ભાસ્કર ઇન્ટરવ્યુ:કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો 24 કલાકમાં માત્ર એક ટાઇમ જમી દર્દીઓના ત્રણ ટાઇમનું જમવાનું ધ્યાન રાખે છે, માત્ર 5 કલાકનો જ આરામ મળે છે

અમદાવાદ9 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • સિમ્સ હોસ્પિટલના સિનિયર પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડોક્ટર પ્રદીપ ડાભી સાથે ખાસ વાતચીત
  • છેલ્લા દોઢ મહિનાથી પરિવાર અને બાળકોને સમય નથી આપી શક્યા
  • દર્દીઓની સારવાર માટે ડોક્ટરો 15થી 16 કલાક ડયૂટી કરી રહ્યા છે

કોરોનાની બીજી લહેરે રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. માર્ચના બીજા અઠવાડિયાથી શરૂ થયેલા કોરોનાના કેસો આજે 14000ની આસપાસ છે. કોરોનાની બીજી લહેરમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સતત ખડેપગે રહી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ડોક્ટરો 15થી 16 કલાકની ડયૂટી કરી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી તેમણે પરિવાર સાથે સમય નથી વિતાવ્યો અને એક દિવસ પણ રજા લઈ આરામ નથી કર્યો.

એક્સપર્ટ ડોક્ટર પ્રદીપ ડાભી સાથે ખાસ વાતચીત
ઓક્સિજન, ઇન્જેક્શન અને બેડની અછત વચ્ચે પણ તેઓ દરેક દર્દીની સારવાર કરવા માટે સતત કાર્યરત રહ્યા છે. દિવ્ય ભાસ્કરે કોરોના વોરિયર્સ એવા સિમ્સ હોસ્પિટલના સિનિયર પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડોક્ટર પ્રદીપ ડાભી સાથે કોરોનાની ઘાતક લહેરમાં દર્દીઓની સારવાર અને તેમની કામગીરી વિશે વાતચીત કરી હતી.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

દિવ્ય ભાસ્કર: બીજી લહેર ડોક્ટરો કઈ રીતે કામગીરી કરી રહ્યા છે?
ડો.પ્રદીપ: કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પહેલી લહેરમાં ડોક્ટર પાસે પૂરતાં સાધનો, બેડ અને દર્દીઓ આટલા ગંભીર હાલતમાં આવતા ન હતા. જોકે આ વખતે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અપૂરતાં સાધનો જેવાં કે ઓક્સિજન, ઇન્જેક્શનની અછત હોવા છતાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દર્દીઓની સારવાર અને તેમનો જીવ બચાવવા સતત ખડેપગે હોય છે. ICU અને OPD સહિતની કામગીરી 24 કલાક ચાલુ હોય છે. સિમ્સ હોસ્પિટલમાં 8 ડોક્ટરોની ટીમ છે, જે સતત રાઉન્ડ ધ કલોક કામગીરીમાં જોડાયેલી છે.

દિવ્ય ભાસ્કર: ડોક્ટરો સતત કેટલા કલાક કામ કરે છે અને ઘરે કઈ રીતે સમય આપી શકે છે?
ડો.પ્રદીપ: માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી કોરોનાના કેસો એકદમ વધવા લાગ્યા હતા અને અત્યારે એકદમ પીક પર પહોંચી ગયા છે. 13 માર્ચથી આજદિન સુધી તેઓ 15થી 16 કલાક જેટલી ડયૂટી કરે છે. માત્ર એક ટાઈમ રાતે જમવા અને 5 કલાક જેટલો આરામ કરવા જ ઘરે આવે છે. બાકીનો સમય હોસ્પિટલમાં દર્દીઓની વચ્ચે તેમની સારવાર અને કેરમાં જ વધુ ધ્યાન આપે છે. ઘણીવાર તો જમીને નાઈટ શિફ્ટ માટે પણ જવું પડે છે. છેલ્લા દોઢ મહિનાથી તેઓ ઘરે સમય નથી આપી શકતા. ઘરે જ્યારે આવે ત્યારે બાળકો સૂઈ ગયાં હોય છે. સ્ટાફની અછતને કારણે પેરામેડિકલ સ્ટાફ તો 25થી 48 કલાક સુધી કામ કરે છે, બે દિવસ સુધી શિફ્ટ બદલાતી નથી.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

દિવ્ય ભાસ્કર: હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વચ્ચે દર્દીઓની સારવાર દરમિયાન શું અનુભવ થાય છે?
ડો.પ્રદીપ: કોરોનાના દર્દીઓની સંખ્યા આ વખતે વધુ છે. હોસ્પિટલમાં દાખલ થવા આવતા હોય ત્યારે ઓક્સિજન અને વેન્ટિલેટર પર દર્દીને રાખવાની ફરજ પડે છે, પરંતુ હોસ્પિટલમાં જેટલાં બેડ અને ઓક્સિજન હોય એ તમામ ભરાઈ જાય છે. આ વખતે કોરોના ઘાતક બન્યો હોવાથી પહેલા કરતાં દર્દીઓ વધતાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન જેવાં સાધનો ખૂટી પડયાં છે, જેથી દર્દીનાં સગાં જ્યારે હોસ્પિટલમાં જગ્યા નથી, બીજે તપાસ કરવાનું કહેવાની ફરજ પડે ત્યારે દુઃખ થાય છે. ઇન્જેક્શન અત્યારે નથી મળતાં ત્યારે દર્દીને ક્યાં ક્યાં ઇન્જેક્શન મળી શકે એની પણ અમે મદદ કરીએ છીએ અને શક્ય એટલું ઝડપી સારવાર કરવામાં આવે છે. સિમ્સ હોસ્પિટલમાં રોજના 200થી વધુ દર્દીઓ દાખલ થવાની ઇન્કવાયરી આવે છે. જ્યારે કોઈ દર્દીને બેડ અને અપૂરતા સાધનને કારણે સારવાર માટે ના પાડવી પડે ત્યારે એક ડોક્ટર તરીકે ખૂબ જ દુઃખ થાય છે.