કોરોના મહામારી સામે કોવેક્સિનનો પહેલો ડોઝ 15થી 18 વર્ષની વયજૂથનાં બાળકોને આપવાની 3 જાન્યુઆરીથી શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં આ અંતર્ગત 30 લાખ જેટલાં બાળકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 40% ટાર્ગેટ તો પહેલા બે દિવસમાં 11 લાખ બાળકને વેક્સિન સાથે જ પૂરો થઈ ગયો છે. આ રીતે વેક્સિનેશન ડ્રાઈવ પુરજોશમાં ચાલુ રહેશે તો એક સપ્તાહમાં જ 15-18 વર્ષની વયનાં કિશોરોને કોવેક્સિનનો પહેલો ડોઝ આપવાનું લક્ષ્ય પૂર્ણ થઈ જશે.
પછાત ગણાતા જિલ્લાઓમાં જબરદસ્ત શરૂઆત
સામાન્ય રીતે પછાત ગણાતા બનાસકાંઠા અને કચ્છ જેવા જિલ્લાઓમાં બાળકોના વેક્સિનેશન બાબતે જોરદાર શરૂઆત થઈ છે. એમાં પણ પહેલા દિવસે તો કચ્છ જિલ્લામાં 42,877 બાળકને વેક્સિન અપાઈ હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પહેલા દિવસે 32 હજાર જેટલાં બાળકોનું રસીકરણ થયું હતું. આ બંને જિલ્લામાં બે દિવસમાં 60-60 હજાર જેટલાં 15-18 વયજૂથનાં બાળકોનું રસીકરણ થઈ ચૂક્યું છે.
અમદાવાદ-સુરત-વડોદરા-આણંદમાં બીજા દિવસે ગતિ પકડી
બાળકોના વેક્સિનેશનના આ રાઉન્ડમાં અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, આણંદ અને મહેસાણા જિલ્લામાં પહેલાં કરતાં બીજા દિવસે વધુ વેક્સિન અપાઈ હતી. આ ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, ભરૂચ, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ પહેલાંની તુલનામાં બીજા દિવસે વધુ બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
આદિવાસી વિસ્તારોમાં રસીકરણની ગતિ તેજ કરાશે
બાળકોમાં વેક્સિનેશન મામલે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર સહિતના આદિવાસી વસતિવાળા જિલ્લાઓમાં હજી ધાર્યા મુજબની ગતિ પકડાઈ નથી. અહીં માંડ 5 હજાર સુધીના 15-18 વર્ષની વયજૂથનાં બાળકોને કોવેક્સિન અપાઈ રહી છે. એમાં પણ ડાંગમાં તો બીજા દિવસે 1 હજારથી પણ ઓછા બાળકોને રસી આપી શકાઈ હતી. આ કારણે હવે સરકાર દ્વારા આ જિલ્લાઓમાં વેક્સિનની ગતિ વધારવા માટેના પ્રયાસો કરવામાં આવશે.
સ્કૂલમાં જ વેક્સિનેશનની વ્યવસ્થાથી ઝડપી રસીકરણ
હાલ રાજ્યમાં ચાલી રહેલા બાળકોના વેક્સિનેશન કેમ્પેનની સફળતાનું મુખ્ય કારણ સ્કૂલમાં રસી આપવાનો નિર્ણય હોય એમ લાગી રહ્યું છે. તદુપરાંત શાળાએ ન જતાં 15થી 18 વર્ષનાં બાળકોને વેક્સિન તો અપાશે જ, પરંતુ એ તેમના ઘરે જઈને અપાશે. આ માટે રાજ્યભરમાં 30 લાખથી વધુ બાળકોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ છે, એ તમામને આવરી લેવાશે. હાલ બાળકોને કોવેક્સિન આપવામાં આવશે. આ માટે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.