ફરજિયાત કોરોના ટેસ્ટિંગ:અમદાવાદમાં ફરી કોરોનાના સુપર સ્પ્રેડર્સના ટેસ્ટિંગ થશે, રાજકારણીઓ-ક્રિકેટ રસિયાઓ 'નિર્દોષ', શ્રમિકો-કામદારો જ સ્પ્રેડર?

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદ શહેરમાં કોમ્યુનિટી હોલ, મસ્ટર સ્ટેશન સહિત 15 જગ્યાએ રેપીડ ટેસ્ટ કરી પ્રમાણપત્ર લેવું પડશે
  • દવા દુકાનધારકો,શાકભાજી વિક્રેતા, કરીયાણાની દુકાનધારકો અને કર્મચારીઓ, વાળંદ, રિક્ષાચાલક, કડીયાકામ કરનારના ટેસ્ટિંગ થશે

અમદાવાદમાં હવે સુપર સ્પ્રેડરને વર્ગીકૃત કરી તેમના રેપિડ તેમજ RC-PTR ટેસ્ટ ફરજિયાત કરવાનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને (AMC) નિર્દેશ કર્યો છે. આ મુજબ હવે દવાની દુકાનવાળા, શાકભાજી વિક્રેતા, કરિયાણાની દુકાનવાળા અને તેમના કર્મીઓ, વાળંદો, રિક્ષા ડ્રાઈવરો, કડિયાકામ કરતા કારીગરો સહિત અન્ય શ્રમિકોને સુપર સ્પ્રેડરો ગણી લેવામાં આવ્યા છે. અમદાવાદમાં કોમ્યુનીટી હોલ, મસ્ટર સ્ટેશન મળી 15થી વધુ જગ્યાએ રેપીડ ટેસ્ટ કરી તેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. જો કે, AMCની આ યાદીમાં ચૂંટણી વખતે રેલીઓ કરનારા રાજકારણીઓ કે હાલમાં જ મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધુની સંખ્યામાં મેચ જોવા ગયેલા લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. આ રીતે જોઈએ તો ખુદ સત્તાવાળાઓ એવું કહેવા માગે છે કે કોરોના તો જાણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોથી જ ફેલાય છે.

હોમડિલિવરી કરનારે RTPCR ટેસ્ટ કરાવો પડશે
AMCની યાદી અનુસાર, ફૂડ ડિલિવરી બોય, સુપર માર્કેટમાં કામ કરતા કર્મચારીઓ, હોમ ડિલિવરી કરતા તમામ કર્મચારીઓએ RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે. જેના માટે જે તે એજન્સી, એકમ અને કંપનીએ ખાનગી લેબોરેટરીમાં કરાવવાનો રહેશે. જેની યાદી AMCની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તદુપરાંત છૂટક દુકાનવાળા, કરિયાણા-શાકભાજીવાળા ઉપરાંત છૂટક વ્યાવસાયિક લોકોએ પણ ફરજિયાત રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવા પડશે.

રેલીઓ-મેચમાં ભેગી કરેલી ભીડ પછી જ ગુજરાતમાં કોરોના વકર્યો
છેલ્લા એક મહિના દરમિયાન ગુજરાતમાં ચૂંટણી પ્રચાર-રેલીઓ અને મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન એક લાખથી વધુની ભીડ ભેગી કરવાના જે તાયફા થયા તે પછી જ કોરોના વકર્યો છે. ખુદ મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરામાં પ્રચારની રેલી દરમિયાન મૂર્છિત થઈ ગયા હતા અને બીજા દિવસે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ રેલીઓ બાદ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મેચમાં તો સ્ટેડિયમની મર્યાદિત જગ્યામાં એક લાખ જેટલા લોકોને ભેગા કરીને ગુજરાત ક્રિકેટ એસોસિયેશને (GCA) સોશિયલ ડિસ્ટન્સિંગની ધજીયા ઉડાવી હતી.

રેપિડ ટેસ્ટ કરીને શ્રમિકોએ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે
અમદાવાદમાં કોમ્યુનિટી હોલ, મસ્ટર સ્ટેશન મળી 15થી વધુ જગ્યાએ રેપીડ ટેસ્ટ કરી તેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ માટે અમદાવાદ મ્યુનિ.એ પૂરતી માત્રામાં રેપિડ એન્ટિજન ટેસ્ટની કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં અલગ-અલગ સ્થળે એન્ટિજન ટેસ્ટ માટેની સુવિધાઓ પણ મ્યુનિ. દ્વારા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

રાજકીય રેલીઓ-મેચમાં તો કોઈના ટેમ્પરેચર પણ મપાતા નહોતા
લોકોમાં એવા પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે હાલમાં જ ચૂંટણીઓ થઈ તેની પ્રચાર રેલીઓમાં આવનારા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જનારા પ્રેક્ષકોના રેપિડ ટેસ્ટ કર્યા હોત કે પછી સામાન્ય ગન વડે ટેમ્પરેચર માપ્યા હોત તો પણ આવી સ્થિતિ થઈ ન હોત. ઊલટાનું હવે રોજ કમાઈને રોજ ખાનારા વર્ગને ફરી પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ AMC સત્તાવાળાઓ લાવી રહ્યા છે. દર વખતે મધ્યમ-ગરીબ વર્ગના લોકોને જ સ્પ્રેડર માનીને તેમના ટેસ્ટ ફરજિયાત કરાવવાની વાત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...