યું કે, નુકશાની માટે સરવે કરવા કોઇ આવ્યું નથી. મારા તરફથી કોઇ ફોર્મમાં સહી કરાઇ નથી.

આ રકમથી ઘરવખરી પણ નહીં આવે
ઘરમાં છ ફૂટ કરતા વધુ પાણી હતું. ઘરમાં 48 કલાક પાણી રહ્યું હતું. પાણીમાં બધી ચીજ-વસ્તુઓનો નાશ થયો છે. જિદગીમાં ધીરે ધીરે એક -એક વસ્તુ વસાવી હતી અને પાણીમાં એક સાથે વહી ગઇ. સરકારની સહાય મજાક છે. આ રકમથી ઘરવખરીનો સામાન પણ આવવાનો નથી. સરકારે સહાયની રકમ વધારવી જોઇએ. - અલકા શાહ, દેવાસ ફલેટ

ફલેટમાં સરવે કરીને ફોર્મ ભરાયાં છે
ફલેટમાં સરવે માટે મારી સાથે સર્કલ ઓફિસર, તલાટી સહિતના કર્મચારીઓ ગયા હતાં. સર્કલ ઓફિસર, તલાટીએ પ્રત્યેક ઘરમાં જઇને ફોર્મ ભરાવ્યું હતું. નુકસાનીમાં માત્ર ઘરવખરીની સહાય અંતર્ગત ફિકસ રૂ.3800 ચૂકવાય છે. સરવેમાં વધારાની કોઇ નોંધ લેવાતી નથી. રિપોર્ટ સાથે સહાયની દરખાસ્ત સરકારને મોકલી આપી છે. - હરદીપસિંહ જાડેજા, વેજલપુર મામલતદાર

મકાન પડી જવું, ઈજા થવાના કેસમાં કુલ 5ને સહાય ચૂકવાઈ
પૂર્વમાં ગત 23 જુલાઇના રોજ ભારે વરસાદથી વધુ નુકસાન થયું છે. જેમાં ખાડિયા અને ખોખરામાં બે મકાન પડી જવાના કેસમાં સહાય માટે અરજી મળી છે. જેની દરખાસ્ત સરકારમાં મોકલાઇ છે. આ સિવાય આસ્ટોડિયામાં 2 અને ખાડિયામાં એક મળી માનવીય ઇજાના 3 કેસમાં રૂ. 4300ની ફિક્સ સહાય ચૂકવી દેવાઇ છે. આ સિવાય પાણીથી નુકસાની માટે સહાય માટે કોઇ અરજી આવી નહીં હોવાનો અધિકારીઓએ દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરના અનેક વિસ્તારો જેવા કે હાટકેશ્વર, સેટેલાઈટમાં સંખ્યાબંધ જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ-મકાનોમાંથી પાણી ભરાવાથી લાખોનું નુકસાન થયું છે પણ સહાય માટે હજુ સુધી કોઈ સરવે કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...