સુવિધા:ગુનેગારો, વાહનોની માહિતી પોલીસને હવે એક જ એપમાં મ‌ળી જશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પિનાક, એકલવ્ય, પથિક સહિતના સોફ્ટવેરના ડેટા સાથે ‘તરકસ’ નામની એપ તૈયાર કરાઈ

અમદાવાદના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કોઇપણ ગુનેગારની માહિતી મોબાઈલ ફોનથી મેળવી શકે તે માટે પિનાક, વાહનમાલિકની માહિતી માટે એકલવ્ય અને પથિક જેવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ઉપરોત તમામ ઉપરાંત પોલીસ સ્ટેશનને લગતી રોજીંદી માહિતી એક જ જગ્યાએથી જાણી શકાય તે માટે ‘તરકસ’ નામની નવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે શરૂ કરી દેવામાં આવશે.

રોડ પર નાકાબંધી દરમિયાન કે કોઇપણ ગુનાની તપાસમાં ગમે તે સમયે પોલીસ અધિકારી-કર્મચારી મોબાઈલ ફોનમાં જ હિસ્ટ્રીશીટરો અને ગુનેગારોની માહિતી જાણી શકે તે માટે પિનાક સોફ્ટવેર બનાવ્યું હતું. જો કે અમદાવાદમાં કોઇપણ ગુનેગાર એક વખત પણ પકડાય એટલે તેની માહિતી પિનાકમાં સોફ્ટવેરમાં અપડેટ કરી દેવાય છે. ​​​​​​​તેવી જ રીતે નાકાબંધી પોઈન્ટ ઉર વાહન ચેકિંગ દરમિયાન વાહનચોરને પોલીસ સરળતાથી પકડી શકે તે માટે એકલવ્ય એપ્લિકેશન તૈયાર કરી હતી.

આ એપ્લિકેશનમાં વાહનનો નંબર નાખતાં જ વાહનમાલિકનું નામ-સરનામું-મોબાઈલ નંબર તેમજ આ વાહન અગાઉ જેટલાં લોકોએ ખરીદ્યું કે વેચ્યું હોય તે જાણી શકાય છે. આવી ઘણી બધી એપ્લિકેશનોનો અમદાવાદ પોલીસ હાલમાં ઉપયોગ કરી રહી છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ ચાંદનાની ટીમે આ ‘તરકસ’ એપ્લિકેશન તૈયાર કરી છે.

ક્રાઈમ રેટ,જાહેરનામા, શી-ટીમની પણ માહિતી મળશે
​​​​​​​શહેરના તમામ પોલીસ સ્ટેશનો, શહેરનો ટોટલ ક્રાઈમ રેટમાં થઈ રહેલો વધારો ઘટાડો, ઈલેક્શનની તારીખો, પોલીસ કમિશનર દ્વારા જાહેર કરતા જાહેરનામા તેમજ શી-ટીમની કામગીરી સહિતની તમામ માહિતી આ ‘તરકસ’ એપ્લિકેશનમાં જોઈ શકાશે.આ એપની મદદથી પોલીસ કામગીરી અને ગુનાની તપાસ ઝડપી કરી શકાશે.

એપથી પોલીસ સ્ટેશનની કામગીરી પણ જાણી શકાશે
​​​​​​​પોલીસ સ્ટેશનમાં નોંધાતી ફરિયાદ, ગુમ થયેલી વ્યકિતની માહિતી તેમજ તે મળ્યા છે કે નથી મળ્યા તેની માહિતી પણ આ એપ્લિકેશનમાં આવરી લેવાઇ છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનને લગતી રોજીંદી મોટાભાગની બાબતોને પણ સરળતાથી જોઈ શકાય તેવી સુવિધા પણ આ એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...