ગામોમાં પંચોત્સવ:ગુજરાતની 8686 ગ્રામ પંચાયતમાં મતગણતરી, સાંજ સુધી 5331 ગામના સરપંચ નક્કી થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાના લાંભા ગામે મંગળવારે મતગણતરી દરમિયાન એકત્ર થયેલી જનમેદની. - Divya Bhaskar
અમદાવાદ જિલ્લાના લાંભા ગામે મંગળવારે મતગણતરી દરમિયાન એકત્ર થયેલી જનમેદની.
  • બેલેટ પેપર હોવાથી વિલંબ, 40 % બેઠકો પર મોડી રાત સુધી કાઉન્ટિંગ ચાલ્યું
  • ઓછા માર્જિનથી હારજીતને કારણે સંખ્યાબંધ બેઠકો પર રિકાઉન્ટિંગ

ગુજરાતના 8,686 ગ્રામ પંચાયતો અને 48,575 વોર્ડની ચૂંટણી માટે મંગળવારે મતગણતરી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ થયો હોવાથી મતગણતરીમાં વિલંબ થયો હતો. 40 ટકા બેઠકો પર મોડી રાત સુધી ગણતરી ચાલી હતી. રિકાઉન્ટિંગને કારણે અનેક બેઠકોના પરિણામ સવારે જાહેર થાય તેવી પણ શક્યતા છે. મંગળવારે સાંજ સુધીમાં 8686 પૈકી 5331 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા જ્યારે 3355 પંચાયતોમાં ગણતરી ચાલું હતું. કેટલીક બેઠકોમાં તો 5થી 10 મતોથી હારજીત થઇ હોવાથી ભારે રસાકસી જોવા મળી હતી. અમુક બેઠકો પર તો 5થી 6 વખત રિકાઉન્ટિંગ થયું હતું.

વાંચો... ગ્રામ પંચાયતની ચૂંટણીની 10 રસપ્રદ ઘટનાઓ
ઉત્તર ગુજરાતનું એક ગામ એવું પણ હતું જ્યાં સરપંચ પદે હારેલા નવયુવાનને ગામના લોકોએ એકત્ર થઈને 10 લાખ રૂપિયાનું ભંડોળ આપ્યું હતું. કેટલાક ગામમાં ટાઇ પડ્યા બાદ ચિઠ્ઠી ઉછાળીને વિજેતા ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી. જાણીએ ગ્રામ પંચાયતની ચૂંટણીના 10 રસપ્રદ કિસ્સા....

1. મતગણતરી વખતે સાપ નીકળતા દોડધામ
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં મતગણતરી વખતે કેન્દ્રમાં સાપ નીકળતા ચાલુ મતગણતરીએ દોડધામ મચી હતી. બાદમાં સ્થાનિક લોકોએ સાપને જીવતો પકડી લેતા કર્મચારીઓએ હાશ અનુભવી હતી.

2. માત્ર 20 વર્ષની વિદ્યાર્થિની સરપંચ બની
ઝાલોદ તાલુકાના ઘેંસવા ગામમાં 20 વર્ષની વિદ્યાર્થિની રીન્કુ ડામોર સરપંચ પદે ચૂંટાઈ હતી. તેની સામે સ્થાનિક ડૉક્ટર સહિતના ઉમેદવારો હતા. વિજય બાદ રીન્કુનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

3. મતપેટીમાંથી ચલણી નોટો-સિક્કા નીકળ્યા
સંખેડા તાલુકાના કંડેવાર ગ્રામ પંચાયત માટેની મતગણતરીમાં મતપત્રોની સાથે 10 રૂપિયાની ત્રણ નોટ અને સિક્કા મળ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ શુકન માટે મતપેટીમાં નોટ-સિક્કા નાખવાની માન્યતા છે.

4. સરપંચના ઉમેદવારને 0 મત મળ્યા
વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના સરપંચપદના ઉમેદવાર અનુબેન ડાભીને શૂન્ય મત મળ્યાં હતા. વિજેતા ઉમેદવાર સાકુબેનને 489 મત મળ્યા હતા. અનુબેને ભૂલથી અન્ય ઉમેદવારના નિશાન પર ચોકડી મારતા તેમને પોતાનો વોટ મળ્યો નહોતો.

5. ઘરમાં 12 સભ્યો છતાં માત્ર 1 વોટ મળ્યો
વાપી તાલુકાની છરવાડા પંચાયતમાં વોર્ડ-5ના ઉમેદવાર સંતોષ હળપતિના પરિવારમાં 12 સભ્યો હોવા છતાં તેમને માત્ર 1 વોટ મળ્યો હતો. પરિણામ બાદ હળપતિએ કહ્યું, ‘મત નહીં ચૂંટણી લડ્યો એ મારા માટે મહત્ત્વનું’.

6. પતિ હારી જતાં આઘાતમાં પત્ની બેહોશ
નર્મદાના ચિત્રાવાડીના સરપંચપદના ઉમેદવાર વાસુદેવ વસાવા 10 મતથી પરાજિત થયા છે. અત્યંત ઓછી સરસાઈથી પતિનો પરાજય થતાં તેમના પત્ની આઘાતમાં બેહોશ થઈ ગયા હતા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

7. ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળીને પરિણામ નક્કી થયું
દક્ષિણ ગુજરાતના ગણદેવી તાલુકાના પાથરી ગામે વોર્ડ.8ની મતગણતરી બાદ નીતશાબેન હળપતિ અને સુમિત્રાબેન હળપતિ નામના બન્ને ઉમેદવારોને 32-32 વોટ મળતા ટાઇ પડી હતી. બાદમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી જેમાં સુમિત્રાબેન વિજેતા બન્યાં હતાં.

8. હારેલા ઉમેદવારને ગ્રામજનોએ 10 લાખ ઇનામ આપ્યું
બનાસકાંઠાના મસાલી-માધપુરા ગામની સરપંચની ચૂંટણીમાં અનુભવી ઉમેદવાર સામે 21 વર્ષના ઉમેદવાર અલ્પેશ ચૌધરીની હાર થઈ હતી. ગામના લોકોએ માત્ર 1 કલાકમાં 10 લાખનું ભંડોળ એકત્ર કરીને અલ્પેશને પ્રોત્સાહન સ્વરૂપે આપ્યા હતા.

9. માતા સામે પુત્રનો પરાજય
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા પંચાયતના વોર્ડ 4માં સભ્યપદ માટેની ચૂંટણીમાં પુત્રને 27 મતથી હરાવીને માતાનો વિજય થયો હતો. માતા દીવાબેન સેનમાને 45 મત મળ્યા હતા જ્યારે પુત્ર દશરથ સેનમાને 18 વોટ મળ્યા હતા.

10. મુંબઈની મોડેલ ચૂંટણી હારી
છોટાઉદેપુર જિલ્લાના કાવીઠામાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવનાર મુંબઈની મોડેલ એશ્રા પટેલનો 129 મતે પરાજય થયો હતો. ચૂંટણી એશ્રા સામે હરીફ ઉમેદવારે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ થઈ હતી. એશ્રાને 430 વોટ મળ્યા હતા તો હરિફ ઉમેદવાર જ્યોતિ સોલંકીને 559 વોટ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...