અમદાવાદમાં અનલોક પર અંકુશ:રાતે 10 પછી પણ ચાલુ રહેતા રાજપથ ક્લબની રેસ્ટોરાં સહિત અમદાવાદની સંખ્યાંબંધ 'ઈટરિઝ' સીલ, કાલથી વધુ કડક અમલ શરૂ થશે, શહેરના 27 વિસ્તારોમાં રાતે 10 પછી દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રહેશે

અમદાવાદ2 વર્ષ પહેલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ સહિત 27 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા પછી દવાની દુકાનો સિવાય ખાણીપીણી સહિત તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો આજ રાતથી જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં રાતે 10 પછી પણ ચાલુ રહેતા રાજપથ ક્લબની રેસ્ટોરા, વસ્ત્રાપુરમાં MBA ચાઇવાલા સહિત સંખ્યાંબંધ 'ઈટરિઝ' સીલ કરવામાં આવી છે. એટલું જ નહીં આવતીકાલ રાતથી આ અંગે વધુ કડક અમલવારી શરૂ કરવામાં આવશે જેમાં મોટો દંડ પણ વસૂલવામાં આવશે.

રાતે 10 પછી પણ ચાલુ રહેતા રાજપથ ક્લબની રેસ્ટોરા સીલ.
રાતે 10 પછી પણ ચાલુ રહેતા રાજપથ ક્લબની રેસ્ટોરા સીલ.

કોર્પોરેશન દ્વારા રાત્રે ફરી એકવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અગાઉની પ્રેસનોટમાં ટાઇપિંગની ભૂલના કારણે એવા મેસેજ ફરતા થયા હતા કે માત્ર ખાણીપીણીની દુકાનો 10 વાગ્યા પછી બંધ રહેશે. પરંતુ હકિકતમાં દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમ વિસ્તારમાં આવતા એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સસિટી રોડ, ઇસ્કોન વગેરે જગ્યાએ યુવાનો ટોળામાં બેસી રહેતા, જેઓ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતા. કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે આ તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ટોળામાં ભેગા થઈ બેસી રહેતા હતા, જેને લઈને આજે કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય લીધો હતો.

રાતના 10 વાગ્યા બાદ આ વિસ્તારો બંધ રહેશે.
રાતના 10 વાગ્યા બાદ આ વિસ્તારો બંધ રહેશે.

માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે
માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. યુવાનો દ્વારા ટોળામાં બેસી અને કોરોનાની ગાઈડલાઈન્સના ભંગને અટકાવવા તેમજ તેમના પરિવારમાં બાળકો અને વૃદ્ધોને કોરોના સંક્રમણથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શા માટે અમદાવાદમાં આ નિર્ણય લેવાની ફરજ પડી?
લૉકડાઉન પછી તબક્કાવાર રીતે અનલૉક શરૂ કરાયું હતું. ધીમે ધીમે સમગ્ર શહેરમાં પરિસ્થિતિ નોર્મલ થઈ રહી હોય તેવું જણાતું હતું. રેસ્ટોરન્ટ પણ 11 વાગ્યા સુધી ખોલવાની છૂટ અપાઈ હતી. ખાણી-પીણીના જાણીતા ફૂડ જોઈન્ટ પણ મોડી રાત સુધી ધમધમવા માંડ્યા હતા પરંતુ લોકો ત્યાં ભેગા થઈને કોરોનાનો ભય હોવા છતાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરતા નહોતા. યુવાનો ટોળે વળીને પોતાના વાહનો લઈ જે તે સ્થળે બેસતા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નહોતા તથા માસ્ક પણ પહેરતા નહોતા. આથી કોરોના માટે અમદાવાદના નિમાયેલા ખાસ અધિકારી ડૉ. રાજીવ ગુપ્તાએ 27 વિસ્તારોમાં 10 વાગ્યા પછી તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઘણા લોકો આજે પણ જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળે છે અથવા તો ખોટી રીતે માસ્ક પહેરે છે.

5 દિવસ પહેલા જ ડો.રાજીવ ગુપ્તાએ સંકેત આપ્યો હતો
5 દિવસ પહેલા પણ ડો.રાજીવ ગુપ્તાએ આ આ અંગે સંકેત આપતા કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં જાણવા મળ્યું છે કે કેટલાક લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળે છે અથવા તો ખોટી રીતે માસ્ક પહેરે છે અને સોશિયલ ડિસ્ટન્સિગનો પણ ભંગ કરતા હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું છે. શહેરમાં ખાસ કરીને સિંધુ ભવન રોડ, પ્રહલાદનગર, એસ.જી.હાઈવે અને રિંગ રોડ પર સાંજે યુવાનોના મોટા ટોળા દેખાય છે. માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિગનો ભંગ કરતા આ યુવાનોને ખાસ અપીલ છે કે, તેમના ઘરમાં રહેતા તેમના માતા-પિતા અને બીજા વયોવૃદ્ધ લોકોની સલામતી માટે માસ્ક પહેરે અને મોટા ગ્રુપમાં સોશિયલ ડિસ્ટન્સિગને જાળવે અને સાથે ગ્રુપમાં ખાવાનું પણ ટાળે. કોરોનાને અટકાવવા માટે યુવા વર્ગનો સહકાર ખૂબ જ આવશ્યક છે. અમદાવાદના બધા શહેરીજનો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિગ જાળવે જેથી કોરોના સંક્રમણને ફેલાતા અમે અટકાવી શકીએ.

નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે
અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધી આ વિસ્તારોમાં ખાણી-પીણી સહિતની તમામ દુકાનો બીજી સૂચના જારી ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. આ નિયમનો ભંગ કરનાર દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે રાત્રિ દરમિયાન કોઈપણ પ્રકારના કર્ફ્યૂનો આદેશ આપવામાં આવ્યો નથી. લોકો ગમે તે સમયે અવર-જવર કરી શકે છે.

ખાલી ખાણી-પીણી બજાર કે તમામ દુકાનો-બજારો બંધ?
કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તાના ઓર્ડરમાં શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી તમામ દુકાનો/બજારો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છેકે, શહેરના પશ્ચિમ વિસ્તારનાં માત્ર કેટલાક ખાણી-પીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ડો. રાજીવ ગુપ્તાના ઓર્ડર અને મ્યુનિ.ની પ્રેસનોટમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, જેને લઇને દુકાનધારકોમાં અસમંજસભરી સ્થિતિ ઉત્પન્ન થઇ છે.

અન્ય સમાચારો પણ છે...