તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ ટાસ્ક ફોર્સના સૂચનો:જેણે વેક્સિન લીધી હશે તેઓનો જીવ બચી જશે, બ્લડ ક્લોટિંગ વધી રહ્યું હોવાથી કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છેઃ ડો.તેજસ પટેલ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો - Divya Bhaskar
ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો
  • 29 એપ્રિલથી બીજી લહેર સ્થિર થતા કેસો ઘટવા લાગ્યા છે
  • ત્રીજી લહેરનો સામનો કરવા ડિટેઈલ પ્લાન ઘડાશે
  • તકલીફ વિના સિટી સ્કેન કરાવવાની જરૂર નથી
  • 80 ટકા દર્દીઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે તો સામાન્ય દવાથી સાજા થઈ જાય

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસો ઘટવા લાગ્યા છે. પરંતુ સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતે તૈયારીઓ આરંભી દીધી છે. જેને પગલે કોર કમિટી અને કોવિડ ટાસ્ક ફોર્સ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું. ડો.તેજસ પટેલે જણાવ્યું કે, જેણે વેક્સિન લીધી હશે તેઓનો જીવ બચી જશે, બ્લડ ક્લોટિંગ વધી રહ્યું હોવાથી કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

ત્રીજી લહેર સામે લડવા બે ત્રણ દિવસમાં ડિટેઈલ પ્લાન બનાવાશે
​​​​​​​ડો.અતુલ પટેલે જણાવ્યું કે, બીજી લહેર 29 એપ્રિલથી સ્થિર થયા બાદ કેસ ઘટી રહ્યા છે. નવા કેસની સામે ડિસ્ચાર્જ વધુ છે. ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવા માટે બે ત્રણ દિવસમાં ડિટેઈલ પ્લાન બનાવવામાં આવશે. 80 ટકા દર્દીઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે તો સામાન્ય દવાથી સાજા થઈ જાય છે.

રેમડેસિવિરથી કોઈનો જીવ બચ્યો નથીઃ ડો. અતુલ પટેલ
ડો. અતુલ પટેલ મુજબ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો માની રહ્યા છે કે, ત્રીજા વેવની પણ શક્યતા છે. સેકન્ડ વેવના અનુભવથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લક્ષણો દેખાય છે એવા 80 ટકા દર્દીઓ પેનિક થાય છે તે ખૂબ ખોટું છે. તેઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી શકે તો તેઓ સામાન્ય દવાથી સજા થઇ જાય છે. 20 ટકા દર્દીઓને માત્ર ઓક્સિજન સપોર્ટની જરૂર છે. આડ અસર કરતી દવાઓથી દૂર રહેવું જોઈએ. રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી. તેનાથી કોઈનો જીવ બચ્યો નથી. સ્ટીરોઈડનો ઉપયોગ ટાળવો જોઈએ.

મ્યુકર માયકોસિસ થવા પાછળનું કારણ સ્ટીરોઈડ હોય શકેઃ ડો. અતુલ પટેલ
ડો. અતુલ પટેલે વધુમાં કહ્યું કે, મ્યુકર માયકોસિસ થવા પાછળનું કારણ સ્ટીરોઈડ હોય શકે. આ રોગ વાતાવરણમાં છે. સડેલા શાકભાજી અને કચરામાં મ્યુકર માયકોસિસ હોય શકે છે. જે નાક દ્વારા થાય છે. ડાયાબિટિસ હોય અને કોરોના થતા સ્ટીરોઈડ આપી હોય તો મ્યુકર માયકોસિસ થઈ શકે છે. જો એનું વહેલું નિદાન કરવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે. જેનો મૃત્યુદર 38 ટકા છે.

7 દિવસ પછી જરૂર પડે તો સિટી સ્કેન કરાવવું: ઼ડો.મહર્ષિ દેસાઈ
પોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ જણાવ્યું કે, કોવિડ સમય અને દર્દી પ્રમાણે અલગ અલગ સારવાર હોય છે. તમારે પહેલા તકલીફ વિના સિટી સ્કેન કરાવવાની જરૂર નથી. 7 દિવસ પછી જરૂર પડે તો સિટી સ્કેન કે બ્લડ રિપોર્ટ કરાવવો. દર્દીઓએ જાતે સ્ટીરોઈડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

વેક્સિન જીવન જરૂરી છે એમ માનીને લોઃ ડો.તેજસ પટેલ
વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલે જણાવ્યું કે, આ વખતે જે લોકો રિકવર થયેલા તેના હ્રદયમાં ક્લોટ(લોહીના ગઠ્ઠા) જોવા મળ્યા છે. જો કોઈ દર્દીને છાતીમાં કોમ્પ્લેક્સન જોવા મળે તો ટેસ્ટ કરાવવા જોઈએ. ત્રીજો વેવ આવી શકે છે પણ ક્યારે તે કહી શકાય નહીં. કોવિડ ક્યારેક તો જશે ખરો. સોશિયલ મીડિયામાં આવતી દરેક વાતને માનવી નહીં.જેણે વેક્સિન લીધી હશે તેઓનો જીવ બચી જશે. હું વિનંતિ કરૂં છું કે વેક્સિન એ જીવન જરૂરી છે એમ સમજીને લઈ લેવી જોઈએ. બ્લડ ક્લોટિંગ વધી રહ્યું હોવાથી કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધારે સામે આવી રહ્યા છે, જો સમયસર ખબર પડે તો બચવાના ચાન્સ વધી શકે છે.

ડબલ માસ્ક પહેરીને બહાર જાવઃ ડૉ. દિલીપ માવલંકર
​​​​​​​
ડૉ. દિલીપ માવલંકરે જણાવ્યું કે, ગામડાઓમાં દર્દી કોવિડ કેર સેન્ટરમાં રહેશે તો ઘરના અન્ય સભ્યોમાં કોરોના ફેલાશે નહીં, ગામડામાં કઈ રીતે કોરોના કન્ટ્રોલ કરવો તેના પર ધ્યાન રાખવાનું છે. લોકોની ભીડ ન થાય તે માટે ધ્યાન રાખવું જરૂરી છે. વેક્સિન ઝડપથી મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દિવાળી પછી જે થાપ ખાધી તે હવે નહીં ખાતા. ડબલ માસ્ક પહેરીને બહાર જાવ. વેન્ટીલેશન પણ ખૂબ જ અગત્યનું છે. કોઈપણ બીમારી જેવું લાગે તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.

ટાસ્ક ફોર્સમાં આટલા તબીબો જોડાયા છે
રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે.