તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Curfew Will Be Imposed For The First Time To Prevent Devotees From Visiting, Bhaskar Question: Will The Government Be Able To Enforce The Rules?

રથયાત્રામાં ભક્તબંધી:ભક્તો દર્શન ન કરે એ માટે પહેલીવાર કર્ફ્યૂ લગાવાશે, ભાસ્કર સવાલ: શું સરકાર નિયમોનું પાલન કરાવી શકશે?

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાના આયોજન માટે રાજ્ય સરકારે પરવાનગી તો આપી છે, પણ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં એ માટે રથયાત્રામાં ભક્તોને સામેલ થવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

રાજ્ય સરકારે ગુરુવારે કરેલી જાહેરાત મુજબ રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનના દર્શન ટીવી અને મોબાઇલમાં જ કરવા પડશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરેલી જાહેરાત મુજબ રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 19 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે. સંક્રમણ વધે નહીં તે માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે. રથયાત્રા નિજમંદિરે પરત આવી જાય તો કરફ્યૂ વહેલો પૂરો થવાની જાહેરાત કરાશે. આ ઉપરાંત આ વિસ્તારોના પ્રવેશ અને નિકાસના માર્ગો બંધ રહેશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા પુલો બંધ કરવામાં આવશે.

રથયાત્રાના આયોજકો અને મંદિરના ટ્રસ્ટીઓએ કાળજી લેવાની રહેશે કે કોઇ ભીડ ભેગી ન થાય, આયોજન દરમિયાન ઓછામાં ઓછાં લોકો તેમાં જોડાય અને તેમની વચ્ચે અંતર જળવાય. યાત્રામાં નિશાન ડંકા, રથ, મહંત તથા ટ્રસ્ટીના વાહન સહિત માત્ર પાંચ વાહનો જ નીકળશે. પરંતુ અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ કે અન્ય કોઇ વાહનો રથયાત્રામાં જોડાશે નહીં. ખલાસીઓ તથા પૂજાવિધિમાં ભાગ લેનારા લોકોનો રથયાત્રા પૂર્વેના 48 કલાક પહેલાં RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તેઓ જ રથયાત્રામાં સામેલ થઇ શકશે અને તેમના માટે માસ્ક ફરજિયાત રહેશે. આ તમામે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇએ. સરસપુરમાં મોસાળામાં રથયાત્રાના વિશ્રામ દરમિયાન ભોજન પ્રસાદ બંધ રહેશે.

આ મુદ્દાઓ યોગ્ય...

  • રથયાત્રા વખતે કોઈ પણ પ્રકારના પ્રસાદનું વિતરણ કરી શકાશે નહીં.
  • ભક્તો ટીવી પર જીવંત પ્રસારણ દ્વારા રથયાત્રાના દર્શન કરી શકશે.
  • રથયાત્રામાં ભજનમંડળીઓ અને અખાડાઓ જોડાઈ શકશે નહીં.
  • આ વખતે રથયાત્રામાં ગજરાજો તથા અન્ય ટ્રકો સામેલ થઈ શકશે નહીં.
  • વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે એ ખલાસીઓને પ્રાથમિકતા અપાશે.
  • રથયાત્રામાં જે પણ જોડાશે તેમણે નિયમોનું કડકપણે પાલન કરવું પડશે.
  • સરસપુરમાં મામેરાવિધિમાં રસી લીધી હશે તેઓ જ જોડાઈ શકશે.
  • નિજ મંદિરથી સરસપુર વિધિ સિવાય રથયાત્રા ક્યાંય પણ રોકાશે નહીં.

રથયાત્રા માટે સરકારે નક્કી કરેલી વાંધાજનક શરતો

  • રથયાત્રા ઝડપથી આટોપી શકાય એ માટે ટૂંકામાં ટૂંકો રૂટ પસંદ કરવાનો રહેશે. માત્ર 5 કલાકમાં યાત્રા આટોપી લેવાની રહેશે.
  • એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભગવાનનો રથ ખેંચવાનું કામ કરતા ખલાસીઓની સંખ્યા 60થી વધુ હોવી જોઈએ નહીં.
  • રથયાત્રા દરમિયાન ભગવાનના ત્રણ રથ સહિત કુલ વાહનોની સંખ્યા મહત્તમ પાંચની મર્યાદામાં રાખી શકાશે.
  • ભગવાનની રથયાત્રાના રૂટની આસપાસના વિસ્તારોમાં સંચારબંધી લાગુ કરવામાં આવશે. પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
  • રથયાત્રા દરમિયાન રૂટ પર ઊભા રહીને દર્શન કરવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં.

