નિવૃત્ત કલેક્ટરના પુત્રવધૂની આત્મહત્યા કેસ:CP પટેલ અને તેમના પત્ની વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાશે, એક-બે દિવસમાં મંજૂરી આવતા બંનેની ધરપકડ કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સેટેલાઇટ પોલીસે ગુના નોંધવાની મંજૂરીની કાર્યવાહી શરૂ કરી

સેટેલાઇટમાં નિવૃત્ત કલેક્ટર સી.પી.પટેલનાં પુત્રવધૂ કૃપાબેને કરેલી આત્મહત્યાની ઘટનામાં સેટેલાઈટ પોલીસે સસરા સી.પી.પટેલ અને સાસુ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા તજવીજ આદરી છે. એકાદ-બે દિવસમાં જ મંજૂરી આવ્યા બાદ સેટેલાઈટ પોલીસ કૃપાબેનનાં સાસુ-સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી, બંનેની ધરપકડ કરશે.

સેટેલાઈટ રામદેવનગર ખાતેના શૈલરાજ બંગ્લોઝમાં રહેતાં કૃપા પટેલે 14 ઓક્ટોબરે ગુરુવારે બપોરે 12 વાગ્યે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વર્ષ 2018માં ચિરાગને અકસ્માત થયો હતો, જેમાં તેને હેમરેજ થયું હતું. જોકે ચિરાગની કસ્ટડી અને ચિરાગના ભાગની મિલકત માટે કૃપાને સાસુ-સસરા સાથે વિવાદ ચાલતો હતો. એટલું જ નહીં આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા કાયદાકીય લડત પણ ચાલતી હતી. જ્યારે હાલમાં ચિરાગની કસ્ટડી તેનાં માતા-પિતા પાસે હોવાથી તે તેલાવ ખાતેના ફાર્મ હાઉસમાં રહેતાં હતાં.

આ દરમિયાન કૃપાબેને ગુરુવારે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આત્મહત્યા પહેલાં કૃપાએ ચિઠ્ઠી લખી હતી, જેમાં ચિરાગના હિસ્સાની તમામ મિલકત બંને દીકરીઓ દેવાંશી-યાનાને મળે. જોકે કૃપાબેનને સાસુ-સસરા સાથે લાંબા સમયથી વિવાદ ચાલતો હોવાથી પોલીસે બંગલામાંથી સીસીટીવી ફૂટેજ, સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા.

જ્યારે ચિઠ્ઠી સહિતના પુરાવાના આધારે સેટેલાઈટ પોલીસે કૃપાના સસરા નિવૃત્ત કલેક્ટર સી.પી.પટેલ અને સાસુ વિરુદ્ધ કૃપાને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા તજવીજ આદરી છે. આ માટે સેટેલાઈટ પોલીસે ઉપરી અધિકારીઓની મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉપરી અધિકારીઓની મંજૂરી આવ્યા બાદ 1-2 દિવસમાં જ પોલીસ સી.પી.પટેલ અને તેમનાં પત્ની વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધશે.

અન્ય સમાચારો પણ છે...