ટેસ્ટ મેચમાં ખાલિસ્તાની ધમકી આપનારા બે ઝડપાયા:ક્રિકેટ મેચ પર હુમલાનો પ્રિરેકોર્ડેડ મેસેજ ટ્રેસ કરીને અમદાવાદ પોલીસ મધ્યપ્રદેશ સુધી પહોંચી, ખાલિસ્તાની કનેક્શન અંગે તપાસ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી ગેરકાયદેસર એક્સચેન્જ મળી આવ્યું

ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ અમદાવાદમાં ચાલી રહી છે ત્યારે મેચ જોવા માટે અમદાવાદ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ વચ્ચે ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોનો પ્રિરેકોર્ડડ મેસેજ કરી ધમકી આપતો મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કર્યો હતો. મેસેજ વાઈરલ કરનાર સામે જાણવાજોગ નોંધ કરી તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે અમદાવાદ સાઇબર ક્રાઈમે મધ્યપ્રદેશથી 2 યુવકની ધરપકડ કરી છે.

કોલ સેન્ટરની મુશ્કેલ ટેક્નિક છતાં સાયબર ક્રાઈમને સફળતા
સાયબર ક્રાઈમના ડીસીપી અજિત રાજીયને જણાવાયું હતું કે મેસેજને ટ્રેસ કરીને અમે મધ્યપ્રદેશના 2 વ્યક્તિ સુધી પહોંચ્યા હતા. જે હકીકતને ખાલિસ્તાન સાથે જોડાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આરોપીઓ પાસેથી ગેરકાયદેસર એક્સચેન્જ મળી આવ્યું છે. એક્સચેન્જનો ઉપયોગ ગેરકાયદેસર કામ કરવામાં માટે થાય છે. મોટા ભાગના હવાલા અને સ્મગ્લિંગ જેવાં કામમાં કરવામાં આવે છે. આરોપીઓને પ્રલોભન આપીને તેમના પાસે મેસેજ વાઈરલ કરાવવામાં આવ્યો છે. આરોપીઓએ જે ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો, તેનાથી તેમને પકડવા મુશ્કેલ હતાં છતાં પોલીસને સફળતા મળી છે.

અમદાવાદની સાયબર ક્રાઇમ ઓફિસ (ફાઈલ તસવીર)
અમદાવાદની સાયબર ક્રાઇમ ઓફિસ (ફાઈલ તસવીર)

બંને દેશના PM મેચ જોવા આવ્યા ત્યારે ધમકી અપાઈ
ખાલિસ્તાન સમર્થક ગ્રૂપ દ્વારા ધમકી મળતાં જ મેચના પ્રથમ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેડિયમની પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેસેજ વાઈરલ કરનારની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને આ અંગે સફળતા મળી છે. સાયબર ક્રાઈમે 2 આરોપીઓની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવતીકાલ સુધી આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.

ધમકીભર્યા મેસેજમાં કહેવાયું, ‘ભારત-ઓસી વચ્ચે ટેસ્ટ જોવા જતા હોવ તો સાવધાન રહેજો’
ધમકીને લઈને બન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રખાઈ છે. બન્ને દેશના વડાપ્રધાન અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યા તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયો હતો.

અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાઉ ઉચ્ચારણો કરી ગુજરાતના લોકોને કહેવામાં આવ્યું છે, ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો.’ આ આખો મેસેજ અંગ્રેજીમાં છે, જેને રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્વારા સંભળાવવામાં આવી રહ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે આવા એક મેસેજને ટ્રેસ કરીને તપાસ ચાલુ કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા એક મેસેજને ટ્રેસ કરીને તપાસ ચાલુ કરી ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલિસ્તાની ગ્રુપના લોકોનું ષડ્યંત્ર હોવાનું ખૂલ્યું છે. આ મેસેજને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્પ્રેડ કરવામાં આવી રહ્યો છે. મેસેજમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના નામ જોગ સંબોધન છે, જેના પગલે હવે બન્ને દેશના ખેલાડીઓ અને સ્ટેડિમમાં મેચ જોવા આવતા દર્શકોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

ખાલિસ્તાનીઓને ISISના સમર્થનથી ચિંતા વધી
ધમકીને ગુજરાત પોલીસ ગંભીરતાથી લઈ રહી છે, કારણ કે ખાલિસ્તાની આતંકીઓને ISISનું સમર્થન છે. ચોટીલાથી માંડીને અમદાવાદ સુધીમાં ISISની વિચારધારાથી પ્રેરાઈ લોનવૂલ્ફ એટેક થઈ ચૂક્યા છે. સ્લિપર સેલ મેચ દરમિયાન કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે સુરક્ષા વધારાઈ છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ (પ્રતિકાત્મક તસવીર)
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ (પ્રતિકાત્મક તસવીર)

ATS, ક્રાઈમ બ્રાન્ચ, SOGએ સર્વેલન્સ વધાર્યું
ખાલિસ્તાની આતંકીઓની ધમકી પછી એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ગ્રાઉન્ડથી માંડીને સોશિયલ મીડિયા સુધીની વોચ વધારી દીધી છે. જૂના સીમી સાથે સંકળાયેલા લોકોથી માંડીને દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકો પર પણ વોચ વધારી દેવાઈ છે.

અમૃતસરની જી-20 સમિટ પણ નિશાન પર
ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ આગામી દિવસોમાં અમૃતસરમાં યોજાવા જઈ રહેલી જી-20ની સમિટ અંગે પણ ધમકી ઉચ્ચારી છે. આ થ્રેટ તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. જેને પગલે પણ દેશભરની સુરક્ષા એજન્સીઓએ આ સમિટની સુરક્ષાની સમીક્ષા શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...