• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Cyber Crime Police Stations Sanctioned In 10 Districts In State, Currently Total 14 Cyber Police Stations Functioning At One State Level, 9 Ranges And 4 Cities

સાયબર ક્રાઈમ પડકાર સામે:રાજ્યમાં 10 જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મંજૂર, હાલ એક રાજ્ય કક્ષા, 9 રેન્જ અને 4 શહેરમાં કુલ 14 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, ગાંધીધામ અને બનાસકાંઠામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર
  • સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે સાયબર ફ્રોડનો ભોગ બનેલા 8,328 લોકોના રૂ.18.11 કરોડ ભોગ બનનારના ખાતામાં પરત જમા કરાવ્યા
  • અમદાવાદ ખાતે સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ, એન્ટી સાયબર બુલિંગ યુનિટ, સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ અને સાયબર સુરક્ષા લેબ કાર્યાન્વિત

રાજ્યમાં 10 જિલ્લામાં જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ 10 જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર સ્ટેટ સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે સાયબર સેલ અંતર્ગત એક પોલીસ સ્ટેશન છે, જ્યારે રાજ્યમાં વિવિધ 9 રેન્જ કક્ષાએ અને કમિશ્નરેટ વિસ્તારમાં 4 એમ મળીને કુલ 14 સાયબર પોલીસ સ્ટેશન રાજ્યમાં હાલ કાર્યરત છે. ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે માહિતી આપી હતી.

સાયબર સુરક્ષા સામે કાનૂની કાર્યવાહી માટે પોલીસ સજાગ
આજે આખા વિશ્વમાં “ડીજિટલ ક્રાંતિ” ફેલાઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આ બાબતે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યારે નાગરિકો કોરોના મહામારીના કારણે ઓનલાઇન શોપિંગ, રિચાર્જ, નાણાંની ચૂકવણી, ઇ-મિટિંગો, વેબિનાર જેવી ડિજિટલ સેવાનો લાભ લઇ રહ્યા છે. જે ટેકનોલોજીનો સદુપયોગ છે. પરંતુ કેટલાક સાયબર ક્રિમિનલ્સ દ્વારા આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી પણ થઇ રહી છે. આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે. આવા વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ પોલીસ સજાગ છે એમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

સાયબર ગુનેગારોને પકડવા સાયબર આશ્વત પ્રોજેક્ટ
તેમણે ઉમેર્યુ કે, એકવીસમી સદી એ ટેક્નોલોજીની સદી છે અને ટેક્નોલોજીના માધ્યમ થકી રાજ્યનો કોઇપણ નાગરિક છેતરાય નહિ તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અવનવા અને હાઇફાઇ કિમિયાઓ અપનાવીને વાઇફાઇની મદદથી સાયબર ક્રાઇમ કરતા ટેક્નોક્રેટ ભેજાબાજ ગુનેગારોને પકડવા માટે “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ લૉન્ચ કર્યો છે.

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટમાં 4 સેવાઓ
મંત્રીએ ઉમેર્યુ કે સાયબર ક્રાઈમના ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવી રહી છે. “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ હેઠળ સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ (IRU), એન્ટી સાયબર બુલિંગ યુનિટ (ABU), સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ (CCPU), સાયબર સુરક્ષા લેબ (CSL) એમ કુલ- 4 સેવાઓનો સીધો લાભ રાજ્યના નાગરિકોને મળ્યો છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ

સાયબર ક્રાઈમનો ભોગ બનાવનારને મદદ કરવામાં સફળતા
સાયબર ઈન્સિડેન્ટ રિસ્પોન્સ યુનિટ અંગે વિગતો આપતાં મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, આ યુનિટ સાયબર ફ્રૉડનો ભોગ બનનાર નાગરિકની ફરિયાદની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને, પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થાય છે. આ યુનિટને આજ સુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 8,328 નાગરિકોના રૂ.18.11 કરોડ જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં પરત જમાં કરાવવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સફળતા મળી છે.

