મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે રાજ્યમાં શિક્ષકોની બદલી કેમ્પનું આયોજન, સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી

22 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર છે, તારીખ 6 મે, વૈશાખ સુદ-પાચમ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે રાજ્યમાં શિક્ષકોની બદલી કેમ્પનું આયોજન, 10 લાખથી વધુ શિક્ષક પરિવારોને ફાયદો 2) આજે જૂની પેન્શન યોજના મુદ્દે રાજ્યના 50 હજારથી વધુ શિક્ષક કર્મચારીઓ ધરણા કરશે 3) વિધાનસભા ચૂંટણીને લઈને આજે ગુજરાત કોંગ્રેસની મંથન બેઠક મળશે 4) આજથી અમદાવાદથી થોળ પક્ષી અભયારણ્ય સુધી AMTS બસ દોડશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) સુરતની કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી, કહ્યું-યુવાઓ વેબસિરીઝ જુએ છે, એમાં હિંસાત્મક-બીભત્સ ફિલ્મો ચાલે છે, જે મનને અસર કરે છે

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આજે ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે. વ્યાસે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

2) જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 લોકોને મહેસાણા કોર્ટે 3 મહિનાની સજા ફટકારી, મંજૂરી વગર રેલી યોજી હતી

મહેસાણા શહેરમાં વર્ષ 2017માં પરમિશન વગર આઝાદીની કૂચની રેલી યોજનારા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને NCPનાં નેતા રેશમા પટેલ સહિત 10 આરોપીને કોર્ટે 3 મહિના કેદની સજાનો હુકમ કર્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં 142 દિવસમાં 4 કેસમાં ફેનિલ સહિત ઘાતકી હત્યારાઓને ફાંસીની સજા, ત્રણે તો બાળકી સાથે હેવાનિયત આચરેલી

સુરત હવે મૃત્યુદંડ આપવાનું કેપિટલ બની રહ્યું છે. સુરતની કોર્ટમાં છેલ્લા 142 દિવસમાં ચાર કેસમાં ફેનિલ સહિત ઘાતકી હત્યારાઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ગ્રીષ્માની હત્યા સિવાયના ત્રણ કેસમાં બાળકીઓ સાથે હેવાનિયત આચરી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. કોર્ટે આ તમામ કેસ રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરામાં વિદ્યાર્થીએ રેપના સમાચારના પેપર કટિંગથી હિન્દુ દેવતાઓના આર્ટ તૈયાર કર્યાં, મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં માં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પેપર કટિંગ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ તૈયાર કર્યાં હતા. એટલે કે પેપર કટિંગમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો બનાવવામાં આવ્યા હતા જેને લઇને વિવાદ થયો છે. એક વિદ્યાર્થીએ હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી ચિત્ર બનાવ્યા હતા. તેમાં પેપર કટિંગમાં જે સમાચારો હતા તે દુષ્કર્મને લગતા સમાચારો હતા, જેથી હિન્દુ દેવી-દેવતાઓના પેપર કટિંગમાંથી બનાવેલા ચિત્રો દુષ્કર્મના સમાચારોને લઈને વિવાદ થયો છે અને હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની વાતને લઇને હોબાળો મચ્યો છે. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવ્યા છે, વિવાદ વધતા સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવાયું છે.

વાંચો સમાચાર વિગતવાર

5) ગ્રીષ્માના હત્યારાને મનુસ્મૃતિના જે શ્લોકને ટાંકી જજે સજા સંભળાવી એ મહાભારતકાળથી પ્રચલિત, યુધિષ્ઠિરે ટાંક્યું હતું આ દંડવિધાન!

