માધવપુરામાં આવેલી લાખાજી કુંવરજીની ચાલીમાં રહેતા દંતાણી પરિવારમાં નજીકના સ્વજનના ઘરે લગ્ન હતાં. આ દરમિયાન મુંબઈથી આવેલા મહેમાનો પણ તેમના ઘરમાં સૂતા હતા. આ સમયે પરિવારમાં ઘરની માલિકીને લઈને ચાલતા ઝઘડામાં કૌટુંબિક દિયરે વહેલી સવારે 5 વાગે ઘરની બારીમાંથી એસિડ ફેંકતા નિદ્રાધીન 2 બાળક દાઝી ગયા હતા. આ પરિવારની એક દીકરી ફોઈના ઘરે ગઈ હોવાથી તે બચી ગઈ હતી.
એસિડ હુમલાનો ભોગ બનેલા પરિવારે તેના કાકા સસરા પાસેથી આ મકાન ખરીદ્યું હતું. જોકે તેમના બે પુત્ર આ મકાન કૌટુંબિક ભાઈ પાસેથી પાછું માગી રહ્યા હતા. જેને લઈને ચાલતા ઝઘડામાં શનિવારે વહેલી સવારે દિયરે આવીને બારીમાંથી બૂમ પાડી હતી કે, ‘તમે મકાન આપતા નથી, હવે કેવી રીતે રહો છો’ તેમ કહીને એસિડ ભરેલો ડબ્બો ઘરમાં ફેંક્યો હતો. જેના પરિણામે સૂઈ રહેલા બે બાળકોને એસિડ ચહેરા પર પડતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે માધવપુરા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવના 48 કલાક વીતી ગયા છતાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. બી.બારડે જણાવ્યું હતું કે, આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે.
માધવપુરા PI ચેમ્બરમાં બેસી અન્ય કેસ સ્ટડી કરે છે
માધવપુરા વિસ્તારમાં આવેલા લાખાજી કુંવરની ચાલીમાં રહેતા દંતાણી પરિવારના ઘરના ઝઘડામાં બાળકો પર એસિડ એટેકની ઘટના બની છે. માધવપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ચાલીમાં બનેલી ઘટનામાં બાળકોના ચહેરા એસિડ ઉડતાં ખરાબ થઈ ગયા છે. છતાં માધવપુરા પીઆઇ મહાવીરસિંહ બારડ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી અને બે દિવસ વીતી ગયા છતાં તેઓ બે આરોપી સુધી પહોંચવા રસ દાખવ્યો નથી. પોતાની ચેમ્બર બંધ કરી અને પોતે અન્ય કેસની સ્ટડી કરવા માટે બેસી ગયા છે જો કે બપોરે આરામનો સમય હોય સ્ટડી કરવા બેસયા હોય તે વાત ગળે ઉતરતી નથી. એકતરફ જ્યારે આવી ઘટના બને તેમાં આરોપી સુધી પહોંચવાની જરુર છે ત્યારે પોલીસ માત્ર હાથ પર હાથ ધરીને બેઠી છે.
શું છે સમગ્ર ઘટના?
માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે નાના બાળકો અને મહિલા પર એસિડ એટેકની ઘટના બની હતી. કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યા બાદ વહેલી સવારે બારીમાંથી એસિડ ફેકયું હતું. જેમાં પાંચ અને આઠ વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ પર દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા તેઓન દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેક થતા બંને બાળકીના ચહેરા અત્યારે બગડી ગયા છે.
મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા
મહેંદીકુવા વિસ્તારમાં આવેલી કંચનબેનની ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. લક્ષ્મીબેનએ મકાન છ વર્ષ પહેલાં તેમના કાકા સસરા મોહનભાઇ દંતાણી પાસેથી રૂ. ત્રણ લાખમાં ખરીદ્યું હતું. મકાન ખરીદી લીધું હોવા છતાં તેમના પુત્ર અજય અને વિજય આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા. દરમ્યાનમાં મુંબઈથી લક્ષ્મીબેનના બહેન બનેવી આવ્યા હતા. તમામ લોકો ઘરમાં સુતા હતા ત્યારે અજય દંતાણી વહેલી સવારે પાંચ વાગ્યે આવ્યો હતો. મકાનની બારી ખુલ્લી હતી તેમાંથી બૂમ પાડી કહ્યું હતું કે મકાન કેમ ખાલી નથી કરતા તમે કેવી રીતે રહો છો. તેમ કહી હાથમાં રહેલો એસિડનો ડબ્બો ઉંચો કરી અંદર એસિડ ફેકયું હતું.
કૌટુંબિક ઝઘડામાં બંને બાળકીઓને ચહેરા બગડ્યા હતા
લક્ષ્મીબેન, તેમની પાંચ અને આઠ વર્ષની દીકરી તેમજ 10 વર્ષના દીકરા પર એસિડ ઉડયું હતું. તમામના ચહેરા પર એસિડ ઉડતા તેઓ દાઝી ગયા હતા. બે નાની છોકરીઓના ચહેરા પર એસિડ વધુ ઉડતા તેઓના ચહેરા ખરાબ થઈ ગયા હતા. કૌટુંબિક ઝઘડામાં બંને બાળકીઓને ચહેરા બગડ્યા હતા. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માધવપુરા પોલીસે આ મામલે હત્યા પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. જો કે હજી સુધી એકપણ આરોપીની પોલીસ ધરપકડ કરી શકી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.