તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાથે જીવીશું, સાથે મરીશું:50 વર્ષમાં એક દિવસ પણ અલગ ન પડેલા દંપતીને કોરોનાએ અલગ પાડ્યું, પતિના મોતના 24 કલાકમાં જ પત્નીએ પણ અનંતની વાટ પકડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક દંપતી કનુરાવલ અને મનોરમા બહેન - Divya Bhaskar
મૃતક દંપતી કનુરાવલ અને મનોરમા બહેન
  • નિઃસંતાન વૃદ્ધ દંપતી છેલ્લા 50 વર્ષથી એકબીજાના સથવારે જીવન જીવતા હતા
  • પતિ ડોક્ટર કનુ રાવલ તો પત્ની મનોરમાબહેન નિવૃત્ત શિક્ષિકા હતા

અમદાવાદ શહેરના માણેકબાગ વિસ્તારમાં રહેતા ડો.કનુભાઈ રાવલ અને મનોરમા બહેન રાવલ છેલ્લા 50 વરસથી એકબીજા ના સથવારે જીવી રહ્યા હતા. આ નિઃસંતાન દંપતીને કાળમુખા કોરોનાએ એકાએક છૂટા પાડ્યા હતા. પરંતુ પતિના મૃત્યુના 24 કલાકમાં પત્નીએ પણ અનંતની વાટ પકડી હતી. આવો હતો પતિ પત્નીનો પ્રેમ કે જેને કોરોનાએ છુટા પડવાની કોશિશ કરતા બંનેએ દેહત્યાગ કર્યો. તેમના પરિવારજનોના જણાવ્યા અનુસાર બંને એક સાથે જ રહેતા, અમને યાદ નથી કે કનુભાઈ કે મનોરમા બહેન કયારેય એકલા ક્યાંય ગયા હોય.

બન્નેની આંખો કહી રહી હતી જુદાઈ જીરવી નહીં શકાય
એક અઠવાડિયા પહેલા ડો.કનુભાઈ રાવલ કોરોનામાં સપડાયા હતા અને ઓક્સિજન લેવલ નીચું જતું રહેતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેમ હતા. પરિવારજનો દાખલ કરવાની પ્રક્રિયા કરી રહ્યા હતા, તે સમયે ડો. કનુભાઈ અને તેમના પત્ની મનોરમા બહેનની આંખો એકબીજાની સામે જોઇને આ વિરહ જીરવી નહીં શકાય તેમ કહી રહી હતી. આમ છતાં ચાર દિવસ પહેલા ડો.કનુભાઈ રાવલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા, પરિણામે 50 વર્ષથી એક બીજાનો સહારો અને સધિયારો બનેલા પતિ-પત્નીને કોરોનાએ અલગ અલગ કરી દીધા.

ડાબેથી પાછલી હરોળમાં ટીકેન્દ્ર રાવલ, કલગી રાવલ, મીના રાવલ અને આગલી હરોળમાં કનુ રાવલ અને મનોરમા બહેન રાવલ
ડાબેથી પાછલી હરોળમાં ટીકેન્દ્ર રાવલ, કલગી રાવલ, મીના રાવલ અને આગલી હરોળમાં કનુ રાવલ અને મનોરમા બહેન રાવલ

પતિ-પત્ની બંને એકલા અને એકબીજાના સુખ દુઃખના સાથી
પરંતુ ચાર દિવસની જ સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં ડો. કનુભાઈ રાવલનું અવસાન થયું. ત્યાર બાદ તેમના પત્ની મનોરમાબહેન પણ કોરોના પોઝિટિવ આવતા તેમને પણ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, તેથી પતિના મોતની ખબર આપી શકાય તેમ નહતી. પરંતુ પતિના મોતના માત્ર 24 કલાકમાં પત્નીનું પણ અવસાન થઈ ગયું હતું.
કનુભાઈ રાવલ ડોક્ટર હતા અને અને તેમના પત્ની મનોરમા બહેન શિક્ષક હતા. છેલ્લા કેટલાક વર્ષોથી બંને નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. પતિ-પત્ની બંને એકલા એકબીજાના સુખ દુઃખના સાથી બની મોજથી જીવન જીવતા હતા.

ઓક્સિજન ઘટતો હોવાથી ઘેર જ સારવારની વ્યવસ્થા કરી
ડો. કનુભાઈ રાવલના ભત્રીજા ટીકેન્દ્ર રાવલ મુજબ, માત્ર 24 કલાકના ગાળામાં જ પહેલા કાકા અને પછી કાકીએ દેહ મૂકી દીધો. મારા કનુકાકા અને કાકી નિઃસંતાન હતા, તેથી એકમેકના સહારે 50 વર્ષથી જિંદગી ગુજારી રહ્યા હતા, મને યાદ નથી કે કાકા અને કાકી એક દિવસ પણ અલગ અલગ રહ્યા હોય. કોરોનાના કપરાકાળમાં અઠવાડિયા પહેલા જ કાકીનો ફોન આવ્યો, અને કહેવા લાગ્યા, તારા કાકાને પોઝિટિવ આવ્યો છે, અને ઓક્સિજન ઓછો થઈ જાય છે. જેથી મેં પળનો પણ વિલંબ કર્યા વિના હું પત્ની મીના અને દીકરી કલગી સાથે કાકાને મળવા પહોંચી ગયા. કાકાનો ઓક્સિજન ઘટતો હોવાથી ઘેર જ સારવાર કરવાની વ્યવસ્થા કરી.

‘કાકા, કાકીનો ઈશારો સમજી મેં કહ્યું કાકા-કાકીની સારવાર ઘેર જ કરાવીએ‘
ટીકેન્દ્ર રાવલ મુજબ,કાકી અને એમના બીજા પિયરજનોને કહ્યું, તો એ લોકો આપણે તમારા કાકાને દવાખાનામાં જ દાખલ કરીએ. આ સમયે કાકા અને કાકી સામે જોયું તો બંને જાણે મને આંખના ઈશારાથી કહી રહ્યા હતા કે, ના ટીકા અમને જુદા ના પાડીશ, તારા કાકા હોસ્પિટલમાં જશે તો અમે અલગ અલગ થઈ જઈશું. કાકા, કાકીનો ઈશારો સમજી મેં ના પાડી કે આપણે કાકાની સારવાર ઘેર જ કરાવીએ. હું બધી જવાબદારી સંભાળી લઈશ, પણ કાકીના પિયર જનો માન્યા નહીં. કોઈપણ જાણ કર્યા વિના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધા કાકાને એ જ દિવસે મેં કહી દીધું હતું કે, કાકા અને કાકીને અલગ પાડશો તો બે માંથી એક પણ નહીં જીવી શકે, અને ત્રણ જ દિવસની સારવાર બાદ 7મી મેના રોજ કાકાનો સ્વર્ગવાસ થયો, એના 24 જ કલાકમાં કાકીએ પણ દેહત્યાગ કર્યો.