તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોડફોડના CCTV ફૂટેજ:કૃષ્ણનગર ચાર રસ્તા પરના જ્વેલરી શોપમાં લાકડીથી તોડફોડ કરી ટોળાએ તાંડવ મચાવ્યું, સ્ટાફ ડરનો માર્યો થરથર કાંપ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
લાકડી લઈને જ્વેલરી શોપમાં તોડફોડ કરનાર સીસીટીવીમાં ઝડપાયા
  • જ્વેલરી શોપમાં તોડફોડ કરી અને કર્મચારીઓને માર માર્યો

અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા જ્વેલર્સમાં આઠ થી દસ લોકો લાકડીઓ સાથે ઘુસી આવ્યા હતા અને તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. દુકાનમાં નોકરી કરતાં યુવકને માર મારવા આવ્યા હોવાનું બહાર આવ્યું છે. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ટોળાએ લાકડી લઈને ઉત્પાત મચાવ્યો
કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા જ્યોતિ ગોલ્ડ પેલેસમાં આઠથી દસ લોકો લાકડી દંડા સાથે ઘુસી ગયા હતા અને આતંક મચાવ્યો હતો. આરોપીઓએ જ્વેલર્સમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં ત્રણ કર્મચારીઓને માર પણ માર્યો હતો. દુકાનદારના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેની અદાવત રાખીને આ ગેંગ તે વિસ્તારમાં રહેતા ધ્રુવ નામના યુવકને મારવા માટે જવેલર્સમાં ઘૂસ્યા હતા. ધ્રુવ છેલ્લા ત્રણ વર્ષથી આ જ્વેલર્સમાં નોકરી કરે છે.

કેટલાક શખસોએ લાકડી ઉગામીને સ્ટાફને ડરાવ્યો ધમકાવ્યો
કેટલાક શખસોએ લાકડી ઉગામીને સ્ટાફને ડરાવ્યો ધમકાવ્યો

પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મહત્વની બાબત તો એ છે કે ભર બજારમાં લગભગ 15 જેટલા અસામાજિક તત્વોનો આતંક નાગરિકોની સુરક્ષા પર સવાલ ઉભા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...