ઇસનપુરમાં વર્ષ 2019માં 9.30 વાગે બાઇક પર જઇ રહેલા યુવકનેકોર્પોરેશનના ડમ્પર ચાલકે અડફેટે લેતા માથું ફાટી જવાથી મોત નીપજ્યું હતું. જે કેસમાં લોક અદાલતના માધ્યમથી વીમા કંપની મૃતક 27 વર્ષીય યુવકના 62 વર્ષીય પિતાને રૂ.40 લાખ ચુકવવા સહમત થયું છે. આ રકમ 3 મહિનામાં ચૂકવી આપવામાં આવશે.
સિનિયર એડવોકેટ હરેન્દ્ર સેજપાલ જણાવ્યું હતું કે, 62 વર્ષીય સિનિયર સિટીઝન મુરલીધરના 27 વર્ષીય પુત્ર હિતેશે બી.કોમ, એલ.એલ.બી અને કંપની સેક્રેટરીનો કોર્સ કર્યો હતો. અને ખાનગી કંપનીમાં રૂ.40 હજારથી વધુના પગાર મેળવી નોકરી કરતો હતો. 18 માર્ચ 2019ના સવારે 9.30 વાગે હિતેશ પોતાના ઘરેથી બાઇક લઇને ઇસનપુર ચાર રસ્તાથી ઘોડાસર ચાર રસ્તા તરફ જવાના સર્વિસ રોડ ઉપરથી જતો હતો. તે વખતે કોર્પોરેશનના ડમ્પરના ચાલકે હિતેશના બાઇકને ટક્કર મારી હતી. જેમાં પૈડાં નીચે હિતેશનું માથંુ કચડાઇ જતાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
આ બનાવ અંગે જે. ડિવિઝનના ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીએ ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં મૃતકના પિતા તરફથી રૂ.80 લાખના વળતર અંગે કેસ પણ કર્યો હતો. આ કેસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં ચાલવા પર આવતા કોર્ટના જજે મૃતકના પિતા અને વીમા કંપનીને કેસનું સમાધાન કરી યોગ્ય વળતર આપવા માટે ભલામણ કરી હતી. આથી મૃતકના પિતા મુરલીધર અને વીમા કંપની રૂ.40 લાખમાં સહમત થતા કોર્ટે 3 મહિનામાં મૃતકના પિતાને રૂ.40 લાખ વળતર પેટે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.
વૃદ્ધાવસ્થામાં જીવનનિર્વાહ માટે યોગ્ય વળતરની દલીલ થઈ હતી
આ કેસની કાનૂની કાર્યવાહી દરમિયાન ફરિયાદીના એડવોકેટે દલીલો કરી હતી કે, એકનો એક પુત્ર હતો. ખાનગી કંપનીમાં માસિક રૂ.35 હજાર પગારથી નોકરી કરતો હતો. તેના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. જો આ અકસ્માત ના થયો હોત તો તે મહિને રૂ.70 હજારથી વધુ પગાર ભવિષ્યમાં કમાવી શકત. વૃદ્ધાવવસ્થામાં એકનો એક દીકરો વાહન અકસ્માતમાં ગુમાવ્યો છે. આથી તેમના જીવનનિર્વાહ માટે કોઈ સાધન નથી. અને તેમની 4 દીકરીઓ પરણાવેલી હોઇ તેઓ તેમની સાસરીમાં છે. આથી તેમના જીવનનિર્વાહ માટે યોગ્ય વળતર આપવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.