દેશના પ્રથમ અને વિશ્વના છઠ્ઠા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તથા ઇન્ડિયા-ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થશે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આવેલા આ એક્સચેન્જમાં શરૂઆતના તબક્કામાં દરરોજ 50 હજાર કરોડથી વધુના સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે. અહીં 5 ગ્રામથી લઈને 1 કિલો સુધીના સોનાનું ટ્રેડિંગ થશે. અહીંથી સોનાની આયાત પણ કરી શકાશે, પણ નિકાસ નહીં થઈ શકે. આ સાથે આ એક્સચેન્જ ભારતમાં સોનાની આયાતનું સૌથી મોટું પ્રવેશદ્વાર બની જશે. હાલના તબક્કે 56 ક્વૉલિફાઇડ જ્વેલર્સની IIBX દ્વારા સોનાના ટ્રેડિંગ માટે નોંધણી થયેલી છે.
હાલ દેશમાં રાષ્ટ્રીય સ્તરના એક્સચેન્જ જેમકે એમસીએક્સ, એનસીડીએક્સ, બીએસઇ તથા એનએસઇ પર દૈનિક ધોરણે 7500 કરોડનું ટ્રેડિંગ થાય છે. વિશ્વની અન્ય પાંચ એક્સચેન્જો પર સરેરાશ દૈનિક કુલ નવ લાખ કરોડના સોના-ચાંદીનું ટ્રેડિંગ થાય છે. કેન્દ્ર સરકારનું વિઝન આગામી વર્ષોમાં અન્ય એક્સચેન્જોનો વેપાર ગિફ્ટમાં ડાઇવર્ટ થાય અને દેશનું આંતરરાષ્ટ્રીય બૂલિયન એક્સચેન્જ વૈશ્વિક હબ બનાવવાનું છે.
એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે તે આ એક્સચેન્જ હેઠળ આવશે. દેશમાં અત્યારે સોનાની વાર્ષિક ધોરણે 800-850 ટનની આયાત થઇ રહી છે. આગામી એકાદ બે વર્ષમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બૂલિયન એક્સચેન્જ દ્વારા 200-250 ટનની આયાત થશે તેવો અંદાજ છે. ભારતીય ઘરોમાં અંદાજે 27000 ટનથી વધુ સોનાનો નિષ્ક્રિય જથ્થો રહેલો છે જે બહાર આવી શકે છે.
ગિફ્ટ સિટીને ફોરેન ટેરિટરીનો દરજ્જો, સોનાની માગમાં હવે વધારો થઈ શકે છે
શેરની જેમ સોનામાં ટ્રેડિંગ થશે
ગોલ્ડ એક્સચેન્જ આવ્યા બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે. તમામ બાબતો સેબીની દેખરેખ હેઠળ વેપાર થશે. એવું અનુમાન છે કે ગોલ્ડ એક્સચેન્જના અસ્તિત્વ સાથે કિંમત અને ગુણવત્તા સંબંધિત પારદર્શિતા વધશે. ટ્રેડિંગ કંપની સૌથી પહેલા સોનું વોલ્ટમાં એક્સચેન્જ પર જમા કરાવશે. ત્યારબાદ વોલ્ટ મેનેજર સોનાના બદલે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસિદ (EGR) આપશે. EGR એક્સચેન્જ પર લિસ્ટ થવા માટે સક્ષમ હશે એટલે કે EGR ખૂબ મહત્ત્વનું હશે અને તેના દ્વારા તમે ટ્રેડ કરી શકશો. લિસ્ટિંગ બાદ EGR ને શેરની જેમ વેપાર કરવામાં આવશે. EGR ના ક્લિયરિંગ અને સેટલમેન્ટનું કામ શેરની જેમ કરવામાં આવશે. 5 ગ્રામથી 1 કિલો સુધીનો સોનાનો જથ્થો ઉપલબ્ધ હશે, જેમાં વેપાર કરી શકાશે.
ગોલ્ડ સ્પૉટ એક્સચેન્જ
આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે. આ એક્સચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે જેને સેબી રેગ્યુલેટ કરશે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડિંગ થશે.
વિશ્વના 5 એક્સચેન્જ પર દૈનિક ટ્રેડિંગ
એક્સચેન્જ | વોલ્યુમ (રૂ.) |
LBMA (લંડન) ટ્રેડ | 465247.9 |
નોન – LBMA ટ્રેડ | 92865.55 |
શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જ | 34255.65 |
કોમેક્સ | 249850.7 |
શાંઘાઇ ફ્યૂચર એક્સ. | 73861.25 |
એક્સચેન્જથી અન્ય શું થશે ફાયદો?
વિશ્વમાં ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ ગોલ્ડ એક્સચેન્જ અને શાંઘાઇમાં સ્પોટ બુલિયન એક્સચેન્જ છે. હવે નવું સ્પોટ એક્સચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં શરૂ થશે. ત્યારે ભારતમાં પ્રથમવાર આવું એક્સચેન્જ લાઇવ થવાનું છે જે વૈશ્વિક બુલિયન વ્યાપારનો મોટો હિસ્સો આકર્ષે તેવી અપેક્ષા છે.
IIM અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે પોલિસી
દેશનું પહેલું ગોલ્ડ એક્સ્ચેન્જ શરૂ થશે અને તેના માટેની પોલિસી IIM અમદાવાદમાં તૈયાર કરવામાં આWવી છે. પોલિસીને લગતાં તમામ સૂચનોની જવાબદારી સરકારે ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને સોંપી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી IGPCની રચના કરવામાં આવી છે.
લોજિસ્ટિક ખર્ચના કારણે ભાવ અલગ રહી શકે છે
બુલિયન એક્સચેન્જમાં આયાત ડ્યુટી રદ થશે તે માન્યતા ખોટી છે. ગિફ્ટ સિટી ફોરેન ટેરિટરીમાં આવે છે માટે ત્યાં આયાત ડ્યુટી નહીં લાગે ત્યાંથી અન્ય સેન્ટર પર જશે તો ડ્યુટી લાગશે માટે ડ્યુટીનો લાભ ગ્રાહકોને હાલ નહીં મળે. લોજિસ્ટિક ખર્ચના કારણે અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ રહી શકે છે. - સુરેન્દ્ર મહેતા, નેશનલ સેક્રેટરી-ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.