મેસ્કોટ અને એન્થમ લોન્ચિંગ:36માં નેશનલ ગેમ્સનું કર્ટન રેઇઝર લોન્ચ; અમદાવાદ વિશ્વના મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરશે: કેન્દ્રીય ગૃહ મંત્રી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયમાં 11માં ખેલ મહાકુંભનો સમાપન કાર્યક્રમ અને 36માં નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરનો કાર્યક્રમ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે અમદાવાદ શહેરમાં અન્ય સ્પોર્ટસ ફેસીલીટીના નિર્માણ બાદ અમદાવાદ વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આરંભેલા રમતગમત ક્ષેત્રના વિકાસની સુવાસના પરિણામે જ દસ વર્ષ પહેલાં ખેલમહાકુંભમાં 11 લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આજે 55 લાખે પહોંચ્યું છે. ગુજરાતના ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને પ્રદર્શનથી દેશ અને દુનિયાના નકશા પર અમિટ છાપ છોડી હોવાનું તેમણે જણાવ્યું હતું.નેશનલ ગેમ્સના આયોજનની સાથે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે નવા કિર્તીમાન સ્થાપિત કરશે તેવો મત તેઓએ વ્યક્ત કર્યો હતો.

36મા નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝર લોન્ચિંગ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે નર્મદા યોજનાનો વિરોધ કરનાર અને ગુજરાતનો વિરોધ કરનાર મેઘા પાટકરને પાછલા બારણેથી ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરાવવાની શરૂઆત કરાવવામાં આવી રહી છે અને આવા લોકો જેઓ ગુજરાતની જીવા દોરી નર્મદા યોજનાનો વિરોધ કરનાર મેઘા પાટકરને લઈને આવવા માંગે છે તેઓને હું કહેવા માગું છું કે અહીંયા જ રોકાઈ જજો. આ ગુજરાત છે અહીંયા ગુજરાતીઓના વિરોધીઓને જગ્યા નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા ખેલ મહાકુંભના સમાપનની સાથે આજે 36મી નેશનલ ગેમ્સનું કર્ટન રેઇઝર અને એપ લોન્ચિંગએ રાજ્યથી રાષ્ટ્રીય કક્ષાની ખેલ યાત્રા સમાન પ્રસંગ છે. એક સમયે ગુજરાતીઓ માત્ર દાળ-ભાત ખાનારા કે વેપાર-બિઝનેસમાં જ રસ ધરાવે છે, એવી છાપ હતી, એ ગુજરાતીઓમાં આજે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે તેનો શ્રેય આપણા વડાપ્રધાનને જાય છે. ખેલ મહાકુંભ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. વર્ષ 2010માં શરૂ કરાયેલા ખેલ મહાકુંભના પગલે ગુજરાતમાં એક આખી સ્પોર્ટિંગ કમ્યૂનિટી તૈયાર થઈ છે. ગુજરાતના યુવા ખેલાડીઓ હવે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌશલ્ય પુરવાર કરવા લાગ્યા છે.

36મી નેશનલ ગેમ્સ 2022ના મેસ્કોટની વિશેષતા મેસ્કોટ રમતવીરના સૌથી મહત્ત્વપૂર્ણ ગુણોને દર્શાવે છે. આત્મવિશ્વાસ, ઉત્સાહ, પ્રેરણાની મજબૂત ભાવના, જીતવાની પ્રબળ ઇચ્છાશક્તિ, ધ્યાન, સહજ નેતૃત્વશક્તિ અને સંકલ્પબળ જેવા ગુણો રમતવીરની ઓળખ સમાન છે. પર્ફેક્શનનો આગ્રહ અને લડવાનો જુસ્સો જ માસ્કોટને વ્યાખ્યાયિત કરે છે. નેશનલ ગેમ્સનો મેસ્કોટ ભારતના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે ઝડપથી વિકસી રહેલા ભારતને ફરીથી વૈશ્વિક નેતા બની રહ્યાની ઝલક દર્શાવે છે. આ મેસ્કોટ વિકાસ અને અર્થતંત્રના ક્ષેત્રમાં ગુજરાતની ગર્જનાનો પડઘો પણ પાડે છે.

છેલ્લા 25 વર્ષોમાં ગુજરાત રાજ્યે રમતગમતનું વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, પરિણામે ભારતના રમતગમત ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રદર્શનમાં આક્રમકતા અને બહારથી સૌમ્યતા દર્શાવવા સાથે સાંસ્કૃતિક પ્રતીક સમો આ નેશનલ ગેમ્સનો મેસ્કોટ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સરીખા અનેક મહાન નેતાઓના ગુણો દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...