પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા:અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના પ્રેમીને મારવા સોપારી આપી, ઢોરમાર મારતાં યુવકનું મોત

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાતની બહાર અનેક ઓનર કિલિંગના મામલા સામે આવતા હોય છે. આવો જ એક મામલો અમદાવાદ શહેરમાં સામે આવે છે, જેમાં 31 ડિસેમ્બરની રાતે એક યુવકને કેટલાક યુવકોએ ભેગા મળીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરતાં એક પછી એક રાજ ખૂલવા માંડ્યા હતા, જેમાં યુવતીના પિતરાઈ ભાઈને તેના પ્રેમપ્રકરણની જાણ થતાં પ્રેમીને સબક શિખવાડવા માર મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 50 હજારમાં પ્રેમી યુવકને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. એમાં યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તે મોતને ઘાટ ઊતરી ગયો. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

ત્રણ શખસે યુવકને ઢોરમાર માર્યો
ચાણક્યપુરીમાં રહેતા પ્રકાશભાઈનો નાનો ભાઈ રાજેન્દ્ર નવલ પંદરેક દિવસ પહેલાં તેના વતનથી અમદાવાદ આવ્યો હતો. રવિવારે સાયન્સસિટીથી હેબતપુર રોડ તરફ જતા બ્રિજ પાસે જઈ તપાસ કરતા રેલવે પાટાથી નજીક પથ્થર પાસે રાજેન્દ્રનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે અજાણ્યા ત્રણ શખસે રાજેન્દ્રને મારમારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ અંગેના 1.52 મિનિટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. એમાં વિજય ઉર્ફે બંટી ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવીણ ઉર્ફે અક્કલ પુરબિયા માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતદેહ મળી આવેલી જગ્યા
મૃતદેહ મળી આવેલી જગ્યા

પૂછપરછમાં પ્રેમપ્રકરણનો ઘટસ્ફોટ
આ મામલે મૃતકના મોટા ભાઈ પ્રકાશે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રેમપ્રકરણમાં વિજય ભરવાડને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. એમાં યુવકને વધુ માર માર્યો હોવાથી તેનું મોત નીપજ્યું હતું.

યુવકને માર મારતા CCTV
યુવકને માર મારતા CCTV

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
મારામારીના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આ સોપારી ખાલી માર મારવા માટેની હતી, પરંતુ વધુપડતો યુવકને માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. એ બાદ સમગ્ર મામલો હત્યામાં ફેરવાઈ ગયો છે, જેથી પોલીસે તમામની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની ધરપકડ કરાઈ.
આરોપીની ધરપકડ કરાઈ.

સીસીટીવી ફૂટેજમાં શું દેખાય છે?
1.52 મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાઈક પર એક યુવકને લાવવામાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેને પકડી રાખે છે, જ્યારે અન્ય યુવક તેને લાકડીથી ફટકારી રહ્યો છે. આ ઘટનાક્રમ સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. લાકડીથી યુવકને બરહેમીથી ફટકારવામાં આવ્યો હતો.

નવા વર્ષની શરૂઆતે લાશ મળતા પોલીસ દોડતી થઈ
1 જાન્યુઆરીની સવારે સોલા પોલીસને જાણ થઈ હતી કે થલતેજ વિસ્તારમાં હેબતપુર ફાટક પાસે રેલવે ટ્રેક નજીક પેલી ઝાડીઓમાં એક યુવકની લાશ મળી છે, જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ-તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ રાજેન્દ્ર કાનારમ નવલ (ઉં.વ.25 ) છે. ચાણકયપુરી વિસ્તારમાં ડમરુ સર્કલ સેક્ટર 3 વિસ્તારમાં રહે છે. મૃતક યુવક છોટા હાથી ચલાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...