તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈશ્વરનો આભાર કે મને કોરોના થયો:કોરોના ટેસ્ટ કરાવ્યો તો બ્રેસ્ટ કેન્સર નીકળ્યું, ડૉક્ટરે કહ્યું, યોગ્ય સમયે ખબર પડી: અમદાવાદનાં ડૉક્ટર રૂપલ મઘાણી

અમદાવાદ8 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડૉક્ટર રૂપલ મઘાણીએ કહ્યું- મારાં ફેફસાં 75% ડેમેજ થઈ ગયાં હતાં. ડરતાં ડરતાં સિટી સ્કેન કરાવ્યો તો આ છુપાયેલી બીમારી સામે આવી ગઈ. - Divya Bhaskar
ડૉક્ટર રૂપલ મઘાણીએ કહ્યું- મારાં ફેફસાં 75% ડેમેજ થઈ ગયાં હતાં. ડરતાં ડરતાં સિટી સ્કેન કરાવ્યો તો આ છુપાયેલી બીમારી સામે આવી ગઈ.

અમદાવાદનાં ડૉક્ટર રૂપલ મઘાણી કોરોના સામે જીવન-મરણનો જંગ લડી રહ્યાં હતાં ત્યારે જ તેમને ખબર પડે છે કે તેમને બ્રેસ્ટ કેન્સર છે. તેઓ સતત 40 દિવસ પોઝિટિવ રહ્યાં. રૂપલબેને 7 વખત ટેસ્ટ કરાવ્યો. આ દરમિયાન સિટી સ્કેનમાં તેમને કેન્સરની જાણ થઈ. ડૉક્ટરે કહ્યું- ‘ખરા સમયે કેન્સરની ખબર પડી ગઈ.’ આ સાંભળીને મ્યુનિસિપલ અધિકારી ડૉ. રૂપલ મઘાણી ઈશ્વરનો આભાર માનતાં કહે છે કે સારું થયું કે મને કોરોના થયો.

કદાચ હું દેશમાં એકમાત્ર વ્યક્તિ હોઈશ કે જે કોરોના આપવા બદલ ઈશ્વરનો આભાર માનતી હશે, પણ મારી સાથે થયું જ એવું કંઈક કે હું ઈશ્વર અને કોરોના બંનેનો આભાર માન્યા વગર નહીં રહી શકું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોક્ટર તરીકેની મારી ફરજ દરમિયાન હું કોરોનાગ્રસ્ત થઈ હતી. આશરે 40 દિવસ સુધી સાત જેટલા ટેસ્ટ કરાવ્યા છતાં મારો ટેસ્ટ પોઝિટિવ જ રહેતાં એટલી હદે હું વાઇરસથી ગ્રસ્ત હતી. પોઝિટિવ આવ્યા બાદ હું 21 એપ્રિલના રોજ એસવીપી હોસ્પિટલમાં દાખલ થઈ. ત્યાંથી પછી હું વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં શિફ્ટ થઈ. આ દરમિયાન મારા કલાસાગર ફ્લેટના સભ્યો સતત અમારી સાથે રહ્યા.

કોરોના સામેનો જીવન-મરણનો જંગ ચાલતો હતો, મને ખબર ન હતી કે મારું શું થશે ?
કરમસદ મેડિકલ કોલેજની 1988 બેચના મારા તમામ સાથી ડોક્ટરોએ મારી હિંમત ન તૂટવા દીધી. મારાં બેચમેટ ડો. મોના ભટ્ટ અને ડો. ડિમ્પલ મપારાએ તો મારા ખાતામાં પૈસા પણ ટ્રાન્સ્ફર કરી દીધા, જેથી સારવારમાં કચાશ ન રહે. કોરોના સામેનો જીવન-મરણનો જંગ ચાલતો હતો, એ દરમિયાન જ અમદાવાદના ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટરમાં મારો સિટી સ્કેન (HRCT) કરાવવાનો થયો. મારાં ફેફસાં 75 ટકા જેટલાં ડેમેજ થઈ ગયાં હતાં. મને ખબર ન હતી કે મારું શું થશે ? મારી સ્થિતિ જોતાં જ સેન્ટરનાં ડો. અમિત ગુપ્તાએ મને અપોઇન્ટમેન્ટ આપીને સિટી સ્કેન માટે બોલાવી લીધી. સ્કેન કરાવીને ઘરે આવ્યાં બાદ મને સેન્ટરમાંથી ડો. કોમલ વડગામાનો ફોન આવ્યો કે તમારે ફરીથી સેન્ટર પર આવવું પડશે. મને શ્વાસની ખૂબ તકલીફ હતી અને હું સતત 40 દિવસથી કોરોનાગ્રસ્ત હોઈ માનસિક રીતે પણ થાકી ગઈ હતી. બ્લડપ્રેશર પણ હાઇ રહેતું હતું. મેં ડોક્ટરને પૂછ્યું કે શું થયું? ત્યારે તેમણે જે કહ્યું એ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.

