સેવા કાર્ય:GCCIએ પોતાના સભ્યોના પરિવાર, કર્મચારીઓ માટે હોટલમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું, પોલીસ માટે પણ કોવિડ સેન્ટર શરૂ કરવાની જાહેરાત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
GCCIની ફાઈલ તસવીર - Divya Bhaskar
GCCIની ફાઈલ તસવીર
  • ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોરોનાકાળમાં સેવા માટે આગળ આવ્યું.
  • GCCIએ શરૂ કરેલા કોવિડ સેન્ટરમાં 24x7 તબીબી સહાય અને ભોજનની સુવિધા મળી રહેશે.
  • GCCIએ પોતાના સભ્યો માટે રસીકરણ ઝુંબેશની પણ શરૂઆત કરી છે.

હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં અનેક સેવાભાવી લોકો તથા સંસ્થાઓ લોકોની મદદ માટે આગળ આવી રહી છે. એવામાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિવિધ સરકારી વિભાગો તથા નાગરિકોને મદદ કરવાની અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. જેમાં કોવિડ આઈસોલેશન સેન્ટર તથા રસીકરણની ઝુંબેશની કામગીરી હાથ ધરી છે.

GCCIએ 3 સ્ટાર હોટલમાં આઈસોલેશન સેન્ટર શરૂ કર્યું
GCCIએ હાલના પડકારજનક સમયમાં પોતાના સભ્યોના પરિવાર તથા કર્મચારીઓ માટે 3 સ્ટાર હોટલમાં કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કર્યું છે. જેમાં સામાન્ય અથવા અસિમ્પ્ટોમેટિક કોવિડ દર્દીઓને 24x7 તબીબી સહાય અને ભોજન સહિતની સુવિધાઓ મળી રહેશે. આ સાથે જ GCCI દ્વારા કોરોનાકાળમાં સમાજને અથાગ સેવા પૂરી પાડતા પોલીસ વિભાગ માટે પણ કોવિડ આઈસોલેશન સેન્ટરની વિના મૂલ્યે સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.

ઉદ્યોગકારોના પ્રશ્નો અને સમાધાનો વિશે પોલીસ સાથે ચર્ચા
GCCI અને અમદાવાદ પોલીસ વિભાગ વચ્ચે એક ઈન્ટરેક્ટિવ વેબ મીટિંગનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદના પોલીસ કમિશનર IPS સંજય શ્રીવાસ્તવ, અધિક પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ) પ્રેમવીર સિંઘ સહિતના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં કોરોનાની પરિસ્થિતિમાં અમદાવાદના વેપાર અને ઉદ્યોગકારોના પ્રશ્નો તથા તેના સંભવિત સમાધાનોની ચર્ચા કરવામાં આવી હતી.

GCCIના સભ્યો માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરી
આ સાથે જ GCCIએ પોતાના સભ્યો માટે વિવિધ રસીકરણ ઝુંબેશ શરૂ કરી છે. કારણ કે રસીકરણ જ હાલમાં કોરોના સંક્રમણ સામે લડવાનો સૌથી અસરકારક ઉપાય છે. એવામાં ખાનગી સંસ્થાઓને રસીકરણ માટે મંજૂરી મળ્યા બાદ GCCI તેના સભ્યો માટે વધુ રસીકરણનું પણ આયોજન કરશે.