રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમના તાબા હેઠળની ક્રાઈમ બ્રાંચ તોડબાજી કરતી હોવાના ધારાસભ્ય ગોવિંદ પટેલના આક્ષેપોએ ભૂકંપ મચાવી દીધો હતો. આ વિવાદમાં કમિશનર મનોજ અગ્રવાલની સજારૂપે જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી દેવાઈ હતી, જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ACBને તપાસ સોંપાઈ હતી. ત્યાર બાદ રાજકોટની નવી ક્રાઈમ બ્રાન્ચનાં મહિલા PSIની ટીમે 394 પેટી દારુ ભરેલી ટ્રક સાથે ચાલકનું અપહરણ કરતાં સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઝડપાયા હતા. આમાં PSI ભાવના કડછા અને ચાર પોલીસકર્મી સહિત પાંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચને ક્રાઈમ કરવા છુટ્ટો દોર મળ્યાની ઊપસેલી છબિ
જઘન્ય અપરાધો અને એવા ગુનાઓ, જેને ઉકેલવામાં સ્થાનિક પોલીસનો પનો ટૂંકો પડે એવા કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા હોય છે. ગુના નિવારણ શાખા તરીકે ઓળખાતી ક્રાઈમ બ્રાન્ચ ગુજરાતનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કાર્યરત છે, પરંતુ હમણાં-હમણાં તો ઉપરાછાપરી એવા કિસ્સાઓ બન્યા છે, જેમાં ખુદ ક્રાઈમ બ્રાન્ચ જ મોટા-મોટા ક્રાઈમ કરતી હોવાનું જણાયું છે. આ સ્થિતિમાં ક્રાઈમ બ્રાન્ચની છબિ તો ખરડાઈ જ છે, પરંતુ સાથે-સાથે ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓને જાણે ક્રાઈમ કરવાનો પીળો પરવાનો મળી ગયો હોય એવી પણ છાપ ઊપસી રહી છે. તો જોઈએ એવા કેટલાક કિસ્સાને, જેમાં ક્રાઈમ બ્રાન્ચની ભૂમિકા સામે સવાલો ખડા થયા છે.
કિસ્સો-1: પોલીસનું જ હનીટ્રેપકાંડ, અમદાવાદમાં મહિલા ક્રાઈમનાં PIએ 26 લાખ પડાવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હેઠળનાં મહિલા પોલીસ સ્ટેશનનાં પૂર્વ PI ગીતા પઠાણ અને તેમની બનાવેલી ગેંગ લોકોને સોશિયલ મીડિયામાં ફસાવીને હોટલમાં લઈ જતી હતી. ત્યાર બાદ ગેંગની યુવતી દ્વારા ટાર્ગેટને હોટલમાં લઈ જવાતો અને પછી પોલીસ યુવતીના નામે ટાર્ગેટને ફોન કરતી હતી. હનીટ્રેપમાં ફસાયેલાને પોલીસ સ્ટેશનમાં બોલાવી સેટલમેન્ટ કરતી હતી. આ અંગે સત્તાવાર રીતે ચાર ફરિયાદ થઈ તો પોલીસ અને તેની ગેંગે રુ. 26 લાખ પડાવી લીધાનું બહાર આવ્યું. આમાં મહિલા PI ગીતા પઠાણનો 50 ટકા ભાગ રાખવામાં આવતો હતો. આ સમગ્ર રેકેટમાં વધુ લોકો ફસાયા છે. ગીતા પઠાણ તથા તેમની પોલીસ ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચ જ તપાસ કરી રહ્યું હતું.
કિસ્સો-2: પાસાની ધમકી આપી ક્રાઈમ મહિલા PSIએ 20 લાખ પડાવ્યા
GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના MD કેનાલ શાહ વિરુદ્ધ 2017માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનનાં PSI શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સામે કેસમાં સાક્ષીને ધમકાવવા અંગે કેનાલ શાહ સામે સેટેલાઈટમાં ફરિયાદ થઈ હતી. આમ, બે બે કેસ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં PIનો ચાર્જ ધરાવતાં PSI શ્વેતાએ કેનાલને પાસા હેઠળ પૂરી દેવાની ધમકી આપી રૂ. 35 લાખ માગ્યા હતા. આમાં તેમને 20 લાખ ચૂકવી દેવાયા હતા, પરંતુ 15 લાખ બાકી હતા. આ માટે કેનાલ શાહે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી, જે અંગે તપાસમાં પુરાવા મળતાં PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી SOGને તપાસ આપી હતી. SOGએ પણ પુરાવાના આધારે PSI શ્વેતા જાડેજાની ધરપકડ કરી હતી.
