સેટેલાઈટમાં રહેતા અને ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા વેપારીએ ધંધા માટે પૈસાની જરૂર હોવાથી 3 વ્યાજખોર પાસેથી ઊંચા વ્યાજે 16 લાખ લીધા હતા, જે પૈકી 6થી 7 હપતા ચૂકવ્યા બાદ વેપારી પૈસા ચૂકવી શક્યા ન હતા, જેથી ત્રણેય ઘરે આવી તેમ જ ફોન કરીને પૈસાની ઉઘરાણી બાબતે ટાંટિયા તોડી દેવાની ધમકી આપતા આખરે વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રામદેવનગરના સારથિ એવન્યુમાં રહેતા જસ્મિન રામી જોધપુર ગામમાં ગોડાઉન ધરાવી ફ્લાવર ડેકોરેશનનું કામ કરે છે. 2020માં જસ્મિનભાઈને ધંધામાં પૈસાની જરૂર હોવાથી તેજા દેસાઈ પાસેથી રૂ.8.50 લાખ વ્યાજે લીધા હતા. જ્યારે ગૌરવસિંહ પાસેથી 4.50 લાખ અને સેટેલાઈટ મોકા રેસ્ટોરાં પાસેની વી. કે. ફાઇનાન્સના માલિક વિરમ દેસાઈ પાસેથી 3 લાખ લીધા હતા. આ ત્રણેયને જસ્મિનભાઈએ 6થી 7 હપતા ચૂકવ્યા હતા. ત્યાર બાદ પૈસા ચૂકવી શક્યા ન હતા.
જ્યારે 10-10-2022ના રોજ તેજા જસ્મિનના ઘરે આવ્યો હતો અને 15 લાખ આપી દેવા દબાણ કરી ધમકી આપી હતી. જ્યારે ગૌરવસિંહ પૈસાની સામે જસ્મિનભાઈની ગાડી લઈ ગયો હતો અને પૈસા આપી ગાડી લઈ જવા કહ્યું હતું. જ્યારે વિરમ દેસાઈ પણ પૈસાની ઉઘરાણી માટે ફોન કરી ધમકી આપતા હતા. આ ત્રણેય જણ પૈસાની ઉઘરાણી માટે ઘરે આવી તેમ જ ફોન પર ટાંટિયા તોડી દેવાની ધમકી આપી ત્રાસ આપતા હોવાથી જસ્મિનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઓઢવમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ
ધમકી આપતા હોવાથી હાથની નસ કાપી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 100 દિવસમાં વ્યાજખોરની સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે ત્યારે જ ઓઢવ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક વેપારીએ હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
મૂળ પાટણના સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામમાં રહેતા ધવલ પ્રજાપતિએ અમદાવાદમાં પ્રજાપતિ એન્ટરપ્રાઇઝ નામથી ઓઢવમાં દુકાન શરૂ કરી હતી. ત્યાર બાદ બીજી ત્રણ બ્રાંચ ખોલી હતી. આ ધંધાના કામે તેમણે અલગ અલગ લોકો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા, જેનંુ વ્યાજ પણ સમયસર ચૂકવાતું હતું, પરંતુ તેમ છતાં વ્યાજખોરો તેમને ધાકધમકી આપતા હતા.
દરમિયાન તેમનાં ભાઈબહેનના લગ્ન હોવાથી વ્યાજખોરોએ તેમના ઘરે આવી લગ્ન ન થવા દઈએ તેવી ધમકી આપતા ધવલ પ્રજાપતિએ ઘરે વ્યાજખોરોના ટેન્શનમાં આવી ડાબા કાંડા પર ચેકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સિવિલમાં સારવાર બાદ રજા મળ્યા પછી વતનમાં જતા રહ્યા હતા, જ્યાં તેમની પાસે ફરી વ્યાજખોરોએ પૈસા માગતા કંટાળી તેમણે ઓઢવ પોલીસમાં હર્ષદ દેસાઈ, કૌશિક દેસાઈ, આનંદ દેસાઈ, વિજય ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.