દોડધામ:હાઈકોર્ટે ગુમ થયેલા કેસની માહિતી માગતા કોર્ટો મધરાત સુધી ચાલુ રહી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સવારે 8.30 સુધીમાં માહિતી રજૂ કરવા આદેશ
  • જજ સહિતનો કોર્ટ સ્ટાફ ઘરેથી તાબડતોબ પાછો આવ્યો

ગુજરાત હાઈકોર્ટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની 40 કોર્ટમાં પેન્ડિંગ તેમજ નિકાલ કરાયેલા કેસો ઉપરાંત ગુમ થયેલા કેસના કાગળો માગ્યા હતા. જેથી બુધવારે સાંજે કોર્ટ કામગીરીનો સમય પૂરો કરીને ઘરે ગયેલા મેજિસ્ટ્રેટ તેમજ કોર્ટ સ્ટાફ તાબડતોબ પાછો કોર્ટમાં આવી પહોંચ્યો હતો. જો કે આ તમામ દસ્તાવેજો ગુરુવારે સવારે હાઈકોર્ટમાં રજૂ કરવાના હોવાથી મેટ્રો, સેશન્સ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ મોડી રાત સુધી કામગીરી ચાલી હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બુધવારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ સહિત 40 મેજિસ્ટ્રેટ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી.

જેમાં કઈ કોર્ટમાં કેટલા કેસો પેન્ડિંગ છે તેમજ કેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો છે તેની એકત્રિત કરી હતી. કોર્ટમાંથી ઘણા બધા કેસના કાગળો ગુમ થઈ ગયા હોવાનું પણ ચીફ જસ્ટિસના ધ્યાન પર આવ્યું હતું. જેથી ચીફ જસ્ટિસે ગુરુવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં તમામ કેસના કાગળો સાથે હાજર રહેવા તમામ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને આદેશ કર્યો હતો.

જેથી મેજિસ્ટ્રેટ તેમજ કોર્ટ સ્ટાફ તમામ કેસના લગતા કાગળો શોધવા કામે લાગી ગયા હતા. બુધવારે સાંજે શરૂ થયેલી કેસના કાગળોની શોધખોળ મોડી રાત સુધી ચાલી હોવાની કોર્ટ સ્ટાફ તેમજ વકીલોએ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ કોર્ટના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની 40 કોર્ટમાં 2 લાખ કરતાં પણ વધારે કેસો પેન્ડિંગ છે. જેથી ચીફ જસ્ટિસ સમક્ષ તે તમામ કોર્ટના કાગળો રજૂ કરવા ટૂંકા ગાળાની મુદત મળી હોવાથી આખી રાત ફાઈલો શોધવાની કામગીરી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...