કિસ્સો-3: ક્રાઈમ બ્રાંચમાં વેપારી ફસડાઈ જતાં બધે CCTV લાગ્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એક PIને કારણે જ સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લાગ્યા છે. બન્યું એવું કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન PI પરેશ સોલંકીએ કોઈ વેપારીને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ થોડીવારમાં આ વેપારી કેબિનમાંથી દોડતા-દોડતા બહાર આવ્યા અને ક્રાઇમ બ્રાંચના હીંચકા પાસે ફસડાઈ પડ્યા હતા. આ વાતની વેપારીએ ઉચ્ચ લેવલે ફરિયાદ કરતાં સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યાર બાદ કોર્ટે સમગ્ર રાજ્યનાં બધાં પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા લગાવવા ઓર્ડર કર્યો હતો. આ અંગે PIL કરનારા પ્રકાશ કાપડિયાએ જણાવ્યું હતું કે મેં એ સમયે કરેલી PIL બાદ રાજ્યના 584 પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા લગાવવાનો ઓર્ડર થયો હતો.
કિસ્સો-4: રાજકોટમાં તો કમિશનર સહિત આખી ક્રાઈમ બ્રાંચ વિવાદમાં
રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે 75 લાખના તોડકાંડના આક્ષેપ કર્યા હતા, જેમાં તપાસ બાદ રાજ્ય સરકારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સજારૂપે જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી હતી. જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ACBને તપાસ સોંપાઈ હતી. આ ઘટનામાં બિઝનેસમાં રોકાણ મામલે ફ્રોડમાં નાણાંની રિકવરીમાં કમિશનપેટે પોલીસ જ આ રીતનો તોડ કરતી હોવાનું તપાસ અંતે બહાર આવ્યું હતું.
કિસ્સો-5: રાજકોટ ક્રાઈમ બ્રાંચે દારૂની પેટીઓ સહિત ટ્રકનું અપહરણ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાએથી રાજકોટ ક્રાઈમ બ્રાંચના મહિલા PSIના સ્ટાફે 394 પેટી વિદેશી દારૂ ભરેલી ટ્રકનું ચાલક સહિત અપહરણ કર્યું. ટ્રકને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ લઈ જતો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઝડપાઈ ગયા. મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ મળી ચાર સામે અપહરણની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી અને ધરપકડ કરાઈ. રાજકોટ ક્રાઇમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે આ પ્રકરણમાં વિવાદાસ્પદ મહિલા PSI ભાવના કડછા અને ચાર પોલીસકર્મી દેવા ધરજિયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ જાડેજા અને સુભાષ ઘોઘારીને સસ્પેન્ડ કર્યા છે.
કિસ્સો-6: રાજકોટના બૂટલેગરે મર્ડર કર્યું, ક્રાઈમ બ્રાંચે 95 લાખનો તોડ કર્યો
રાજકોટના થોરાળા વિસ્તારના કુખ્યાત બૂટલેગર અલ્તાફે યુવાનની હત્યા કરી. બે વર્ષે તેની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ હતી. ધરપકડ પછી છ દિવસ સુધી તેને ક્રાઈમ બ્રાંચમાં જ રાખીને ધરપકડ બતાવાઈ નહોતી. આ દરમિયાન અલ્તાફના લેપટોપમાં કરોડો રૂપિયાના હિસાબો મળ્યા. અલ્તાફને હત્યામાં મદદગારી કરનારાનાં નામ નહીં ખોલવા મુદ્દે પોલીસે રુ. 3 કરોડ માગ્યા, અંતે, 95 લાખ ચૂકવવાનું નક્કી થયું. રાજ્ય પોલીસવડાએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. આ મામલાની તપાસ DCP ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ કરી હતી, જેમણે એ સમયના PSI જેબલિયાની સુરત બદલી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.