"દિવસ ગયા ડરના ને દુઃખના, સુખના દિનનું દીધું દાન...એે ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન" કવિ, સમાજસુધારક દલપતરામે (1820-1898)એ જમાનામાં ગુનાખોરીનું દૂષણ ઓછું થતા રચેલી પંક્તિઓ આજે રસીકરણના આરંભે સચોટ બેસે છે.
કોરોના સામેના રસીકરણના અભિયાનના પ્રથમ દિવસે ગુજરાતના 161 બૂથ પરથી રસી અપાશે. દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે. આમ પ્રથમ દિવસે 16,000થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. જ્યારે દેશભરમાં 3 હજાર બૂથ પર 3 લાખ લોકોને રસી અપાશે. કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું છે કે જે લોકોને રસી અપાશે તેમના મોબાઈલ પર મેસેજ મોકલાશે. ગુજરાતમાં રસીકરણ માટે સિવિલ કે જનરલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, શાળાઓ તથા અને અન્ય સરકારી સ્થળોએ પણ રસીકરણ બૂથ ઊભાં કરાયાં છે.
આ પણ વાંચો- મળો, ગુજરાતમાં વેક્સિન પહોંચાડનાર રિયલ હીરોને, પુણેથી દમણ, સુરત અને વડોદરામાં વેક્સિન પહોંચાડી
સેન્ટર | કેટલા ડોઝ મળ્યા |
અમદાવાદ | 1,20,000 |
ગાંધીનગર | 96,000 |
ભાવનગર | 60,000 |
સુરત | 93,500 |
વડોદરા | 94,500 |
રાજકોટ | 77,000 |
કુલ | 5,41,000 |
આ રસીકરણ કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન પદ્ધતિથી સવારે સાડા દસ વાગ્યે કરાવશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઊભાં કરાયેલાં બૂથ પર હાજર રહેશે.લોકોમાં રસીકરણ અંગે વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારમાં સેવા બજાવતાં સિનિયર ડોક્ટર્સ પ્રથમ રસી લેશે. ત્યારબાદ અન્ય તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓને પણ આ રસી આપવામાં આવશે. ગુજરાતમાં કુલ 4.31 લાખ હેલ્થ વર્કરોને આ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે. ગુજરાત સરકારે નક્કી કરેલાં લક્ષ્યાંક પ્રમાણે આ માસના અંત સુધીમાં જ તમામ આરોગ્ય કર્મચારીઓને આ રસી આપી દેવાનું આયોજન છે અને આવતા મહિનેથી પોલિસ, મહેસૂલ તથા પંચાયતના ફ્રન્ટલાઇન વર્કર્સ તથા 50થી વધુ વયના લોકોને રસી આપવાનું શરુ કરાશે.
ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ સહિત 11 લાખ ફ્રન્ટલાઈનવર્કર્સને પહેલા ડોઝ અપાશે
કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઈ રહ્યું છે. ગુજરાતે પણ થોડા દિવસ પહેલાં ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે, જેમાં ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કુલ 40,000 જેટલાં બૂથ ઊભાં કરાયાં છે પરંતુ પ્રથમ દિવસે માત્ર 161 કેન્દ્રો પરથી રસી અપાશે. રાજ્યમાં વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતનો આરોગ્ય સ્ટાફ નાણાંકીય લાભની માંગણી સાથે હડતાલ પર છે અને તેઓ સદંતર આ રસીકરણ કાર્યક્રમથી દૂર રહેવાનું મન બનાવી ચૂક્યાં છે. જો કે સરકાર તેમની સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. પરંતુ આ હડતાળને કારણે આરોગ્ય વિભાગ મૂંઝવણમાં છે.
50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકોનો ડેટાબેઝ તૈયાર
ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં લગભગ 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.
વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા ઓબ્ઝર્વેશન રૂમ
કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રીજનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાની સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળ ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સિન સેન્ટર પર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબ્ઝર્વેશન રૂમ તેૈયાર રખાયો છે.
યાદીમાં સામેલ લોકો નહીં આવે, તો રિઝર્વ લોકોને બોલાવાશે
વેક્સિનેશન અભિયાન હેઠળ વેક્સિન લેવા માંગનારા તમામ લોકો પાસે સંમતિ પત્ર ભરાવાશે. કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, વેક્સિનનું એક ટીપું પણ બરબાદ ના થાય એટલે મુખ્ય યાદીની પાછળ બીજા કેટલાક નામ પણ રિઝર્વ રખાશે. એટલે કોઈ વ્યક્તિ ના આવે, તો રિઝર્વ વ્યક્તિને ફોન કરીને બોલાવી શકાય. આ લોકોને મોબાઈલ પર મેસેજ કરીને વેક્સિનેશન કેન્દ્ર પર બોલાવાશે.
લોકોની ઓળખ માટે ચૂંટણીપંચ મદદ કરશે
કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન માટે મતદાર યાદી સાથે સંકળાયેલી માહિતી પણ માંગી છે. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવા ચૂંટણીની અંતિમ મતદાર યાદીનો ઉપયોગ કરાશે.
કઈ વેક્સિનથી કઈ આડઅસરની શક્યતા
ભારત વેક્સિનેશન શરૂ કરનારો 31મો દેશ
આજે 3,15,017 આરોગ્યકર્મીને વેક્સિન અપાશે. કેન્દ્રનો દાવો છે કે, બે અઠવાડિયા પછી રોજ 10 લાખ વેક્સિન લાગવા માંડશે. ત્યારે ભારત સૌથી વધુ વેક્સિન લગાવનારો દેશ પણ બનશે.
આજે પહેલા દિવસનું ચેમ્પિયન મહારાષ્ટ્ર હશે
રાજ્ય | કેન્દ્ર | વેક્સિન |
મહારાષ્ટ્ર | 210 | 24,479 |
રાજસ્થાન | 161 | 23,591 |
તમિલનાડુ | 230 | 22,071 |
પ.બંગાળ | 224 | 21,950 |
ગુજરાત | 161 | 16,000 |
ઉત્તર પ્રદેશ | 170 | 18,155 |
બિહાર | 167 | 18,021 |
આંધ્ર પ્રદેશ | 178 | 17,850 |
કર્ણાટક | 152 | 15,809 |
મધ્ય પ્રદેશ | 150 | 15,000 |
દુનિયાના 3 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે
દેશ | વેક્સિન અપાઈ | શરૂઆત | પહેલા દિવસે |
અમેરિકા | 1.11 કરોડ | 14 ડિસેમ્બર | 30 હજાર |
ચીન | 1.02 કરોડ | 4 જાન્યુઆરી | 74 હજાર |
બ્રિટન | 33.6 લાખ | 8 ડિસેમ્બર | 1.30 લાખ |
ઈઝરાયલ | 21.6 લાખ | 27 ડિસેમ્બર | 60 હજાર |
યુએઈ | 15.3 લાખ | 14 ડિસેમ્બર | 4,500 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.