રાજ્યભરમાં વ્યાજખોરો સામે મેગા ડ્રાઇવ:અઠવાડિયામાં 762 સામે ગુના દાખલ, વ્યાજના વિષચક્રમાં ફસાયેલાઓને બચાવવા 939 લોકદરબાર યોજાયા

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને વિષચક્રમાંથી મુક્ત કરાવવા સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજીને યોગ્ય તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી વ્યાજખોરોમાં ડરનું વાતાવરણ સર્જાયુ છે. આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે અને 762 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી 316 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો ઘણાની જીવનભરની ફસાઈ ગયેલી મૂડી પરત મળી છે.

રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા 939 લોકદરબાર યોજાયા
વ્યાજખોરોના ત્રાસ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે કે, કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. વ્યાજખોરોના ત્રાસથી લોકોને બચાવવા સરકારી તંત્ર દ્ધારા લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. જેમાં લોકો પોતાની વ્યથા પોલીસ સમક્ષ ઠાલવી રહ્યા છે. લોકદરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નાગરિકોની સમસ્યા સાંભળીને ફરિયાદોનું તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે છે. 5 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા 939 લોકદરબાર યોજાયા છે.

સરકારની સૂચનાઃ ખોટી રીતે પડાવેલા નાણા અરજદારને પરત આપવામાં આવે
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા ભેગી કરવાનો નથી.મળતી ફરિયાદોને નોંધવામાં આવે અને તેના આધારે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણાં પડાવ્યા હોય તે નાણાં અરજદારને પરત અપાવવાનો અભિગમ પણ અપનાવવમાં આવે.

બ્લડ કેન્સરથી પીડિત ચંપાબેનને 15 લાખનો ફ્લેટ પોલીસે પરત અપાવ્યો
સુરતના નયનાબેન નાથાભાઈ વીરાણીનું 8 લાખના ધિરાણ સામે મકાન પડાવી લઈ, 80 લાખની માગણી કરનારા વ્યાજખોરને સુરત પોલીસે સકંજામાં લીધો હતો.ત્યારબાદ નયનાબેનને વ્યાજખોરે મકાનનો દસ્તાવેજ પરત કરી માંડવાળી કરી હતી. આ જ પ્રમાણે ચંપાબેન અજુડિયા નામના અરજદારે બ્લડ કેન્સરની સારવાર માટે લીધેલાં પાંચ લાખની વસૂલાત કરવા વ્યાજખોરે 15 લાખની કિંમતનો ફ્લેટ પડાવી લીધો હતો. જો કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે અરજદારને ત્વરિત કાર્યવાહીમાં 15 લાખનો ફ્લેટ પરત અપાવ્યો છે. તો બીજી તરફ સુરતના પરમેશ્વર પરમારે 2.60 લાખ ધિરાણે લીધા હતા.જેની સામે 10 લાખની વસૂલાત કર્યાં પછી પણ વ્યાજખોરે 45 લાખના મકાનના દસ્તાવેજ લઈ લીધાં હતાં.પોલીસે અરજદારને દસ્તાવેજ પરત કરાવ્યાં છે.

વડોદરામાં વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ
વડોદરાના કલ્પેશ ગોહિલને 2018માં લીધેલાં 6 લાખના બદલામાં 20 લાખની માગણી વ્યાજખોરે કરી હતી.જેમાં બંને પક્ષ વચ્ચે પોલીસે સમાધાન કરાવી અરજદારને રાહત અપાવી છે. અન્ય કિસ્સમાં અશ્વિન પટેલે સંજય પરમારને 80 હજારમાં ભેંસ વેચાતી આપી હતી. બાદમાં નાણાં ચૂકવવામાં ન આવતાં અરજદારની સામે જ સમાધાન કરાવી પોલીસે ભેંસ પરત આપવાની બાહેંધરી લેવડાવી હતી. તો બીજી તરફ ઊંચા વ્યાજે મોટી રકમ પડાવવાના આરોપસર બે વ્યાજખોરો પ્રણવ ત્રિવેદી અને ગૌરાંગ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પાસા અંતર્ગત રાજકોટ અને ભૂજની જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે.

અમરોલીના વિનોદ જેઠવાની આપવીતી તેમના જ શબ્દોમાં જાણીએ
"એ દિવસે મેં નક્કી કરી લીધેલું કે હું અગાશીએથી કૂદી જઇશ ક્યાં તો ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લઇશ. મારી અંદર એક અજીબ પ્રકારની બેચેની હતી. પાંચ લાખ રૂપિયાની સામે મેં મારું મકાન તો લખી જ આપ્યું હતું ઉપરાંત 11 લાખ 68 હજાર ચૂકવી દીધા હતા. છતાં પેલો માણસ મહિને 15 હજાર માંગી રહ્યો હતો. પોલીસ મદદ નહીં કરે તો છેલ્લો ઉપાય આપધાતનો નક્કી હતો. મેં અમરેલી પોલીસને વાત કરી. બધી હકીકતો તપાસી એમણે મારા ખભે હાથ મૂક્યો. કહ્યું,‘આપઘાતનો વિચાર પણ નહીં કરતા…અમે તમારી સાથે છીએ!’.પોલીસે તાત્કાલિક જગદીશ ગોધામ સામે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી.પોલીસે મારા પરિવારને મુશ્કેલીમાંથી બચાવી લીધું.હવે નામદાર કોર્ટની મદદથી મને મારા ફ્લેટની ફાઇલ પાછી મળી જશે.

નરપતદાસના ચહેરાનું સ્મિત પરત લાવતી પોલીસ
સુરતમાં નરપતદાસે ગ્રેનાઈટના ધંધા માટે મિત્ર અજય સોલંકી પાસેથી 6 ટકાના વ્યાજે 16 લાખ રૂપિયા લીધા હતા.પરંતુ તેમનો ધંધો ચાલ્યો નહી અને તેમણે માંડ માંડ 13 લાખ રૂપિયા પરત કર્યા.પરંતુ અજય સોલંકી વ્યાજ છોડવા તૈયાર નહોતો. તેણે અન્ય 7.50 લાખ રૂપિયાની માંગ કરી. નરપતદાસે પોલીસને જાણ કરી અને પોલીસે તેમના 3 લાખના ચેક પરત અપાવ્યા. સુરતના વધુ એક કિસ્સામાં ફરિયાદી સુધીર ગોયાણી પાસેથી 25 લાખ રોકડ અને 3 દુકાનોના ઓવર વેલ્યુએશન તેમજ ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત 6 કરોડનો હિસાબ બે આરોપીઓએ કાઢ્યો હતો.ફરિયાદીએ 45 લાખ ચૂકવી દીધાં હોવા છતાં 3.57 કરોડની કુલ ઉઘરાણી ગણાવી વધુ 3.12 કરોડ માગ્યા હતાં.પોલીસે કરોડોની આ ઉઘરાણીમાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યા હતા.

નાણાની જરૂર પડે તો સરકારી યોજનાઓ લાભ ઉઠાવવો
દેશમાં કેન્દ્ર સરકાર સામાન્ય લોકો માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. નાના- મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે. પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે. વ્યાજખોરો આવી જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે.

અન્ય સમાચારો પણ છે...