છેતરપિંડી:રામોલમાં વધુ વ્યાજ ચૂકવવાનું કહીને દંપતીએ મહિલામંડળની 24 સભ્યના 93 લાખ પડાવ્યા

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દંપતી પૈકી મહિલા સભ્ય તરીકે જોડાઈ હતી, શરૂમાં વધુ વ્યાજ ચૂકવાતું હતું
  • મોટા ગજાના વેપારીઓને વ્યાજે પૈસા આપતાં હોવાનું કહીને વિશ્વાસ કેળવ્યો

અમે ફાઈનાન્સનું કામ કરીએ છીએ અને મોટા ગજાના વેપારીઓને વ્યાજે પૈસા આપીએ છીએ. તમે મહિલા મંડળની બચતના પૈસા અમને આપો તો તમને ઉંચુ વ્યાજ - વળતર આપીશું. તેમ કહીને ઠગ દંપતી મહિલા મંડળની 2 ડઝન મહિલાઓનો વિશ્વાસ કેળવી તેમની બચતના રૂ.93 લાખ ચાંઉ કરી ગયા હતા. જો કે મહિલાઓનો વિશ્વાસ કેળવવા ઠગ દંપતી મંડળના સભ્ય બન્યા હતા અને શરૂઆતમાં ઊંચું વ્યાજ પણ આપ્યું હતું.

સીટીએમની ભગવતી નગર સોસાયટીમાં રહેતા શોભાબહેન બાગડે(48)એ તેમના સમાજના માણસોએ ભેગા મળીને 2008 માં ભગવતી મહિલા મંડળ નામનું બચત મંડળ શરૂ કર્યુ હતું. જેમાં 2 ડઝન મહિલાઓ જોડાઈ હતી. 2015 માં ઉમાબહેન ઉર્ફે નેહાબહેન અને તેમના પતિ વિજયભાઈ ઠાકોર શોભાબહેનના મકાનમાં ભાડેથી રહેવા આવ્યા હતા. તેઓ પણ મંડળમાં સભ્ય તરીકે જોડાયા હતા. આ દંપતીએ વધુ વ્યાજની લાલચ આપતા શોભાબહેને મંડળના રૂ.93 લાખ ઉમાબહેન અને વિજયભાઈને આપ્યા હતા. આ પૈસા લઈને દંપતી ફરાર થઈ જતા તેમની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

પૈસા આપતા પહેલા સ્ટેમ્પ પર લખાણ લીધું
ઉમાબહેન અને વિજયભાઈને પૈસા આપતા પહેલા મંડળની મહિલાઓએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તેમની પાસેથી લખાણ લીધુ હતુ. જ્યારે પૈસાની સામે ચેક પણ લીધા હતા. જો કે ઉમાબહેન અને વિજયભાઈએ પૈસા પાછા નહીં આપતા શોભાબહેન અને અન્ય મહિલાઓએ તે ચેકો બેંકમાં ભરતા બેલેન્સના અભાવે ચેક રિટર્ન થયા હતા.

પ્રસંગના બહાને દાગીના પણ લઈ ગયા
ફેબ્રુઆરી 2020માં શોભાબહેન અને મંડળની મહિલાઓ તેમના ઘરે હાજર હતી, ત્યારે ઉમાબહેન આવ્યા હતા અને કહ્યું હતુ કે મારે પ્રસંગમાં જવાનું છે તો તમારા દાગીના પહેરવા માટે આપો. તેમ કહેતા શોભાબહેને તેમનું 19 ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર, 11 ગ્રામનો સોનાનો લક્ષ્મીહાર સહિતના દાગીના આપ્યા હતા. તે દાગીના પણ ઉમાબહેન લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...