ગ્રીષ્મા વેકરિયા હત્યાકેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા કરતાં પહેલાં જજ વિમલ કે. વ્યાસે મનુસ્મૃતિના એક શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું. આ શ્લોક હતો... यत्र श्यामः लोहिताक्षः दण्डः चरति पापहा प्रजाः तत्र न मुह्यन्ति नेता चेत् साधु पश्यति। આનો અર્થ ન્યાયશાસ્ત્ર અને દંડના વિધાન સાથે સંકળાયેલો છે. પુરાતન સમયમાં ન્યાય વ્યવસ્થા દ્વારા સમાજને કેવી સુચારુ રીતે ચલાવવામાં આવતો હતો એનું દૃષ્ટાંત આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. મહાભારતકાળમાં પણ યુધિષ્ઠિર આ જ દંડવિધાનને ટાંકીને યુવરાજ બન્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

6) વર્ષ 2020માં સારવારના અભાવે સૌથી વધુ મૃત્યુ થયા, 81.16 લાખ લોકો મૃત્યુ પામ્યા, જેમાંથી 45% લોકોને સારવાર જ મળી ન શકી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં દેશમાં થયેલા કુલ મૃત્યુ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) 2020ના નામે બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ 2020માં દેશમાં કુલ 81.16 લાખ લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 45%ને કોઈ તબીબી સારવાર જ મળી નથી. સારવારના અભાવે આ અત્યાર સુધીનાં સૌથી વધુ મૃત્યુ છે. વર્ષ 2019માં આ આંકડો સમગ્ર દેશમાં થયેલા મૃત્યુના 34.5% હતો.

વાંચો સમાચાર વિગતવાર

7) હવે PK લાવશે બિહારમાં પરિવર્તન,પ્રશાંત કિશોરે કહ્યું- 30 વર્ષથી લાલુ-નીતીશનું શાસન, પરિવર્તન માટે 3 હજાર કિમીની પદયાત્રા કરીશ

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ગુરુવારે પત્રકાર પરિષદ યોજીને રાજકારણમાં પ્રવેશ કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે બિહારને નવી વિચારસરણી અને પ્રયાસોની જરૂર છે. તેઓ આગામી 3-4 મહિનામાં બિહારના લગભગ 17,000 લોકો સાથે વાતચીત કરશે.

વાંચો સમાચાર વિગતવાર

8) PM મોદીના યુરોપ પ્રવાસ સમયે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગળે મળીને જીતની શુભેચ્છા પાઠવી, ભારતીયો સાથે પણ કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે બુધવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરતા પહેલા પીએમ મોદીએ પેરિસમાં ભારતીયો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) કોરોના પછી મકાનના ભાવ વધતાં દસ્તાવેજોની સંખ્યા 20 ટકા ઘટી; 2019-20માં 3404 કરોડના, જ્યારે 2021-22માં 2958 કરોડના દસ્તાવેજ થયા 2) ગુજરાત સરકારે ખેડૂતો વિરુદ્ધ પાણી ચોરીનું ષડયંત્ર રચ્યું, ખેડૂતો પાણી માંગે તો ફક્ત પોલીસના ડંડા મળે છે: AAPનો આક્ષેપ 3) અમદાવાદમાં વાહન ચાલકોને ઈ- મેમો ફટકારવા ટ્રાફિક પોલીસે 7.29 કરોડ રૂપિયા ખર્ચ્યા, માત્ર 14.52 કરોડ વસૂલાયા 4) સુરતમાં છેલ્લા 1 મહિનામાં 14 દુષ્કર્મ-ગેંગરેપ કેસમાં 17 આરોપીઓને સજા, કોર્ટે 10 વર્ષથી લઈને મરે ત્યાં સુધી જેલની સજાઓ ફટકારી 5) આફ્રિકા-દક્ષિણ અમેરિકા સહિતના 46 દેશોની મુસાફરી માટે જરૂરી યલો ફીવરની રસી હવે વડોદરામાં પણ મળશે 6) રાજકોટના ચંદ્રેશનગરમાં હરિઓમ ઢોસા સહિત 19 દુકાનમાં ચેકિંગ, વાસી સંભાર સાથે 32 કિલો અખાદ્ય ખોરાક મળ્યો 7) દિલ્હીમાં હવે ફ્રીમાં વિજળી નહીં મળે, કેજરીવાલે કહ્યું- હવે માત્ર જે માગશે તેમને જ મળશે 8) લોકસભાના સ્પીકર ઓમ બિરલાના નામે છેતરપિંડી કરતા 3 આરોપીની ધરપકડ, 19 હજાર સિમકાર્ડ અને 48 મોબાઇલ જપ્ત

આજનો ઈતિહાસ
મુંબઈ પર હુમલો કરનાર આતંકવાદીઓ પૈકી એકમાત્ર જીવિત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને વર્ષ 2010માં આજના દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

અને આજનો સુવિચાર
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...