સાયબર બુલિંગ યુનિટ યુવક-યુવતીઓનું કાઉન્સેલિંગ કરે છે
મંત્રીએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયા પર સાયબર બુલિંગનો ભોગ બનતાં તરુણ યુવાન/યુવતીઓ અને મહિલાઓને એન્ટી સાયબર બુલિંગ યુનિટ દ્વારા રૂબરૂ અથવા ફોન પર માનસિક હિંમત આપીને, તેઓ કોઇ ખોટાં પગલાં ભરતા અટકાવવા અને તેમની સમસ્યાના નિરાકરણ અંગેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં 4,109 નાગરિકોની ફરિયાદના આધારે ત્વરીત સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી છે. ફાઈનાન્સિયલ ફ્રોડના ડેટા પોર્ટલ પર અપડેટ કરાય છેસાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ અંગે વિગતો આપતાં મંત્રી જાડેજાએ જણાવ્યું કે, આ યુનિટ દ્વારા સાયબર ક્રાઇમના ફાઇનાન્સિયલ ફ્રોડ સાથે સંકળાયેલા મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબરનો ડેટા https://gujaratcybercrime.org પૉર્ટલ પર અપડેટ કરવામાં આવે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં 7,23,939 જેટલા નાગરિકોને બલ્ક મેસેજ કરી આવા ફ્રોડથી સાવચેત કરવામાં આવ્યા છે.

કિઓસ્ક મશીનથી લોકો જાતે ડિજિટલ ડિવાઈસ સ્ક્રેન કરી સુરક્ષિત રહી શકે
સાયબર સુરક્ષા લેબ અંગે માહિતી આપતાં મંત્રીએ કહ્યું કે, કિઓસ્ક(KIOSK) મશીનના માધ્યમથી નાગરિકો જાતે જ પોતાના ડિજિટલ ડિવાઇસ તથા સ્ટોરેજ ડિવાઇસ સ્કેન કરી તેમાં રહેલા વાઇરસ, માલવેર, સ્પાયવેર દૂર કરીને પોતાના ડિવાઇસને સુરક્ષિત કરી શકે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં 952 જેટલા મોબાઇલ ફૉન, 58 જેટલી પેન ડ્રાઇવ, 2 મેમરી કાર્ડને સ્કેન કરી તેમાંથી 981 જેટલા વાયરસ શોધવામાં આવ્યા છે.

રાજ્ય કક્ષાએ સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત
મંત્રીએ કહ્યુ કે,સાયબર ક્રાઇમને સંબંધિત ગુનાઓને રોકવા અને આ ગુનાઓને ઉકેલવા માટે એટલે કે, સમગ્ર ગુજરાત માટે રાજ્ય કક્ષાએ સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીમાં કાર્યરત સ્ટેટ સાયબર સેલ હસ્તક એક સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલું છે. જ્યારે, સાયબર ક્રાઇમને અટકાવવા માટે, સાયબર ક્રાઇમ તંત્રને વધુ અદ્યતન તથા સુસજ્જ કરવા માટે રાજ્યના 4 શહેરો એટલે કે, 4 કમિશ્નરેટ વિસ્તાર – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલા છે અને રાજ્યની 9 રેન્જ(ક્ષેત્રીય વિભાગ) ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે. આ સાયબર પોલીસ સ્ટેશનોના વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ-704 જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

જિલ્લા કક્ષાએ 10 સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા
જિલ્લા કક્ષાએ પણ સાયબર પોલીસ સ્ટેશનને કાર્યાન્વિત કરવા માટે રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ- 10 (દસ) જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કર્યા છે અને આ જિલ્લા કક્ષાના સાયબર પોલીસ સ્ટેશનોના પણ વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ-218 જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે.

સાયબર સુરક્ષામાં સાયબ પોલીસ સ્ટેશન વરદાનરૂપ બનશે
રાજ્યની શાંતિ અને સલામતિનો આધાર ગુનાઓ બન્યા પહેલાં એના પ્રિવેન્શન, ગુનાઓ બન્યા બાદ એના ડિટેક્શન અને ડિટેક્શન થયા પછી એના કન્વિક્શન એમ ત્રણ બાબતો પર રહેલો છે. ત્યારે, સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓને અટકાવવામાં, ભોગ બનનાર વ્યક્તિઓને સહાયરૂપ થવામાં અને નાગરિકોની સાયબર સુરક્ષા માટે રાજ્યમાં જિલ્લા કક્ષા સુધી વિસ્તૃત સાયબર પોલીસ સ્ટેશન વરદાનરૂપ બની રહેશે તેવું મારૂ સ્પષ્ટ માનવું છે તેમ મંત્રી જાડેજાએ જણાવ્યું છે.