તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ અભ્યાસનું તારણ:વિટામિન ડીની ઊણપ દૂર થાય તો કોરોનાના દર્દીને ICU સુધી જતાં અટકાવી શકાય, મૃત્યુઆંક પણ ઘટી શકે

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ભારતમાં કોરોનાવાયરસ આવ્યાને લગભગ 15 મહિના જેટલો સમય થયો છે, પણ હજુ સુધી વિટામિન ડીની ઊણપ પર કોઈનું ધ્યાન ગયું નથી. - Divya Bhaskar
ભારતમાં કોરોનાવાયરસ આવ્યાને લગભગ 15 મહિના જેટલો સમય થયો છે, પણ હજુ સુધી વિટામિન ડીની ઊણપ પર કોઈનું ધ્યાન ગયું નથી.
  • સ્પેન-બ્રાઝિલના અભ્યાસમાં કોરોનાના 189 દર્દીને વિટામિન ડી અપાયા બાદ ઝડપી રિકવરી જોવા મળી

કોરોનાના દર્દીઓમાં વિટામિન ડીની ઊણપ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરસ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ત્રણ રિસર્ચર્સે વિશ્વના બે દેશોએ કરેલા વિટામિન ડીની ઊણપ પરના ત્રણ સ્ટડીનો ગ્લોબલ રિવ્યૂ કર્યો હતો. આ રિવ્યૂ પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડની જર્નલમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. આ રિવ્યૂમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીને વિટામિન ડીની પૂરક દવાઓ આપવામાં આવે તો દર્દીને આઈસીયુ સુધી પહોંચતાં અટકાવી શકાય છે તેમજ મૃત્યુઆંક ઘટાડી શકાય છે એવું તારણ સામે આવ્યું છે. 30 દિવસના આ ગ્લોબલ રિવ્યૂમાં ત્રીજી વેવમાં કોરોનાથી બચવા અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો મળ્યાં છે.

સ્પેન અને બ્રાઝિલમાં ડિસેમ્બર 2019થી ડિસેમ્બર 2020ના સમયગાળા માટે કોરોનાના દર્દીઓમાં વિટામિન ડીની ઉણપ અંગે સંશોધન કાર્યક્રમ શરૂ થયો હતો. બંને દેશોએ ત્રણ એનાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કરી સંશોધનના પરિણામો મેળવ્યાં હતાં. સંશોધનોનો રિવ્યૂ કરવા ગાંધીનગર આઈઆઈપીએચ સંસ્થાએ ત્રણ રિસર્ચર્સની ટીમ બનાવી હતી, જેમાં સંસ્થાના ડાયરેક્ટર દિલીપ માવળંકર, ડૉ. કોમલ શાહ અને ડૉ. દીપક સક્સેનાનો સમાવેશ થયો હતો. બે દેશના ત્રણ સ્ટડીનો રિવ્યૂ કરવા 532 સેમ્પલનું અવલોકન કરાયું હતું. ગ્લોબલ રિવ્યૂ કરીને સરકારને કોરોનાની લાઈન ઓફ ટ્રિટમેન્ટમાં ફેરફાર કરવા ભલામણ કરી છે.

શહેરમાં 90 ટકા લોકો વિટામિન ડીની ઊણપથી પીડિત
એક અભ્યાસ મુજબ, અમદાવાદમાં 39.9 ટકા લોકો મોડરેટ અને 46.4 ટકા લોકો સિવિયર વિટામિન ડીની ઊણપ ધરાવે છે. 86.3 ટકા લોકો મોડરેટથી સિવિયર વિટામિન ડીની ઊણપથી પીડાય છે. વડોદરામાં 88 ટકા અને રાજ્યના જુદા જુદા જિલ્લામાં 30થી 90 ટકા લોકોમાં વિટામિન ડીની ઊણપ જોવા મળી છે. ભારત સૂર્ય પ્રકાશ માટે ડોમિનન્ટ દેશ છે તેમ છતાં લોકોને અહીં સૂર્યનું જોઈએ એટલું એક્પોઝર નથી, જેને કારણે લોકોમાં વિટામિન ડીની ઊણપ જોવા મળી, જે સંશોધનનો વિષય છે.

સ્પેન અને બ્રાઝિલનના સંશોધનનું પરિણામ
આઈઆઈપીએમએ બે દેશના ત્રણ સ્ટડીને ધ્યાને લીધા હતા, જેમાં સ્પેનનાં 292 અને બ્રાઝિલનાં 240 સેમ્પલ લેવાયાં હતાં. કુલ 532 સેમ્પલનું એનાલિસિસ કરાયું હતું. 189ને વિટામિન ડીની દવા અપાઈ હતી, જ્યારે 343ને એ અપાઈ નહોતી. સ્પેન અને બ્રાઝિલના સંશોધનમાં જોવા મળ્યું છે કે જેને વિટામિન ડીની ઊણપ હોવાથી દવા અપાઈ હતી તેવા દર્દીને આઈસીયુમાં દાખલ થવું પડ્યું નહોતું.

વિટામિન ડીની ઊણપ પર કોઈનું ધ્યાન ન ગયું
ભારતમાં કોરોનાવાયરસ આવ્યાને લગભગ 15 મહિના જેટલો સમય થયો છે, પણ હજુ સુધી વિટામિન ડીની ઊણપ પર કોઈનું ધ્યાન ગયું નથી. મેડિકલ સાયન્સ પ્રમાણે શરીરને લાગુ પડતા વાઈરલ અથવા બેક્ટેરિયાના ચેપ સામે રક્ષણ આપવા વિટામિન ડીની અગત્યની ભૂમિકા હોય છે. વિટામિન ડી શ્વસન માર્ગના ચેપનું જોખમ ઘટાડે છે. વિટામિન ડીના ઉપયોગની પણ અસરકારક શોધખોળ થવી જોઈએ.

શામાંથી મળે છે વિટામિન ડી?
એક સર્વે અનુસાર, ભારતમાં આશરે 70% લોકો વિટામિન Dથી ઊણપથી પીડાઈ રહ્યા છે. શરીરમાં તેની ઊણપથી અનેક પ્રકારના રોગો થઈ શકે છે. જોકે, વિટામિન Dનો સૌથી સારો સ્રોત તડકો છે. પરંતુ જો તમારી પાસે તડકામાં બેસવાનો સમય ન હોય તો તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરીને વિટામિન Dની ઊણપથી બચી શકો છે. લો ફેટ દૂધને બદલે ફુલ ક્રીમ દૂધમાં વિટામિન D અને કેલ્શિયમની માત્રા વધારે હોય છે. સામાન્ય વ્યક્તિએ એક દિવસમાં 450 મિલીલિટરથી 500 મિલીલિટર દૂધ અથવા દૂધની પ્રોડક્ટ્સ જેવી કે દહીં, છાશ અથવા પનીરનું સેવન કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...