ગુનો નોંધશે:ચૂંટણી પૂર્વે ભડકાઉ કે વાંધાજનક પોસ્ટ, વીડિયો મૂકનારા સામે સાઈબર ક્રાઈમ ફોજદારી ગુનો નોંધશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સાઈબર ક્રાઈમ DCPની નોડલ ઓફિસર તરીકે નિમણૂક, ફરિયાદ માટે 99988 97227 વોટ્સએપ નંબર

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ, પોસ્ટ, કે અન્ય માધ્યમથી લોકોની લાગણી દુભાય અથવા સીધી કે આડકતરી રીતે કોઈ રાજકીય પક્ષને લાભ કે નુકસાન થાય તેવા ઈરાદાથી કરાયેલી કોઈપણ પ્રવૃતિઓ પર નજર રાખવા માટે ચૂંટણી પંચે શહેરના સાઈબર ક્રાઈમ ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. જો કોઈ આવી પ્રવૃતિ કરતા જણાશે તો તેમની વિરુદ્ધ આઈપીસી અને અન્ય ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી મામલે જાહેર કરાયેલી આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરી છે. સોશિયલ મીડિયામાં આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં કરાવવામાં કે દર્શાવવામાં આવતી હોય તો તેની સામે ભારતીય દંડ સહિતા તથા લોક પ્રતિનિધિ ધારો 1951 તથા ચૂંટણી આચારસંહિતા 1961 મુજબ કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચે નાયબ પોલીસ કમિશનર, સાઈબર ક્રાઈમ અજીત રાજીયાણની અમદાવાદ શહેર અને ગ્રામ્ય માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે.

કોઈપણ નાગરિકના ધ્યાને આવે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આચારસંહિતાનો ભંગ થતો હોય તેવી કોમેન્ટ, વીડિયો કે અન્ય રીતે પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય તેની માહિતી આપવા માટે વોટ્સએપ નંબર 99988 97227 પર લોકો જાણ કરી શકશે.

પોસ્ટર અને બેનર દૂર કરવાની ચૂંટણી પંચની સૂચનાનું કડક પાલન કરાતું નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પોસ્ટર અને બેનરોની 250થી વધુ ફરિયાદથી તંત્રની બેદરકારી બહાર આવી છે. ચૂંટણીપંચે તમામ પોસ્ટરો દૂર કરવા વારંવાર આપેલી સૂચનાઓનું પાલન થતું નથી. જિલ્લા કલેકટર દ્વારા જુદી જુદી રચવામાં આવેલી ટીમો રાજકીય પોસ્ટરોની ફરિયાદમાં સ્થળ પહોંચે ત્યારે રિક્ષાઓ ગાયબ થઇ જતી હોવાની લાચારી સ્કવોડની ટીમના કર્મચારીઓ વ્યક્ત કરે છે. કંટ્રોલરૂમ બન્યો ત્યારથી રોજની 45થી 50 ફરિયાદો આવે છે. જેમાં ચૂંટણી કાર્ડ સહિત મતદારયાદીમાં નામ દાખલની ફરિયાદોનો પણ સામેલ છે. જિલ્લા ચૂંટણીપંચે 3 નવેમ્બરથી જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિદ પ્રકારના કંટ્રોલરૂમ ઉભા કરી દેવાયા છે. ફલાઇંગ સ્કવોડની વિવિધ 350થી વધુ ટીમ તૈનાત કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...