જનતા માંગે સિંઘમ પોલીસ:શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં સિંઘમ પીઆઇ મુકવા પોલીસ કમિશનરને રજૂઆત, કોર્પોરેટરો અને આગેવાનોએ અસામાજિક તત્ત્વોને ડામવા ફરિયાદ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
પોલીસ પર હુમલાની ઘટની બની હતી તે જગ્યા
  • પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની મીટીંગ મળી હતી
  • શહેરકોટડા વિસ્તારમાં પોલીસ પર હુમલા અને અસામાજિક પ્રવૃત્તિઓ વધી જે ડામવી જરૂરી: કોર્પોરેટર દિનેશ કુશવાહ

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. હત્યા, લૂંટ, ચોરી અને મારામારીના બનાવો બની રહ્યાં છે. પોલીસ પર પણ હુમલાની ઘટનાઓ બની રહી છે. પોલીસનો ડર હવે ગુનેગારોમાંથી રહ્યો નથી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તાજેતરમાં જ શહેરકોટડા પોલીસ સ્ટેશનની મુલાકાતે ગયા હતા. જ્યાં સ્થાનિક કોર્પોરેટર દિનેશ કુશવાહે પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં હદ બહાર અસામાજિક તત્ત્વો અને પ્રવૃત્તિઓ ચાલે છે.

અવારનવાર લોકો પર હુમલા અને પોલીસ પર પણ હુમલાનો બનાવ બન્યો હતો. પોલીસનો ગુનેગારો પર જે ડર હોવો જોઈએ તે રહ્યો નથી. પોલીસ કમિશનર અને અધિકારીઓ સમક્ષ સિંઘમ પીઆઇ મુકવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દિનેશસિંહ કુશવાહ, કોર્પોરેટર સરસપુર વોર્ડ
દિનેશસિંહ કુશવાહ, કોર્પોરેટર સરસપુર વોર્ડ

શહેરકોટડા વિસ્તારમાં અવારનવાર ગુનાની ઘટના
ભાજપના કોર્પોરેટર દિનેશ કુશવાહે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં અસામાજિક તત્વો ખૂબ જ છે. પોલીસ હોય કે પ્રજા કોઈપણ વ્યક્તિ પર હવે હુમલાની ઘટનાઓ બની રહી છે. પ્રજાની રક્ષા કરવાવાળી પોલીસ પર જ જો હુમલા થયા અને રક્ષણ ન કરી શકે તો સામાન્ય પ્રજાનું કઈ રીતે રક્ષણ કરશે? આ રીતે વિસ્તારમાં પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું ન ચાલે. પોલીસનો ડર હોય તો જ સરખું ચાલી શકે. પોલીસ પર હુમલો અને પ્રજા પર પણ હુમલા કોઈ કરી જાય આ ગંભીર બાબત હતી જેની રજુઆત કરવામા આવી હતી.

પોલીસકર્મી પર પણ હુમલાનો બનાવ નોંધાયો
પોલીસકર્મી પર પણ હુમલાનો બનાવ નોંધાયો

નવા પી.આઈ આવ્યા બાદ પોલીસ પર હુમલાના બે બનાવ
શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ નવા પીઆઇ તરીકે કે.ડી સાંખલાને મુકવામાં આવ્યા છે. નવા પીઆઇના આવ્યા બાદ શહેરકોટડા વિસ્તારમાં અનેક મારામારી બે હત્યા, બે પોલીસ પર હુમલા જેવી તેમજ પથ્થરમારાની ઘટનાઓ બની છે. અઠવાડિયામાં ચાર વખત પથ્થરમારા જેવી ગંભીર ઘટનાઓ બની છે. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ડી સ્ટાફ પીએસઆઇ પર હુમલાની ઘટના બાદ પણ શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ કાયદો વ્યવસ્થા જાળવવાના નિષ્ફળ ગયા છે. બે દિવસ પહેલા જ પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના બની હતી.