એક્સક્લુઝિવ:કોરોનાથી પેઇંગ ગેસ્ટ બિઝનેસમાં મંદી, 2 લાખ ઘરોમાં રહેનારા 10 લાખ પેઇંગ ગેસ્ટે અમદાવાદ શહેર છોડ્યું; 750 કરોડ રૂપિયાનું નુકસાન

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પીજીમાં રહેતા હતા કોલેજ-યુનિવર્સિટી, કોચિંગ અને નોકરિયાત 15 લાખ લોકો
  • પીજી સેન્ટર ખાલી થયા પછી રેન્ટલ, ખાણી-પીણી તથા અન્ય બિઝનેસને અસર પહોંચી
  • ચાર મોટાં શહેરનો પીજી બિઝનેસ 1500 કરોડ, 20% પીજી જ બચ્યા

લૉકડાઉનના કારણે ઘણા બધા ધંધા - રોજગાર બંધ થઇ ગયા છે અથવા તો ડચકાં ખાઈને ચાલી રહ્યા છે. તેવી જ રીતે અમદાવાદમાં ધમધમતો પી- જી અને રેન્ટલનો વ્યવસાય પણ ઓકિસજન ઉપર આવી ગયો છે. પી.જી. ચલાવતા અમદાવાદના વેપારીઓએ જણાવ્યું હતું, કે અમદાવાદમાં 2 લાખ જેટલા પીજી સેન્ટર છે. જેમાં અંદાજે 15 લાખ જેટલાં છોકરા-છોકરીઓ તેમજ નોકરી કરતા લોકો રહેતાં હતાં. જેમાં 1 વ્યકિત પાસેથી રહેવા-બે ટાઈમ જમવા અને 2 ટાઈમ ચા - નાસ્તા પેટે મિનિમમ રૂ.5 હજાર પી.જી.ના સંચાલક લેતા હતા. જેથી પીજીમાં રહેતા 15 લાખ લોકો દર મહિને રૂ.750 કરોડ રહેવા - ખાવાના ચૂકવતા હતા.

જો કે લૉકડાઉન થયું ત્યારથી પીજીમાં રહેતા 70 ટકા લોકો રૂમ ખાલી કરીને જતા રહ્યા છે. જ્યારે હાલમાં 20 થી 30 ટકા જેટલા લોકો જ પીજીમાં રહે છે. જેના કારણે પીજીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને બહુ જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે પીજીના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો એવા છે કે તેઓ આ એક જ વ્યવસાય ઉપર નભતા હતા. જેના કારણે તેમની અને તેમના પરિવારની હાલત કફોડી બની છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધારે પીજી સેન્ટર સેટેલાઈટ, વસ્ત્રાપુર, ગુરુકુલ રોડ, સોલા, સાયન્સ સીટી, નવરંગપુરા, નારણપુરા, ગુજરાત યુનિર્વસિટી, ઘાટલોડિયા, પાલડી, વાસણા, આંબાવાડી વિસ્તારમાં ચાલતા હતા.

યુનિર્વસિટી વિસ્તારમાં પીજી ચલાવતા મહિલા જાનકીબહેન ઘોઘારીએ જણાવ્યું હતું કે, હું દાદા સાહેબના બંગલા પાસે અને યુનિવર્સિટી વિસ્તારમાં પીજી ચલાવું છું. મારા પીજીમાં ફકત સેપ્ટ યુનિર્વસિટીની છોકરીઓને જ રાખતી હતી. જો કે માર્ચ મહિનામાં લૉકડાઉન થયુ ત્યારથી છોકરીઓ ઘરે જતી રહી હોવાથી પીજી સંપૂર્ણ બંધ છે. જેથી ભાડાંની આવક પણ બંધ છે. જ્યારે અમારે મકાન માલિકને પૂરેપૂરું ભાડું ચૂકવવું પડે છે અને ભાડું માફ કરવાની વાત કરીએ તો તે મકાન ખાલી કરાવી દેવાની ધમકી આપી રહ્યા છે.

રાજકોટમાં 70 હજાર લોકો પીજીમાં રહેતા
રાજકોટમાં 70 હજાર જેટલા લોકો પીજીમાં રહેતા હતા, જેમાં અભ્યાસ કરતા છોકરા - છોકરીઓ તેમજ નોકરી કરતા લોકોનો સમાવેશ થાય છે. રાજકોટમાં પીજીમાં રહેતો એક વ્યકિત માસિક રૂ.1500 થી 2200 ભાડું ચૂકવતો હતો. જેના પરથી રાજકોટમાં પીજીના વ્યવસાયનું વાર્ષિટ ટર્નઓવર રૂ.14 કરોડનું હોવાનો અંદાજ છે.

