ભાસ્કર એક્સક્લૂઝિવ:એક બાળકની કસ્ટડી ફોઈ, બીજાની માસીને સોંપી હાઈકોર્ટે કહ્યું, બાળકનો ઉછેર સંપન્ન નહીં, સંયુક્ત પરિવારમાં વધુ સારો થાય છે

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: તેજલ અરવિંદ શુકલ
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • કોરોનામાં અનાથ થયેલા બે બાળકના કિસ્સા - એક કેસમાં બાળકની કસ્ટડી માટે દાદા-નાના, બીજામાં નાના અને ફોઈ કાનૂની જંગ લડતા હતા
  • 4 વર્ષની બાળકીની કસ્ટડી કુંવારી ફોઈને અને 5 વર્ષના બાળકની કસ્ટડી કુંવારી માસીને સોંપવાનો હાઈકોર્ટનો આદેશ

કોરોનામાં અનેક પરિવારો વેરવિખેર થઇ ગયા છે. ખાસ કરીને બાળકોની સ્થિતિ દયનીય બની ગઇ હતી. આવા જ બે કિસ્સા હાઇકોર્ટ સમક્ષ આવ્યા છે. 4 અને 5 વર્ષના બાળકના માતા-પિતા બંને કોરોનામાં મૃત્યુ પામતા દીકરાની કસ્ટડીના કેસ હાઇકોર્ટમાં આવ્યા છે. 4 વર્ષના દીકરાની કસ્ટડી મેળવવા દાદા અને નાના વચ્ચે કાનૂની લડાઇ ચાલી રહી હતી. બંને પરિવારો સાધન સંપન્ન હોવા છતાં જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને લેતા કસ્ટડી માસીને સોંપી દેવા આદેશ કર્યો છે. જ્યારે બીજા એક કિસ્સામાં બાળકની કસ્ટડી તેની ફોઇને સોંપાઈ છે. કાયદા અનુસાર માતા-પિતા હયાત ન હોય ત્યારે લીગલ ગાર્ડિયન તરીકે દાદાને કસ્ટડી સોપાતી હોય છે.

સાક્ષી અને રાકેશના પ્રેમલગ્ન વર્ષ-2011માં થયા હતા. વર્ષ 2016માં તેમના ત્યાં દીકરાનો જન્મ થયો હતો. કોરોનાની બીજી લહેર દરમ્યાન રાકેશ અને સાક્ષી બંનેને કોરોના થયો હતો. પતિ-પત્ની બંનેે એક મહિનાની અંદર જ મોતને ભેટયા હતા. 13મી મેના રોજ રાકેશ અને 12મી જૂને સાક્ષીનું કોરોનાથી મોત થયું હતું. તેમના અવસાન બાદ 4 વર્ષના દીકરા પ્રકાશની સ્થિતિ દયનીય બની હતી. માતા-પિતાને ગુમાવ્યા બાદ દાદા-નાના વચ્ચે તેની કસ્ટડી માટે ખેંચતાણ શરૂ થઇ હતી. (ઓળખ છુપાવવા પાત્રોનાં નામ બદલ્યા છે.)

દાદા-દાદી, નાના-નાનીની ઉંમર વધુ હોવાથી કસ્ટડી ન અપાય : કોર્ટ

  • બાળક સાધન સંપન્ન પરિવારથી નહીં પરતું સંયુકત પરિવારમાં વધુ સારી રીતે ઉછરે છે.
  • દાદા-દાદી કે નાના-નાની સિનિયર સિટીઝન હોવાથી થોડા વર્ષો બાદ બાળકની કાળજી લઇ શકવા સક્ષમ ન હોય.
  • માતા-પિતા વગરનું બાળક હોવાથી દાદા-નાના વધુ પડતા લાડ લડાવે તો બાળક બગડી શકે છે.
  • દાદા-દાદી એકલા રહેતા હોવાથી બાળકને હેલ્થ કે અન્ય કોઇ સમસ્યા થાય ત્યારે એકલા ઝઝુમવંુ પડે. તેથી બાળકની કસ્ટડી આપી શકાય નહીં.
  • પ્રેમલગ્ન હોવાથી પુત્રવધુને સાસુ સસરાએ સ્વીકારી નહોતી અને કોરોનામાં સારવારનો ખર્ચો ઉઠાવવા ઈન્કાર કર્યો હતો.

ફોઇને કસ્ટડી સોંપવાનું કારણ - બાળકી છેલ્લા 1 વર્ષથી ફોઈને જ માતા સમજીને સાથે રહે છે
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર અઢી વર્ષની નમ્રતાની કસ્ટડી માટે નાના અને ફોઇ વચ્ચે લડાઇ શરૂ થઇ હતી. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 29 વર્ષીય આશા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 32 વર્ષનો પ્રજ્ઞેશ માત્ર અઢી વર્ષની દીકરીને મુકીને કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. પત્નીના મૃત્યુ પછી પતિ પ્રજ્ઞેશે અઢી વર્ષની બાળકી પોતાની બહેન (ફોઈ)ના ઘરે મૂકી હતી. એ પછી પ્રજ્ઞેશનું પણ મૃત્યુ થયું. ત્યારબાદ નમ્રતાના નાનાએ કસ્ટડી મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી દલીલ કરી હતી કે ફોઇના ભરોસે તેમની દોહિત્રીને મુકી શકાય નહીં. જો કે હાઇકોર્ટે એવી દલીલ કરી હતી કે, કાયદા અનુસાર ભલે તમે લીગલ ગાર્ડીયન હોવ પરતું નાનકડી બાળકીને સૌથી વધુ માતાની જરૂર હોય છે અને નમ્રતા તેની ફોઇને જ માતા સમજીને છેલ્લા 1 વર્ષથી તેની સાથે રહે છે. ફોઇ આર્થિક સદ્ધર છે, કુંવારી છે અને સ્કૂલમાં ટીચર છે તેથી સારી કાળજી લઈ શકે છે.

માસીને કસ્ટડી આ માટે - બાળકને આર્થિક સાથે માનસિક હૂંફની જરૂર
હાઇકોર્ટે 5 વર્ષના પ્રકાશની કસ્ટડી તેની માસીને સોંપતા એવું અવલોકન કર્યું હતું કે, પ્રકાશની માસી કુંવારી છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સારા હોદ્દા પર નોકરી કરે છે. તેની માલિકીની મિલકત પણ છે તે સંયુકત પરિવારમાં તેના ભાઇ-ભાભી સાથે રહે છે. ભાઇ ભાભીને પણ પ્રકાશની ઉંમરના બે બાળકો છે. પ્રકાશને માતા-પિતાનો પ્રેમ, આર્થિક સધ્ધરતા અને સંયુકત પરિવારની હૂંફ મળતી હોવાથી તેનો સર્વાંગી વિકાસ થશે. ઉપરાત પ્રકાશની માસી અને મામા ખુબ સારૂ ભણેલા છે તેથી પ્રકાશને પણ સારી કેરિયર મળે તેવી શકયતા વધુ છે. નાના બાળકોને આર્થિકની સાથે માનસિક હૂંફની વધુ જરૂર રહે છે. તેથી કસ્ટડી તેની માસીને સોપવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...