રાજ્યમાં રાજકીય અને સામાજિક કાર્યક્રમો, રેલીઓ અને માસ્ક વિના લોકોના મેળાવડાને પરિણામે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. 21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે. પરિણામે, પહેલી અને બીજી લહેરની તુલનાએ આ વખતે બમણી ઝડપે કેસો આવતાં સરકાર પણ દવાઓ, બેડ, ઈન્જેક્શનનો સ્ટોક કરી રાખ્યો છે. હાલ રાજ્યના આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગર જિલ્લામાં નવા કેસો રોકેટની ઝડપે વધી રહ્યા છે. એવામાં આ જિલ્લાઓમાં પણ કડક પ્રતિબંધો અંગે સરકારે વિચારવું જોઈએ.
કોરોના-બોમ્બ પર બેઠા છે આ 6 જિલ્લા
ગુજરાતના 6 જિલ્લા આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગરમાં વધતો કોરોના ચિંતા વધારી રહ્યો છે. 21થી 27 ડિસેમ્બર વચ્ચે આણંદમાં 28 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, કચ્છમાં 23 કેસ, ખેડામાં 26 કેસ, વલસાડમાં 33 કેસ, નવસારીમાં 21 કેસ નોંધાયા હતા, જ્યારે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે 6 દિવસમાં આ જિલ્લાઓમાં અનુક્રમે 138, 101, 85, 124, 90, 65 કેસ નોંધાયા છે, જે 4 ગણાથી લઈને 27 ગણા સુધીનો વધારો દર્શાવે છે.
12-13 જિલ્લાથી 24 જિલ્લામાં ફેલાયું સંક્રમણ
રાજ્યમાં આવતા નવા કેસોની વાત કરીએ તો 21 થી 24 ડિસેમ્બર સુધી જે 12-13 જિલ્લામાં દૈનિક કેસો આવતા હતા, એ 28મી ડિસેમ્બરથી વધીને 24 જિલ્લા સુધી થઈ ગયા. આમ, 3 દિવસમાં જ વધુ 11 નવા જિલ્લામાં કોરોનાના કેસો આવવા લાગ્યા છે. એવામાં ફરીથી નાનાં શહેરો અને ગામડાંમાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં બીજી લહેર વખત જેવી હોસ્પિટલોની બહાર લાઈનો લાગવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
ભાવનગર-ભરુચમાં પણ ચિંતા વધી
રાજ્યના અન્ય જિલ્લાઓમાં વધતા કેસોની વાત કરીએ તો ભાવનગર અને ભરુચમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ભાવનગરમાં 27 ડિસેમ્બરે 1 કેસ આવ્યો હતો, જે 2 જાન્યુઆરીએ 10 કેસ થઈ ગયા. આમ, 6 દિવસમાં 10 ગણા કેસોનો વધારો થયો. આવી જ રીતે ભરૂચમાં પણ 27 ડિસેમ્બરે 2 કેસ હતા, જે 2 જાન્યુઆરીએ 9 થઈ ગયા. આમ, અહીં પણ 4 ગણા કેસો વધ્યા છે.
4 જિલ્લામાં ખાસ સાવધાની જરૂરી
એક બાજુ, રાજ્યમાં તથા અન્ય જિલ્લાઓમાં કેસોનો વધારો થઈ રહ્યો છે, ત્યારે 4 જિલ્લામાં 21મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ડાંગ, બોટાદ, છોટાઉદેપુર તથા પાટણમાં કોરોનાના કેસ નથી આવ્યા, જે એક સારી બાબત કહી શકાય, પરંતુ અહીં પણ જો લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ નહીં કરે તો આ જિલ્લાઓમાં પણ આગામી સમયમાં કેસો આવી શકે છે, આથી તકેદારીના ભાગ રૂપે લોકોએ પોતાની જવાબદારી સમજીને ચુસ્તપણે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ.
6 જિલ્લામાં છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કેસની વિગતો
તારીખ | આણંદ | ગાંધીનગર | કચ્છ | ખેડા | વલસાડ | નવસારી |
21 ડિસેમ્બર | 3 | 2 | 2 | 5 | 5 | 4 |
22 ડિસેમ્બર | 0 | 0 | 1 | 2 | 6 | 4 |
23 ડિસેમ્બર | 3 | 0 | 5 | 4 | 5 | 4 |
24 ડિસેમ્બર | 0 | 2 | 6 | 3 | 5 | 2 |
25 ડિસેમ્બર | 18 | 3 | 3 | 4 | 3 | 5 |
26 ડિસેમ્બર | 2 | 4 | 4 | 4 | 8 | 1 |
27 ડિસેમ્બર | 2 | 5 | 2 | 4 | 1 | 1 |
28 ડિસેમ્બર | 12 | 10 | 5 | 7 | 7 | 10 |
29 ડિસેમ્બર | 23 | 8 | 13 | 21 | 9 | 7 |
30 ડિસેમ્બર | 14 | 19 | 16 | 8 | 15 | 8 |
31 ડિસેમ્બર | 21 | 18 | 12 | 13 | 11 | 10 |
1 જાન્યુઆરી | 39 | 26 | 22 | 39 | 21 | 9 |
2 જાન્યુઆરી | 29 | 20 | 17 | 36 | 27 | 21 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.