સાસરિયાં કે ત્રાસવાદી?:કોરોનાની સારવાર ન કરાવવી પડે તે માટે રિપોર્ટ ફાડ્યાં, બીમારીમાં કામ કરાવતાં પુત્રવધૂ કોમામાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આઇ.ટી. ભણેલી યુવતીને સાસરિયાંએ માત્ર પૈસા કમાવા માટે ઘરમાં રાખી હોવાની રજૂઆત
  • માનસિક ત્રાસ બાદ ડાયાબિટીસ આવ્યો, તો સાસરે લઇ જવાનો ઇન્કાર કરતાં ફરિયાદ

દહેજના લાલચુ સાસરિયાંની હદ બહારની ક્રૂરતા અને દહેજની માગણીઓથી ત્રસ્ત થઇને પરિણીતાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના વર્ષ 2019માં પ્રેમલગ્ન થયા છે. લગ્ન બાદ તેના સાસરિયાંએ તરત જ દહેજની માગણીઓ શરૂ કરીને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી આઇ.ટી.ની કંપનીમાં નોકરી કરવી પડતી હતી. પરિણીતાનો તમામ પગાર સાસરિયાં લઇ લેતા હતા અને તેની પરિણીતા પાસે ઘરનું કામ પણ કરાવતા હતા. પરિણીતાને કોરોના થતા તેના સાસુએ પોઝિટિવનો રિપોર્ટ ફાડી નાખ્યો હતો. આજુબાજુમાં કોઇને ખબર ન પડે તે માટે માસ્ક પણ પહેરવા દેતાં નહોતા.જેના કારણે તબિયત લથડતાં તેના પિયર મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ તેને પરત સાસરે આવવા ઇન્કાર કરી દીધો હતો.

પગાર લઇ લેતાં, પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરાતું હતું
આઇ.ટી. કંપનીમાં નોકરી કરતી 30 વર્ષીય યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેના સાસરિયાં દ્વારા તેના પગારના તમામ પૈસા લઇ લેવામાં આવતા હતા. ઉપરાંત તેના સાસુ વારંવાર એવું કહેતાં હતાં કે તારા પિતા પાસે જ્યાં સુધી પૈસા હશે ત્યાં સુધી તારે પૈસા લાવવા પડશે. પૈસા નહીં લાવતા સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતંુ. કોરોનાનો રિપોર્ટ ફાડી નાખ્યા બાદ તેનું ઓક્સિમીટર પણ ઝૂંટવીને ફેંકી દીધું હતું. તેની પાસે ઘરકામ કરાવતા પરિણીતાને શ્વાસની ગંભીર સમસ્યા સર્જાઇ હતી. તેમ છતાં તેની સારવાર કરાવી નહોતી. તેના પતિએ દવાખાને લઇ જવાને બદલે તેના પિતાને ઘરે મોકલી દીધી હતી.

પુત્રવધૂની ખબર લેવાના બદલે સાસુએ કહ્યું ‘બાળકને જન્મ આપી શકશે?’
સાસુએ કોરોનાની સારવાર નહી કરાવતા પરિણીતાને ઊલટીઓ શરૂ થઇ હતી. પરિણીતાએ ફોન પર ડોક્ટરની સલાહ લેતા તેમણે 14 દિવસ આરામ કરવા અને શારીરિક શ્રમ નહી કરવા સૂચના આપી હતી. તેમ છતાં સાસુ અને પતિએ તેની પાસે ઘરના તમામ કામો કરાવતાં તે બેભાન થઇ ગઇ હતી. તેમ છતા તેના પતિએ તેને દવાખાને લઇ જવાને બદલે પિયરમાં મોકલી દીધી હતી. જ્યાં તેના પિતાએ હોસ્પિટલમાં દાખલ કરાતા તબીબોએ જણાવ્યું હતંુ ંકે તે કોમામાં સરી પડી છે. આ સમાચાર તેના સાસરિયાંને આપ્યા ત્યારે તેમણે ખબર પૂછવાને બદલે તે હવે બાળકને જન્મ કેવી રીતે આપશે? તેવા સવાલો કરતા હતા. કોમામાંથી બહાર આવ્યા બાદ અને કોરોનાની ગંભીર અસરોને પરિણામે પરિણીતાને ડાયાબિટીસ થયો હતો. જેના કારણે સાસરિયાંએ મહિલાને બીમારી થઈ ગઇ છે તો ખર્ચો કોણ કરશે તેવું કહી પાછી સાસરે લઇ જવા ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...