ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આજે જન્મ દિવસ છે. ત્યારે સી.આર પાટીલના જન્મદિને મોટી ગિફ્ટ મેળે તેવી શક્યાતાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને તેમના જન્મ દિવસ પર મોટી જવાબદારીઓની ભેટ આપી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીને લઇ તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવી શકે છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સંમતિ મળી ગઈ છે અને ટૂંક સમયમાં આ અંગે જાહેરાત થઈ શકે છે.
રાજસ્થાનના ઇન્ચાર્જ બને તેવી શક્યતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક સીટ મેળવી ભાજપે જે વિક્રમ સર્જ્યો હતો. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન પરદા પાછળ કામ કરનારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ખુબ મોટી ભૂમિકા ભજવી છે. જેના કારણે ભાજપે 156 સીટ પર બહુમત હાંસલ કરી માધવસિંહ સોલંકીના વર્ષ 1985ના રેકૉર્ડને તોડી નાખ્યો છે. એવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આજે જન્મ દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટી ભેટ આપતા આગામી વિધાનસભા ચૂંટણીને લઇ તેમને રાજસ્થાનના ઇન્ચાર્જ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ
સી.આર. પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના અને વિશ્વાસુ મનાય છે. નરેન્દ્ર મોદી વારાણસી બેઠકના તમામ કામ સીઆરને સોંપતા હતા. સાથે જ ઉત્તરપ્રદેશ, બિહાર સહિતની દેશના અન્ય રાજયોની ચૂંટણીમાં સી.આર. પાટીલને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાજસ્થાનમાં વસુંધરા ફેક્ટરને પહોંચી વળવા અને ભાજપને મોટી જીત આપવવા સી.આર પાટીલને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ચૂંટણી વ્યૂહરચનાના કર્તાધર્તા પાટીલ
વર્ષ 2009થી અત્યાર સુધી નવસારી લોકસભા મતવિસ્તારમાંથી વિક્રમી મતથી જીતનાર પાટીલભાઉને ચૂંટણી રણનીતિના નિષ્ણાંત માનવામાં આવે છે. ચૂંટણી દરમિયાન ભાજપની માઇક્રો લેવલની વ્યૂહરચનાના કર્તાધર્તા સી.આર પાટીલને માનવામાં આવે છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.આર.પાટીલની કામગીરીના વખાણ કર્યા હતા.
ભાજપ માટે રાજસ્થાનમાં જૂથવાદ એક મોટો પડકાર
આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રાજસ્થાનમાં જૂથવાદનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, આગામી ચૂંટણીને લઇ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાવ્યા છે. તો બીજી તરફ રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. સતિશ પુનિયાએ પણ પોતનો દાવો રજૂ કર્યા છે. એવામાં જો સી.આર પાટીલને રાજસ્થાનના ઇન્ચાર્જ બનાવવામાં આવે તો તેમના માટે ભાજપના અનેક જૂથોને એક સાથે લાવવા અને ચૂંટણીમાં જીત હાંસલ કરવી એ એક મોટો પડકાર સાબીત થઈ શકે છે. આ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાનના વર્તમાન પ્રભારી અરૂણ સિંહને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રમાં જન્મ અને સુરતમાં શિક્ષણ
સી આર પાટીલ પ્રથમ એવા ભાજપના પ્રમુખ છે જે નોન ગુજરાતી છે. રાજકારણમાં પ્રથમ પેઢીના એટલે કે રાજકીય ભૂતકાળ ન ધરાવતા પાટીલ પરિવારમાંથી ઉછરીને આવેલી ચંદ્રકાંત રધુનાથ પાટીલનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય પણ તેમનું શિક્ષણ સુરતમાં થયું છે. તેઓ 1975માં પિતાના પગલે પોલીસ બેડામાં ભરતી થયા હતા. જો કે રાજકીય ગુણો ધરાવતાં અને સામે પાણીએ તરવામાં માહેર સીઆર પાટીલે પોલીસનું યુનિયન બનાવવા પ્રયત્ન કર્યો હતો. જો કે તેમાં તેઓ ફાવ્યા નહી અને બરતરફ થયા હતા. બાદમાં તેમણે રાજકીય ક્ષેત્રે સંઘર્ષ કર્યો હતો. જેમાં તેઓ ત્રણ વખત સાંસદ બનવાથી લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યાં છે.
કાશીરામ રાણાના વિશ્વાસુ બન્યા
જન્મે મહારાષ્ટ્રીયન પણ સુરતમાં આઈ.ટી.આઈ.ફીટર સુધીનું શિક્ષણ મેળવનારા સીઆર પાટીલ પોલીસ ખાતામાંથી નીકળ્યા. 1989માં સીઆર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ. એ વખતે કાશીરામ રાણાનો સુરતમાં દબદબો હતો. તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવતા હતાં. સીઆર તેમની સાથે જોડાઈ ગયા અને કાશીરામ રાણાના ખાસ વિશ્વાસુ બની ગયા હતાં. કાશીરામ રાણા પાસેથી જ તેઓએ સંગઠનના ગુણો શીખ્યા હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતમાં દબદબો ઉભો કર્યો
સીઆર પાટીલ રાજકારણમાં તો ઘણા સમયથી આવી ગયા હતાં. પરંતુ પહેલી ચૂંટણી તેઓ નવસારી લોકસભાની બેઠક અલગ થઈ ત્યારે 2009માં લડ્યા અને જંગી બહુમતિથી વિજેતા બન્યા હતાં. નવસારી બેઠક પરથી તેઓ છેલ્લી ત્રણ ટર્મથી વિજેતા બની રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં તેઓ ભારે દબદબો ધરાવે છે. આ દબદબાએ જ તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.
ફંડીગ મેનેજર બન્યા
ભાજપના ફંડીગ મેનેજર તરીકે સીઆર પાટીલનું ખૂબ ઊંચુ નામ હોવાનું સામે આવી રહ્યું છે. સુરતના ટેક્સટાઈલના વેપારીઓ અને ઉદ્યોગકારો તથા હીરા ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવાથી લઈને તેમના સંગઠનોમાં સીઆરનું ઘણું ઉપજે છે. જેથી ચૂંટણી સમયે ભાજપ માટે ફંડ એકઠું કરવામાં તેઓ સતત અગ્રેસર રહ્યા છે. જેથી રાજકીય રીતે તેમનું કદ ખૂબ ઊંચ થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.