કોરોનાવાઈરસ:ન્યૂ યોર્કમાં હોસ્પિટલ નીચે જ ટ્રકો મુકાઈ છે, કોરોનાથી મૃત્યુ પામનારાને સીધા ગ્રેવયાર્ડ લઈ જવાય છે, તમે કેરિયર ન બનશો 

કોરોનાવાઈરસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિઝિશિયન ડો. ઠાકુર. - Divya Bhaskar
ફિઝિશિયન ડો. ઠાકુર.
  • ન્યૂ યોર્કની હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે કામ કરતાં મૂળ ગુજરાતીની ઘરમાં જ રહેવા અપીલ
  • અમારી ટીમમાં 25 ડોક્ટર હતા, 22ને કોરોનાનો ચેપ લાગ્યો, 20 દિવસે ઘરે ગઈ પરંતુ સાવચેતીના ભાગરૂપે પતિ કે બાળકને પણ ન મળી

ન્યૂ યોર્ક: ન્યૂ યોર્કની એક હોસ્પિટલમાં ફિઝિશિયન ડો. ઠાકુરના જણાવ્યા અનુસાર છેલ્લા 25 વર્ષથી હું અમેરિકામાં છું અને 12 વર્ષથી ન્યૂ યોર્કની એક હોસ્પિટલમાં ફિઝિશિયન છું. થોડાં દિવસ પહેલાં જ અમારી હોસ્પિટલમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ આવ્યો ત્યારે પરિસ્થિતિ કેવો ભયાવહ વળાંક લેવાની છે તેનો સ્વપ્નેય ખ્યાલ નહોતો. કમનસીબે જે દર્દી આવ્યા તેમને પણ ખબર ન હતી કે તેઓ કોરોનાના કેરિયર છે. સારવાર કરવામાં આવી ત્યાં સુધીમાં તો ચેપ પત્ની, માતા, દીકરીને પણ લાગી ચૂક્યો હતો. એક દર્દીની માતાનું ચેપથી મૃત્યુ પણ થયું. પહેલા કેસ પછી તો જાણે રાફડો ફાટ્યો હતો. માત્ર ન્યૂ યોર્કમાં જ કોરોનાથી અત્યાર સુધી 500 લોકોના મોત થઈ ચૂક્યા છે. આમાં ત્રણ ભારતીયો પણ છે. અત્યારે સંખ્યાબંધ લોકો ઝઝુમી રહ્યા છે. એવું નથી કે, મોટી ઉંમરના લોકોને જ ચેપ લાગે છે. અહીં તો યુવાપેઢી પણ કોરોનાના ભરડામાં આવી ગઈ છે. ખાસ કરીને યુવાઓમાં ઈ-સિગારેટનું ચલણ હોવાથી વાઈરસનો ચેપ પણ ઝડપથી લાગી રહ્યો છે. મારી હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે 6 હજાર બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ફરજથી બંધાયેલી હોવાથી મોતના તાંડવની રજેરજ વિગત આપી શકું નહીં. પરંતુ પરિસ્થિતિ અત્યંત ભયાવહ છે. હોસ્પિટલની નીચે જ ટ્રક તૈયાર રાખવામાં આવે છે અને મૃત્યુ પામેલાને સીધા હોસ્પિટલથી ફ્યુનરલ માટે લઈ જવામાં આવે છે. અત્યારે હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ ચાલી રહ્યું છે. સાજા થયેલા દર્દીના પ્લાઝમા લઈ કઈ દવાથી સારું થયું છે તેની ચકાસણી ચાલે છે. 
દર્દીઓની સંખ્યા એટલી બધી છે કે, કોરોના સામે લડતની કિટ પણ અમને 8 દિવસ પછી મળે છે. મારા સહિતના ડોક્ટરોએ એક જ માસ્કથી અનેક દિવસો સુધી કામ ચલાવ્યું. N-95 માસ્ક તો અમને હજુ એકાદ દિવસ પહેલાં જ મળ્યા. ગુજરાતી કે ભારતીય ડોક્ટરે અમને આ માસ્ક આપ્યા છે. સતત 20 દિવસ 18થી 20 કલાક કામ કર્યા પછી આજે એક દિવસની રજા મળી છે. મારી ટીમમાં 25નો સ્ટાફ હતો પણ 22ને કોરોનાનો ચેપ લાગતા હવે અમે 3 બચ્યાં છીએ. રજામાં હું ભલે આજે ઘરે છું પણ પતિ અને બાળકોથી દૂર રહું છું. સાવચેતીના ભાગરૂપે મેં મારી જાતને ક્વોરન્ટાઈનમાં મૂકી દીધી છે. અમે ડોક્ટર હોવાથી ગ્રોસરી કે જીવનજરૂરી ચીજ માટે લાંબી કતારમાં ઊભા રહેવું પડતું નથી. જો કે, લોકોની ભીડ ઓછી કરવા મોડે મોડે ગ્રોસરી સ્ટોર 10 દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે. 
આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ઉપરાંત ઘરમાં રહેવા જેવી સામાન્ય બાબતોનું પાલન કરીશું. તો જ આ અદૃશ્ય દુશ્મન સામેનો જંગ જીતી શકાશે. દરેક ગુજરાતી અને ભારતવાસીને મારી અપીલ છે કે, કોરોનાના કેરિયર બની તમારા પરિવારને જોખમમાં ન મૂકો. સરકાર કે હેલ્થ વિભાગ સમયે સમયે જે સૂચનાઓ આપે છે તે કોઈ જોક નથી, તેનું પાલન તમારા જ હિતમાં છે. 

અન્ય સમાચારો પણ છે...