હું કોરોના પોઝિટિવ જ હતી અને મને ખબર પડી કે મને કેન્સર છે
મારા પતિને સેન્ટર પર લઈ જવા કહ્યું. તેઓ ચિંતા ન કરે માટે તેમને સત્ય ન જણાવ્યું. ત્યાં ગયાં પછી ડોક્ટરે ચેક કરીને બ્રેસ્ટ કેન્સર હોવાનું કહ્યું. ઘરે આવતાં સમગ્ર રસ્તે હું પતિને કંઈ કહી ન શકી, પરંતુ ઘરે આવીને હું તૂટી પડી અને સત્ય જાણીને મારા પતિ પણ ખૂબ રડ્યા. 40 દિવસથી હું કોરોના સામે લડી રહી હતી. મારા સતત સાત રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને હજુ હું કોરોના પોઝિટિવ જ હતી અને એ જ દરમિયાન મને ખબર પડી કે મને કેન્સર છે. મારી એક લડાઈ ચાલુ હતી અને ભગવાને મને કેન્સર આપીને ફરીથી લડવા મજબૂર કરી. ચાલુ કોરોનાયાત્રા દરમિયાન જ અહીંથી મારી કેન્સરયાત્રા પણ શરૂ થઈ.

ડોક્ટરે કહ્યું, તમારી સર્જરી માટે પહેલાં તો તમારે નેગેટિવ આવવું પડે
મેં ઝડપથી જાતને ભેગી કરીને હવે આગળની લડાઈ લડવાનું નક્કી કર્યું. મારા પતિ અને પુત્ર બંને મારી સાથે છેલ્લા બે મહિનાથી તો લડી જ રહ્યા હતા. તેમને મને ખૂબ હિંમત આપી, સાથે મારા મિત્રો ડો. પિનાકિન સોની અને ડો. અકિલ પટણી તેમજ મ્યુનિ. અધિકારીઓ ડો. ભાવિન સોલંકી અને ડો. મેહુલ આચાર્ય પણ ખૂબ સપોર્ટ આપતા રહ્યા. કેન્સરની યાત્રામાં તમામ ડો. મિત્રોની સલાહ અનુસાર બ્રેસ્ટ કેન્સર સારવારના નિષ્ણાત ડો. ડી.જી. વિજયને બતાવ્યું. મે મહિનાના અંતની આ વાત છે. જ્યારે કોરોનાનો હાહાકાર હોઈ સર્જરીઓ પણ નહોતી થઈ. ડો. વિજયે કહ્યું, તમારી સર્જરી માટે પહેલાં તો તમારે નેગેટિવ આવવું પડે. મારામાં વાઇરલ લોડ એટલો હતો કે સતત સાત રિપોર્ટ કોરોના પોઝિટિવ હતા. ભગાવાનનું નામ લઈને મેં 31 મેના રોજ આઠમો રિપોર્ટ કરાવ્યો અને એ નેગેટિવ આવ્યો. બાદમાં મારી મેમોગ્રાફી થઈ, બ્લડ રિપોર્ટ અને બાયોપ્સી બાદ કેન્સર કન્ફર્મ થયું. 10 જૂનના રોજ મારી સર્જરીનો દિવસ હતો. જોકે ડોક્ટરોએ કોરોના પેશન્ટ પર આ પ્રકારની પ્રથમ સર્જરી કરતાં હોઈ કોરોના કોમ્પ્લિકેશનની તેમને જાણ ન હતી અને તેમને એક ચેલેન્જ મળી.

કેન્સરથી મારી જિંદગી બદલી દેવા બદલ મેં શરૂમાં ઈશ્વરને દોષ આપ્યો હતો
કોરોનાને પગલે મારી શ્વાસનળીમાં સોજો હતો. મારી અઢી કલાક સર્જરી ચાલી, જે માટે મને સતત ઓક્સિજન આપવો જરૂરી હતી. જોકે સોજાની વાતનો ડોક્ટરોને અંદાજ ન હોઈ તેમને નળી નાખવામાં ખૂબ પરેશાની થઈ. ખૂબ પ્રયત્નો પછી તેઓ સફળ થયા અને મારી સર્જરી સફળ રહી. કોરોનાને લીધે મારી ઇમ્યુનિટી પહેલેથી જ ડાઉન હતી, જેથી સર્જરી પછી બે મહિને મને માંડ રિકવરી આવી. એક બાજુ, મારાં ફેફસાં 75 ટકા ડેમેજ હતાં. કોરોના અને કેન્સર સાથે આપીને મારી જિંદગી બદલી દેવા બદલ મેં શરૂમાં ઈશ્વરને દોષ આપ્યો, પણ પછી શાંતિથી વિચારતાં મને લાગ્યું કે જો ઈશ્વર મને કોરોના ન આપત તો મને કેન્સની ખબર ન પડત. માટે ઈશ્વરનો આભાર કે મને કોરોના આપ્યો. મારું કેન્સર પ્રથમ સ્ટેજમાં જ પકડાયું. હજુ ચણાના દાણા જેટલો જ લમ્પ હતો.

મારા પતિ અને પુત્રએ મને સહેજ પણ તૂટવા નથી દીધી
મને લાગે છે 20 વર્ષ મ્યુનિ.માં ડોક્ટર તરીકે મેં લોકોની જે સેવા કરી અને જમાલપુરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી તેમના મને આશીર્વાદ લાગ્યા. પાડોશી, મિત્રો, મારા જૈન સમાજના લોકો અને મારા સાથી મ્યુનિ. અધિકારીઓએ મારા માટે ખૂબ મહેનત કરી. મારા પતિ અને પુત્રએ મને સહેજ પણ તૂટવા નથી દીધી અને યુટ્યૂબ પરથી નવી નવી વાનગીઓ બનાવીને મને પીરસી છે અને સેવા કરી છે. હવે હું 80 ટકા જેટલી રિકવર થઈ છું. રોજનું 30 મિનિટ ચાલવાનું શરૂ કર્યું છે. કોરોના અને કેન્સર સામે છેડેલી જંગ ચાલુ છે. સમાજ સાથે હશે તો આ જંગ પણ હું જીતી લઈશ !!!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો