તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવતો બોમ્બ મળ્યો:અમદાવાદમાં સરદાર બ્રિજ નીચેથી ક્રાઇમ બ્રાન્ચે લેણદારને ફૂંકી મારવા બનાવેલા 4 દેશી બોંબ સાથે યુવકને ઝડપ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
ક્રાઈમ બ્રાન્ચે બોમ્બ લઈને જતા આરોપીની ધરપકડ કરી
  • આ આરોપી અગાઉ આઠ વર્ષ પહેલાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં પકડાયેલો છે
  • ઝડપાયેલા શખસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને 4 દેશી બોમ્બ તથા એક ધારદાર છરો મળ્યો હતો
  • નશો કરવાની ટેવ હતી, ઉધારી ચઢી જતા સામેવાળાએ ફોન લઈ લીધો, જેથી તેને મારવા બોંબ બનાવ્યો

શહેર ક્રાઈમ બ્રાંચે રિવરફ્રન્ટ પાસેથી દેશી બનાવટના ચાર બોંબ લઈને જતા યુવકને બાતમીના આધારે ઝડપી લીધો હતો. સામાન્ય રીતે બોંબ અરાજકતા ફેલાવવા માટે વપરાતા હોય છે પરંતુ આ કિસ્સામાં બોંબ બનાવનારે તેની પાસેથી મોબાઈલ લઈ બાકી પૈસાની ઉઘરાણી કરનારને ઉડાવી મારવા માટે બનાવ્યાની કેફિયત રજૂ કરતા પોલીસે આ મામલે તપાસ આદરી છે.

ચાર દેશી બોમ્બ અને એક છરો કબજે કરાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દાણીલીમડા તરફના રિવરફ્રન્ટની ફૂટપાથ પર આજે સવારે જાવેદ ઉર્ફે બાબા બ્લોચ નામનો શખસ દેશી બનાવટના ચાર બોમ્બ લઈને પસાર થઈ રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને આ અંગેની બાતમી મળતાં તરત જ તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. વાદળી ટી શર્ટ અને વાદળી જીન્સ પહેરીને પસાર થઈ રહેલા આ શખસને ક્રાઈમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા શખસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને દેશી બોમ્બ નંગ 4 તથા ધારદાર છરો એક નંગ મળી આવ્યો હતો. ત્યાર બાદ તરત બોમ્બ-ડિસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવીને બોમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આરોપી પાસેથી મળેલા જીવતા દેશી બોમ્બ.
આરોપી પાસેથી મળેલા જીવતા દેશી બોમ્બ.

અગાઉ મારામારીના કેસમાં આરોપી પકડાયેલો છે
બોમ્બ સાથે ઝડપાયેલા શખસની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે પોતાના પૈસા લેનારી વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પોતે આ બોમ્બ બનાવ્યો હતો. હાલમાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં આ ઘટનામાં આરોપીની ઈચ્છાઓ શું હતી? 4 દેશી બોમ્બ સાથે તેઓ શહેરમાં શું કરવાનો હતો? આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ આરોપી અગાઉ આઠ વર્ષ પહેલાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં પકડાયેલો છે.

હત્યા કરવા માટે બોમ્બ બનાવ્યાનું કબૂલ્યું
આ મામલે જાવેદખાન બલોચ વિરુદ્ધ ગુનો નોંધી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતુ કે, જાવેદખાનને નશો કરવાની ટેવ હોઈ, કૃષ્ણનગરના અજય પાલ ઉર્ફે બોબી પાસેથી ડ્રગ્સ લેતો હતો. અજય તેની પાસે પૈસા ન હોઈ તેને ડ્રગ્સ આપતો હતો તાજેતરમાં લેણાં પૈસા જાવેદ આપતો ન હોઈ અજય પાલે તેનો મોબાઈલ ફોન લઇને બાકીના પૈસા આપવા માટે દબાણ કર્યું હતું. જેથી અજયપાલને ફસાવી દેવા કે તેની હત્યા કરવા માટે જાવેદખાને જાતે બોંબ બનાવ્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે.

અજય જામનગરના કિરીટ જોષી હત્યા કેસનો આરોપી
આ બનાવમાં જેને મારવા કે ફસાવવા માટે દેશી બનાવટના બોંબ બનાવાયા હોવાનું કહેવાય છે તે અજયપાલ ઉર્ફે બોબીએ જામનગરના ચકચારી એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસના આરોપીઓને અમદાવાદમાં આશરો આપ્યો હતો. આ કેસમાં પોલીસે અજયપાલ વિરુદ્ધમાં હત્યારાઓને મદદગારીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.