રાજ્યમાં કોરોનાના કેસો 1100ને પાર થઈ ગયા છે જેમાં અમદાવાદમાં 391 જેટલા કેસો નોંધાયા છે. કોરોનાના કારણે શુક્રવારે ત્રણ વ્યક્તિના મોત પણ થયા છે. ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે શહેરમાં હવે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. લોકો માસ્ક વગર બેફામ ફરી રહ્યા છે ત્યારે લોકોએ થોડા સતર્ક બની અને માસ્ક પહેરવું જરૂરી છે. સતત પાંચ દિવસથી કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
શુક્રવારે શહેરમાં કોરોનાના વધુ 391 કેસ નોંધાયા
શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાનુ સંક્રમણ વધુ ફેલાયું છે. વસ્ત્રાપુર, સેટેલાઈટ, જોધપુર નવરંગપુરા, પાલડી, બોડકદેવ, થલતેજ, નારણપુરા, ચાંદખેડા જ્યારે પૂર્વમાં શાહીબાગ અને મણિનગર વગેરે વિસ્તારમાં કોરોનાના કેસો વધુ નોંધાયા છે. શુક્રવારે શહેરમાં કોરોનાના વધુ 391 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે નવરંગપુરામાં 90 વર્ષના પુરૂષ, ગોમતીપુરમાં 55 વર્ષની મહિલા અને મિરઝાપુરમાં 78 વર્ષની મહિલાનું મોત નીપજ્યું છે. શહેરમાં SVP, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં 35 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
મકાનને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકવા સહિતના પગલાં લેવા સૂચના
કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને મ્યુનિ હેલ્થ વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને કોરોનાના ટેસ્ટિંગ વધારવા માસ્ક ફરજીયાત બનાવવા અને જે કોઈ ઘરમાં ત્રણ વ્યક્તિ કોરોનાની ઝપટમાં આવ્યા હોય તો તે મકાનને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકવા સહિતના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
રોજ 3000 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે
કોરોનાનું સંક્રમણ વધવાને પગલે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા વધુ છે. શહેરમાં કારોના સંક્રમણ રોકવા માટે કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેન્ડ ખાતે તેમજ તમામ સીએચસી અને એચસી. હોસ્પિટલો વગેરે જગ્યાએ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હાલ દરરોજ લગભગ 3000 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.