તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના સ્થાપનાદિનથી શુભારંભ:1લી મેથી રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન અપાશે, તાત્કાલિક આયોજન કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને સૂચના

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી

કેન્દ્ર સરકારે આગામી 1લી મેથી સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે રાજ્ય સરકારે પણ 1મેથી એટલે ગુજરાત સ્થાપનાદિનથી જ રાજ્યમાં યુવાઓને વેક્સિન આપવાની તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી દીધી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1લી મે, 2021થી 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું.

ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશેઃ મુખ્યમંત્રી
વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે.

તાત્કાલિક 150 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે
કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 1 કરોડ 4 લાખ લોકોને વેક્સિન અપાઈ
આજે રાજ્યમાં 1 લાખ 51 હજાર 192ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 89 લાખ 79 હજાર 244 લોકોને પ્રથમ ડોઝ અને 15 લાખ 79 હજાર 244 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 4 લાખ 39 હજાર 204નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 72 હજાર 341 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 69 હજાર 895ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...