તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ છઠ્ઠા ભાગના થયા, પણ પોઝિટિવ આવતા દર્દીઓની સંખ્યા 15 ટકા યથાવત્

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા ઘટીને બે હજારની અંદર આવી ગઈ હતી
  • તેમાંથી પણ સરેરાશ 15.41 ટકા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ હતા
  • એપ્રિલમાં 14.3 ટકા અને મેમાં 15.30 ટકા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા

કોરોના ગયો નથી, હજુ સતેજ રહેવાની જરૂર છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતા લોકોને લાગી રહ્યું છે કે, તેમણે કોરોના સામેની જંગ જીતી લીધી છે, પણ ખરેખર એવું નથી. પહેલાની જેમ લોકો માર્કેટમાં ભીડનો ભાગ બની રહ્યા છે. માસ્ક પહેરવું, નિયમિત હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે બાબતનો લોકોમાં અભાવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કુલ ટેસ્ટ પહેલાની સરખામણીએ છઠ્ઠા ભાગના થઈ ગયા છે તેમ છતાં તેમાંથી પોઝિટિવ આવતા દર્દીઓની સંખ્યા 15 ટકા યથાવત્ જોવા મળી રહી છે.

કોરોનાના રેપિડ-આરટીપીસીઆર ટેસ્ટ અને તેમાં પોઝિટિવ આવનારની સંખ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ ગયા જાન્યુઆરીમાં કુલ 76,244 લોકોના કોરોનાના ટેસ્ટ થયા હતા તેમાંથી 8318 એટલે કે, 10.91 ટકા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એ જ રીતે માર્ચ મહિનામાં કુલ 2,29,181 લોકોના કોરોનાના ટેસ્ટ થયા હતા, તેમાંથી 19,067 એટલે કે 8.32 ટકા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ જાન્યુઆરી કરતાં માર્ચ મહિનામાં પોઝિટિવ આવનારા દર્દીઓની સંખ્યામાં લગભગ 2.59 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને અનુક્રમે 14.3 ટકા અને 15.30 ટકા પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા હતા.

શહેરના લોકોએ અનુભવ્યું હતું કે, તે સ્થિતિમાં એક પણ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં એક બેડ મળવો પણ મુશ્કેલ હતો. લગભગ 20 મે પછી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટવા લાગી હતી. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કોરોના ટેસ્ટિંગ ઓછા કરી દીધા હતા. પહેલાની સરખામણીએ કોર્પોરેશને કોરોના ટેસ્ટિંગ છઠ્ઠા ભાગના કરી દીધા હતા. જોકે ટેસ્ટિંગ ઘટાડવા છતાં પોઝિટિવ આવતા દર્દીઓમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. ટેસ્ટિંગના 15 ટકા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મે મહિનાના છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ 15.41 ટકા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, કોરોના શરૂ થયો ત્યારથી શહેરમાં એન્ટિજન અને આરટીપીસીઆર એમ બંને રીતે કોરોના ટેસ્ટિંગ થતા હતા. કોર્પોરેશને અત્યાર સુધી જે આંકડા રજૂ કર્યા છે તે બંને પ્રકારે થયેલા ટેસ્ટના કુલ આંકડા છે.

બજારો ખૂલ્યાં અને ફરી ભીડ જામી
કોરોનાની બીજી લહેરમાં વેપાર-ધંધા પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, પણ હવે તેમાં છૂટછાટ અપાઈ છે. બીજી તરફ કર્ફ્યૂનો સમય પણ રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી કરાયો છે. દિવસે બજારોમાં ભીડ જોવા મળે છે અને રાત્રે કર્ફ્યૂ હોવા છતાં લોકો રસ્તા પર ફરતા હોય છે. આવા કારણોથી કોરોના પોઝિટિવ આવવાનો દર યથાવત્ છે.

અન્ય સમાચારો પણ છે...