શા માટે આ શરતો પર ફેરવિચારણા કરવાની જરૂર છે

  • દાયકાઓથી ભગવાનની રથયાત્રાનો રૂટ એક જ રહ્યો છે. રથયાત્રાના રૂટ સાથે શહેરજનોની આસ્થા જોડાયેલી હોય છે. રૂટ બદલવાનો વિરોધ થઇ શકે છે.
  • ત્રણેય રથ ખેંચવા માટે સરકારે નક્કી કરેલી ખલાસીઓની સંખ્યા અપૂરતી છે. આ નિયમનું પાલન કરવા માટે ભગવાનના ત્રણેય રથ ટ્રેક્ટરથી ખેંચીને લઈ જવા પડશે.
  • રાજ્યના મુખ્યમંત્રીના કાફલામાં ઓછામાં ઓછા 10 વાહનો હોય છે જ્યારે ભગવાનની રથયાત્રામાં માત્ર પાંચ જ વાહનોને મંજૂરી અયોગ્ય છે.
  • અત્યાર સુધી ભક્તોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હતો આ વખતે ભગવાનના દર્શને ભક્તો આવે નહીં એ માટે કરર્ફ્યૂ લાદવામાં આવી રહ્યો છે.
  • પહેલીવાર એવું બનશે કે ભગવાન નગરચર્યાએ નીકળશે પણ ભક્તો રાજમાર્ગ પર વિહરી રહેલા ભગવાનના હાજરાહજૂર દર્શન, પ્રસાદથી વંચિત રહેશે.

ભગવાનના રથ 120 ખલાસીઓ જ ખેંચશે
અમદાવાદમાં દાયકાઓથી ભગવાનના રથ ખેંચવાનું કામ કરતા ખલાસીઓના અગ્રણી મફતલાલ ખલાસીએ જણાવ્યું હતું કે ‘એક રથ ખેંચવા માટે 20 ખલાસી પૂરતા નથી. ભગવાનના ત્રણેય રથ 120 ખલાસી જ ખેંચશે. 120 ખલાસીઓની યાદી તૈયાર છે. તમામે કોરોનાની રસી પણ લઈ લીધી છે.’

ભાસ્કર સવાલ: શું સરકાર નિયમોનું પાલન કરાવી શકશે?
રથ યાત્રા માટે સરકારે જે ગાઈડલાઈન બનાવી છે શું તેનું પાલન સરળ હશે? લોકોની આસ્થા સાથે જોડાયેલી રથયાત્રામાં સરકાર ભજન મંડળીઓ, અખાડાને તો રોકી લેશે, પરંતુ શું ભક્તોને દર્શન કરતા અટકાવી શકશે? શું માત્ર 5 કલાકમાં રથયાત્રા પૂરી થશે? વાહનોની મર્યાદાનું પાલન થઈ શકશે? કારણ કે, દોઢ વર્ષમાં કોરોના રોકવા સરકાર માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવી નથી શકી તો શું રથયાત્રામાં સરકાર આ નિયમોનું પાલન કરાવી શકશે? આ મુદ્દે હાઈકોર્ટ પણ સરકારની ઝાટકણી કાઢી ચૂકી છે. ભીડ પર નિયંત્રણના નિયમો છતાં અનલૉક પછી પ્રવાસન સ્થળો, બગીચા, રસ્તા પર ટોળેટાળા ઉમટી રહ્યાં છે. મુખ્યમંત્રી કહી ચૂક્યા છે કે ભીડ થશે તો અમે છૂટછાટ ખેંચી લઈશું. સરકાર ખરેખર રથયાત્રાના નિયમોનું પાલન ઈચ્છતી હોય તો તેણે ગંભીરતા દાખવવી પડશે અને જવાબદારી નિભાવવી પડશે. માત્ર ગાઇડલાઇનથી લોકોને કાબૂમાં રાખવા અશક્ય છે. ભક્તોએ પણ ધ્યાન રાખવું પડશે કે દર્શન માટે નિયમોનું ઉલ્લંઘન થાય નહીં.

અન્ય સમાચારો પણ છે...