તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની તૈયારી:રથયાત્રા અગાઉ 120 ખલાસીઓનો કોરોના ટેસ્ટ, કોઈ ખલાસી પોઝિટિવ આવે તેવા કિસ્સામાં વધુ 70 ખલાસીઓ સ્ટેન્ડ બાય પર રખાયા

અમદાવાદ23 દિવસ પહેલા
કોરોના ટેસ્ટ કરાવતા ખલાસીની તસવીર
  • જગન્નાથ મંદિરમાં રથયાત્રા અગાઉ ફોગિંગની કામગીરી કરવામાં આવી
  • 60 ખલાસીઓ રથને સરસપુર સુધી લઈ જશે અને 60 ખલાસી રથને નિજ મંદિર પરત લાવશે

અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાના આયોજન માટે રાજ્ય સરકારે પરવાનગી તો આપી છે, પણ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં એ માટે રથયાત્રામાં ભક્તોને સામેલ થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈન્સ તથા કર્ફ્યૂ વચ્ચે આ વર્ષે શહેરમાં રથયાત્રા યોજાવાની છે, ત્યારે આજે રથયાત્રામાં સામેલ થનારા 120 ખલાસીઓના જગન્નાથ મંદિર પરિસરમાં જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ સમગ્ર મંદિર પરિસરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી.

મંદિર પરિસરમાં ખલાસીઓના કોરોના ટેસ્ટ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ગણતરીના કલાકો પહેલાં રથ ખેંચનારા તમામ 120 ખલાસીઓનો આજે મંદિર પરિસરમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આગામી 24 કલાકમાં આવી જશે. જોકે કેટલાક ખલાસી ભાઈઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો વધારાના 70 ખલાસી તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી રથયાત્રા અગાઉ જો કોઈ ખલાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેની જગ્યાએ અન્ય ખલાસીને રથ ખેંચવા માટે સામેલ કરી શકાય.

જગન્નાથ મંદિરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી
જગન્નાથ મંદિરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી

રિપોર્ટ નેગેટિવ આવે તેવી ખલાસીભાઈઓની પ્રાર્થના
કોરોના ટેસ્ટ કરાવવા આવેલા ખલાસી ચેતનભાઈએ જણાવ્યું હતું કે, હું વીસ વર્ષથી રથ ખેંચુ છું, આજે સરકારના આદેશ મુજબ મેં આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવ્યો છે, ભગવાનને પ્રાર્થના છે કે અમારા દરેક સભ્યોના ટેસ્ટ નેગેટિવ આવે અને અમે બધા ભગવાનના રથ ખેંચી શકીએ. જ્યારે પ્રિતેશભાઈએ જણાવ્યું હતું કે, મેં અત્યારે ટેસ્ટ કરાવ્યો છે, હું 25 વર્ષથી જગન્નાથ ભગવાનનો રથ ખેચું છું, ભગવાન કરે અને અમારા દરેક ખલાસી ભાઈઓના ટેસ્ટ નેગેટિવ આવે અને અમે ભગવાનના રથ ખેંચી શકીએ.

ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો પ્રસાદ વહેંચાશે
નોંધનીય છે કે ગઈકાલે જ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ રીતે યોજાશે. મંદિર તરફથી અપીલ છે કે લોકો ઘરમાં બેસીને રથયાત્રાનો લાભ લે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. રસ્તામાં કોઈપણ પ્રસાદની વહેંચણી કરવામાં આવશે નહીં. રથ નિજમંદિર પરત ફરશે, ત્યાર બાદ મંદિરમાં મગ, જાંબુ, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથ પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.

કોઈ ખલાસી કોરોના પોઝિટિવ આવે તો અન્ય 70 ખલાસીઓને તૈયાર રખાયા
કોઈ ખલાસી કોરોના પોઝિટિવ આવે તો અન્ય 70 ખલાસીઓને તૈયાર રખાયા

રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં નથી આવ્યો
ખલાસીભાઈઓને ગાઈડલાઈન્સ મુજબ સૂચના આપવામાં આવી છે. 60 ખલાસીભાઈ સવારે રથ સરસપુર સુધી લઈ જશે. બીજા 60 ખલાસીભાઈ સરસપુરથી રથ નિજમંદિર પરત લાવશે. રથયાત્રા પૂર્વે શનિવારે 8.30 વાગ્યે નેત્રોત્સવ વિધિ થશે. 9.30 વાગ્યે ધ્વજારોહણની વિધિ યોજાશે. રથયાત્રાના આગળના દિવસે રથનું પૂજન કરશે. સવારે 4.30 વાગ્યે મંગળા આરતી થશે. 7 વાગ્યે પહિંદવિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. રથયાત્રામાં જમાલપુર દરવાજાથી સ્વાગતની પરંપરા છે, પરંતુ આ વર્ષે ક્યાંય રથ રોકાશે નહી. જોકે રથયાત્રાનો રૂટ પણ ટૂંકાવવામાં નથી આવ્યો.

ખલાસીઓનો કોરોના રિપોર્ટ 24 કલાકમાં આવશે.
ખલાસીઓનો કોરોના રિપોર્ટ 24 કલાકમાં આવશે.