અમદાવાદમાં ઉત્તર ભારતીય સંગઠનનું શક્તિ પ્રદર્શન:સી.આર.પાટીલે કહ્યું-અર્બન નક્સલાઈટ પ્રવૃત્તિ કરનારાને જગ્યા બતાવી દો, મેધા પાટકરને ટીકીટ આપનારાનું ગુજરાતમાં સ્થાન નથી

અમદાવાદ19 દિવસ પહેલા
મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો સાથે કેસરિયો ધારણ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા સામાજિક આગેવાન અને યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજેન્દ્ર ચૌહાણ હજારો સ્થાનિકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ભવ્ય શક્તિ પ્રદર્શન કરીને મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો સાથે કેસરિયો ધારણ કર્યો હતો. સી.આર.પાટીલે કહ્યું-અર્બન નક્સલાઈટ પ્રવૃત્તિ કરનારાને જગ્યા બતાવી દો, મેધા પાટકરને ટીકીટ આપનારાનું ગુજરાતમાં સ્થાન નથી.

તેજેન્દ્ર ચૌહાણ પૂર્વ વિસ્તારમાં ઉત્તરી ભારતીય સમાજનો જાણીતો ચહેરો છે તેમના ઘર આંગણે દર અઠવાડિયે દરબાર ભરાય છે જેમાં લોકોની સામાજિક ,આર્થિક મદદ કરવામાં આવે છે. કોરોનાકાળમાં પણ તેજેન્દ્ર ચૌહાણ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીય સમાજના સહાયક બન્યા હતા. હવેથી તેજેન્દ્ર ચૌહાણ સમાજના આગેવાન સાથે ભાજપના કાર્યકર તરીકે પણ ઓળખાશે, જેનાથી ભાજપને આગામી ચૂંટણીમાં મોટો ફાયદો થશે. સી.આર. પાટીલે તેજેન્દ્ર ચૌહાણનું ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. 5000 કરતા વધુ લોકોની હાજરીમાં 500 લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ઉત્તર ભારતીયોના સંમેલનમાં ઉપસ્થિત લોકો.
ઉત્તર ભારતીયોના સંમેલનમાં ઉપસ્થિત લોકો.

રેવડી નહીં વિકાસના મોડલ પર નરેન્દ્ર મોદીએ બેવાર સરકાર બનાવી
આ દરમિયાન સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, તેજેન્દ્રભાઈએ યોગ્ય નિર્ણય લીધો હતો. અમરાઈવાડીમાં વિકાસ કરવા માટે નિર્ણય લીધો છે. 2022ની ચૂંટણી નજીક છે ત્યારે લોકો અલગ અલગ ઓફર લઈને આવે છે. પરંતુ ઓફરમાં ફસાયા વિના તમે નિર્ણાયક બનીને આવ્યા છો, તે યોગ્ય નિર્ણય છે.કોઈ રેવડી નહી પરંતુ વિકાસના મોડલ પર નરેન્દ્ર મોદીએ 2 વખત સરકાર બનાવી છે. દેશમાં ફ્રીમાં વેક્સિન આપી છે. ફ્રી આપવું હોય તો આવું કંઈક આપવું જોઈએ. એકપણ વ્યક્તિ ભૂખમરાને કારણે મર્યો નથી. વિદેશમાં કાર લઈને કોરોનામાં બ્રેડ લેવા લાઇન લાગતી હતી, અહીં તો ફ્રીમાં અનાજ મળી રહે એવી વ્યવસ્થા કરી છે.

કોરોનામાં દિલ્હી સરકારે બધાને ભગાવી દીધા
​​​​​​​પાટીલે વધુમાં કહ્યું કે, કોરોનામાં દિલ્હીની રાજ્ય સરકારે અફવા ફેલાવી હતી. જેનાથી લોકો જઈ ના શક્યા. સરકારે બધાને ભગાવી દીધા. ગુજરાતમાં ત્રીજા લોકડાઉન સુધી એક પણ વ્યક્તિ રાજ્ય છોડીને ગયો નથી. નરેન્દ્ર મોદીએ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. હાથ આપવા માટે લાંબો કરે અને હાથ માંગવા ક્યારેય લાંબો ના કરે તે ગુજરાતી છે.

મેધા પાટકરે નર્મદાનું પાણી રોક્યું
​​​​​​​​​​​​​​ભાજપના કાર્યકરો લોકોની વચ્ચે ફરતા હતા. રાજ્યના લોકોની ચિંતા કરવી તે પ્રથમ કર્તવ્ય છે. વિકાસને જોઈને ગુજરાત મોડલ પર પ્રધાનમંત્રીને 2 વખત સરકાર બનાવવા મોકલ્યા છે. બીજા દેશમાં ઘુસતા આતંકવાદી, નિર્દોષ લોકોને મારતા હતા, આજે દુશ્મનો પુરા થઈ ગયા છે. અર્બન નકસલાઈટ પ્રવૃત્તિ કરવા વાળાને તેની જગ્યા બતાવવા મારી વિનંતી છે.મેધા પાટકરે નર્મદાનું પાણી રોક્યું છે અને બંધ ના બાંધવા દીધો, બંધ બંધાવ્યા બાદ પણ પાણી ન પહોંચવા દીધું. મોદીએ રસ્તો કાઢી બંધ બનાવ્યો અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડ્યું. મેધા પાટકરને લોકસભાની ટિકિટ આપતા લોકોને ગુજરાતમાં સ્થાન નથી.

અન્ય સમાચારો પણ છે...