કબૂતરબાજીનો કિંગ જામીન પર મુક્ત:અમરિકામાં ઘૂસણખોરીનું ઈન્ટરનેશનલ નેટવર્ક ચલાવતા ભરત પટેલની અરજી, સેશન્સ કોર્ટમાં શરતી જામીન મંજુર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાનું ઈન્ટરનેશનલ નેટવર્ક ચલાવતા ભરત ઉર્ફે બોબી પટેલના જામીન સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ શરતોને આધીન આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. અગાઉ આરોપી ભરત પટેલ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.

બોબી પટેલ સામે માનવ તસ્કરી સહિતના ગુનાઓ
બોબી પટેલ સામે વિઝા કૌભાંડના આરોપો છે. અગાઉ પોલીસે ભરત ઉર્ફે બોબી પટેલ પાસેથી 94 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ કબજે કર્યા હતા. બોબી સામે ગાંધીનગર, દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં બોગસ પાસપોર્ટ બનાવવાના ગુનાઓ નોંધાયેલા છે. કબૂતરબાજીના રેકેટમાં અમેરિકા જવા માંગતા લોકો પાસેથી લાખો રૂપિયા મેળવી ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવી તેમને વિદેશ મોકલવામાં આવતા હતા.

બંને પક્ષની કોર્ટમાં જામીન સંદર્ભે રજૂઆતો
આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસની તપાસ પૂર્ણ થઇ ગઈ છે. અગાઉના આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે તેથી અમારા અરજદારને કોર્ટની શરતોને આધીન જામીન આપવામાં આવે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી માનવ તસ્કરી જેવા ગુનામાં સંડોવાયેલો છે. આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડાં કરી ભાગી શકે છે. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ આરોપી ભરત પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા.

શરતોને આધીન કોર્ટે જામીન આપ્યા
આરોપીને અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 15 હજારના બોન્ડ પર મુક્ત કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, આરોપીને શરતોને આધારે જામીન આપ્યા છે તેનું પાલન કરવાનું રહેશે. આરોપી કોઈ સાક્ષીને ડરાવી ધમકાવી શકશે નહીં, સાક્ષીઓને ફોડવાનો પ્રયત્ન કરવો નહીં, લાલચ કે દબાણ આપવું નહીં. આરોપી બોબી પટેલે ચાર્જશીટ દાખલ ના થાય ત્યાં સુધી દર મહિનાની પહેલી તારીખે સંબંધિત પોલીસ સ્ટેશને હાજર થવાનું રહેશે. ચાર્જશીટ કોર્ટમાં દાખલ થયા પછી, ભરત પટેલે કોર્ટની સુનાવણીની દરેક તારીખે ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે.

ભરત પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે
આરોપી બોબી પટેલે પૂછતાછ કે તપાસ માટે પોલીસ અધિકારી દ્વારા તપાસ માટે બોલાવવામાં આવે ત્યારે હાજર થવું પડશે. આરોપીએ પોતાનો પાસપોર્ટ 3 દિવસની અંદર જે તે તપાસનીશ અધિકારી સમક્ષ રજૂ કરવાનો રહેશે અને આરોપી પાસે જો પાસપોર્ટ ના હોય તો તેની એફિડેવિટ કરીને તપાસ કરનાર અધિકારી પાસે રજૂ કરવાની રહેશે. આરોપી ભરત પટેલ જ્યાં સુધી તપાસ ચાલે છે ત્યાં સુધી રાજ્ય બહાર જઈ નહીં શકે.

કોર્ટ જરૂર પડે ત્યારે જામીન શરતોમાં ફેરફાર કરશે
આરોપીએ પોતાનો કાયમી રહેઠાણનું સરનામું, મોબાઈલ નંબર, ઓળખનો પુરાવો તપાસનીશ અધિકારી તેમજ ટ્રાયલ કોર્ટને આપવો પડશે. કોર્ટની મંજૂરી સિવાય આરોપી ભરત પટેલ પોતાનું રહેઠાણ બદલી શકશે નહીં. કોર્ટે હુકમમાં જણાવ્યા મુજબના જામીન બોન્ડ જમા કરવા પડશે. વધુમાં કોર્ટે પોતાના હુકમમાં એવું પણ કહ્યું છે કે કોર્ટ જરૂર પડે ત્યારે જામીનની શરતોમાં ફેરફાર કરી શકે છે.

5 પાસપોર્ટના નંબર તો ધારકના નામ જ મેચ નથી થતાં
ગુજરાતમાં કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ એવા ભરત ઉર્ફે બોબી પટેલની સામે કરવામાં આવેલી તપાસમાં નવો ઘટસ્ફોટ થયો હતો. ચાંદલોડિયા ખાતે બોબીની ઓફિસમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલા 79 શંકાસ્પદ પાસપોર્ટ પૈકી 4 પાસપોર્ટ ડમી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે પાંચ જેટલા પાસપોર્ટના નંબરો પાસપોર્ટ ધારકના નામ સાથે મેચ નહીં થતાં હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, ઓફિસમાંથી મળી આવેલા વિઝા માટેના દસ્તાવેજો પણ ખોટા હોવાનું ખુલ્યું હતું.

અમેરિકા જવાની ઈચ્છા હોય તેમને ટાર્ગેટ કરતો
આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ તથા તેના સાગરિતો દ્વારા પોતાના આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચતો હતો. તે અમેરિકા જવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરતો હતો. એટલું જ નહીં, ગેરકાયદે અમેરિકા મોકલવા માટે ખોટા તેમજ બનાવટી પાસપોર્ટ દ્વારા અલગ અલગ દેશોના વિઝા મેળવી કબૂતરબાજીનું નેટવર્ક શરૂ કર્યું હતું. SMC દ્વારા આ રેકેટમાં બોબી પટેલ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધી છે.

બોબી પટેલ 30 લાખથી લઈને એક કરોડ વસૂલતો
બોબી પટેલની પૂછપરછમાં અમેરિકા મોકલવાના રેકેટમાં 18 જેટલા એજન્ટોના નામ સામે આવ્યા છે. આ નેટવર્કમાં અમદાવાદ શહેર, મહેસાણા અને ગાંધીનગરના 4-4 એજન્ટ, મુંબઈના 5 એજન્ટ અને અમેરિકાનો એક એજન્ટ સહિત 18 જેટલા આરોપીઓ આ નેટવર્કમાં સંડોવાયેલા હોવાનું ખુલ્લું છે. સ્ટેટિંગ સેલ દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં 18 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર બોબી પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબુતરબાજીના રેકેટમાં આરોપીઓ 30 લાખથી લઈને એક કરોડ સુધી પૈસા મેળવી ગેરકાયદે ખોટા ડોક્યુમેન્ટ બનાવી લોકોને વિદેશ મોકલતા હોવાનું ખુલ્લું છે.

મુંબઈના એજન્ટને પકડવા વિવિધ ટીમ બનાવાઈ
કબુતરબાજીના આ નેટવર્કમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 18 જેટલા એજન્ટોના નામ ખુલતા તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મુંબઈના એજન્ટોને પકડવા જુદી જુદી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...