વડોદરામાં 500 પીજી સેન્ટરમાં 15 હજાર જેટલાં છોકરા-છોકરીઓ રહેતાં હતાં
વડોદરામાં 500 જેટલાં પીજી સેન્ટર નોંધાયેલાં છે, જેમાં અત્યારસુધી 15 હજાર જેટલાં છોકરા - છોકરીઓ રહેતાં હતાં. જોકે લૉકડાઉન બાદ પીજીમાં રહેતાં છોકરા - છોકરીઓની સંખ્યા 30 ટકા જેટલી થઇ છે.

અમે પીજીમાં રહેતી છોકરીઓનું ભાડું માફ કર્યું, પરંતુ માલિકોએ અમારું ભાડું માફ કર્યું નથી
સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં પાયલબહેન પાઠકે જણાવ્યું હતું કે, હું વિધવા છું અને મારા દીકરા સાથે રહું છું અને પીજી ચલાવીને અમારું ગુજરાન ચલાવું છું. મારે ત્યાં રહેતા લૉકડાઉન થયું ત્યારથી અમને ભાડું ચૂકવી શકયા ન હતા. તેમને ઘરે મોકલવાની વ્યવસ્થા અમે કરી હતી. અમારા મકાનમાલિકો ભાડું માફ કરવા તૈયાર નથી.

નવરંગપુરામાં પીજી ચલાવનાર મહેશભાઇ પટેલે જણાવ્યું કે, નવરંગપુરામાં મારા 5 પીજી આવેલા છે. આ સિવાય સીજી રોડ અને નવરંગપુરા વિસ્તારમાં 2000 જેટલાં પીજી સેન્ટર ચાલતાં હતાં, જેમાંથી મોટા ભાગના હાલમાં બંધ હાલતમાં છે. જો આમને આમ ચાલ્યું તો અમારે પીજીનો ધંધો બંધ કરીને બીજો કોઈ ધંધો શરૂ કરવાનો વારો આવશે.

5000થી 15000 સુધી ભાડું લેવાતું હતું
પીજી સેન્ટરમાં નોન-એસી રૂમમાં બે ટાઈમ જમવાનું અને ચા - નાસ્તા સાથેનું માસિક ભાડું રૂ.5 હજાર લેવાતું હતું. જ્યારે 8 હજારમાં એસી રૂમ જેમાં લાઈટ બિલ રહેનારે ચૂકવવું પડતું હતું. ત્યાર બાદ અલગ રૂમમાં રહેવા માટેનું માસિક ભાડું 10 થી 15 હજાર રૂપિયા સુધી લેવામાં આવતું હતું.

78 માંથી 61 ફલેટમાં છોકરા - છોકરીઓ
શિરીન એપાર્ટમેન્ટના રહીશ રવિ જોતવાનીએ જણાવ્યું કે મેમનગરમાં શિરીન એપાર્ટમેન્ટમાં 78 ફલેટ છે. જેમાંથી 61 ફલેટ બિલ્ડરે અમદાવાદ યુનિવર્સિટી અને એક કેબ સર્વિસને ભાડેથી આપ્યા હતા. જેથી તે ફલેટોમાં 250 થી 300 જેટલા છોકરા - છોકરીઓ રહેતા હતા. આ છોકરા-છોકરીઓના ત્રાસના કારણે અમે માત્ર 4 મેમ્બર અહીં રહેતા હતા. ભાડેથી અપાયેલા આ ફલેટો ખાલી કરાવવા અમે કાયદાકીય લડત શરૂ કરી હતી. પરંતુ લૉકડાઉનના કારણે તમામ છોકરા-છોકરી ફલેટ ખાલી કરીને જતા રહ્યા હોવાથી અમે હાશકારો અનુભવ્યો છે.

લોકોએ ઘણા ફ્લેટ પીજી માટે લીધા હતા, હવે ખાલી

કયા વિસ્તારમાંકેટલાં પીજી સેન્ટરકેટલાં છોકરા-છોકરી
ગુરુકુળ200015થી 20 હજાર
નવરંગપુરા10થી 15 હજાર1થી 1.50 લાખ
સેટેલાઈટ8000થી 10,0001લાખ જેટલા
વસ્ત્રાપુર10 હજાર કરતાં વધારે1.25 લાખ
ગુજરાત યુનિવર્સિટી5 હજાર જેટલાં70થી 80 હજાર
પાલડી2000 જેટલાં10થી 15 હજાર
સોલા - સાયન્સ સિટી15 હજાર જેટલાં1 લાખ જેટલાં
ઘાટલોડિયા3થી 5 હજાર20 હજાર જેટલાં
ડ્રાઈવ ઈન5હજાર જેટલાં25થી 30 હજાર
આંબાવાડી2થી 3 હજાર10 હજાર જેટલાં
વાસણા1500 જેટલાં7500થી 10 હજાર
અન્ય સમાચારો પણ છે...