અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS છેલ્લા અનેક વર્ષોથી હવે કરોડો રૂપિયાની ખોટમાં ચાલે છે. આ સંસ્થા ખોટમાં ચાલવાના અનેક કારણો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે AMTSને ખોટમાં ચલાવવામાં ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જવાબદાર છે. વર્ષ 2019-20માં મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પ્રોગ્રામોમાં લોકોને લાવવા લઈ જવા AMTS બસ મૂકી હતી. જેના 2.02 કરોડ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવ્યા નથી. સૌથી વધુ ફેબ્રુઆરી 2019માં મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જ બસમાં લાવવા લઈ જવાના રૂ.72.10 લાખ હજી સુધી AMTSને આપવામાં આવ્યાં નથી.
AMCના વિવિધ પ્રોગ્રામમાં 2179 બસો મુકવામાં આવી
રાજય સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ કાર્યક્રમ હોય તો ભીડ ભેગી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેટરોના વોર્ડમાંથી લોકોને લાવવા લઈ જવા માટે AMTSની બસોનો ઉપયોગ કરવામાં આવે છે. જેના માટે AMTS બસ દ્વારા નક્કી કરેલું ભાડું લેવામાં આવે છે. વર્ષ 2019-20માં નમસ્તે ટ્રમ્પ રોડ શો સહિત કુલ 28 જેટલા સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રોગ્રામમાં કુલ 2179 જેટલી બસો મુકવામાં આવી હતી. જેમાં રૂ.1.92 કરોડ અને ટેક્સ રૂ.9.63 લાખ એમ મળી કુલ રૂ. 2.02 કરોડના બિલ બન્યા હતા. આ બિલ AMTS દ્વારા જે વિભાગનો કાર્યક્રમ હતો તેઓને મોકલી આપવામાં આવ્યા હતા.
માત્ર 2019-20 જ 2 કરોડ બાકી છે
ત્રણ વર્ષ અગાઉ આ બસોના બિલો મોકલી આપવા છતાં આજદિન સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.2.02 કરોડની રકમ AMTSને ચુકવવામાં આવી નથી. એકતરફ મુસાફરોની પ્રવાસની આવક બાદ આ રીતે ભાડા પર લેવાતી બસોની આવકથી AMTS બસને ફાયદો થાય છે. પરંતુ ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભીડ ભેગી કરવા લોકોને લાવવા લઈ જવા ભાડે કરેલી બસોના સરકારી ખર્ચના પૈસા જ ચૂકવતા નથી. ભાજપના સત્તાધીશોને પણ AMTS ખોટમાં જ ચાલે તેમાં રસ છે. માત્ર 2019-20 જ 2 કરોડ બાકી છે તો 2020-21માં પણ આનાથી વધુ રકમ ચુકવવાની બાકી હોય તેવી પુરી શકયતા જણાય છે.
સૌથી વધુ ક્યાં પ્રોગ્રામમાં બસોના ભાડા નથી ચૂકવ્યાં
નમસ્તે ટ્રમ્પ રોડ શો | 578 બસો | રૂ. 71.10 લાખ |
સાબરમતી સ્વચ્છતા અભિયાન | 418 બસો | રૂ. 38.53 લાખ |
યુસીડી વિભાગના વિવિધ પ્રોગ્રામ | 330 બસો | રૂ. 24.51 લાખ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.