તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ સ્પીડ પકડી:2 લાખથી વધુ કેસ ધરાવતા 16 રાજ્યમાં ગુજરાત રિકવરી રેટમાં 13મા નંબરે, હોસ્પિટલમાં એક બેડ મળવી પણ મુશ્કેલ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બરના પહેલા 15 દિવસ ગુજરાત 11 નંબર પર હતું, પરંતુ 15થી 30 નવેમ્બરમાં રિકવરી રેટમાં ફરી ઘટાડો થયો
  • તહેવારોમાં ખરીદી માટે બેફામ રીતે બહાર નીકળનારે લોકલ સંક્રમણનું પ્રમાણ વધાર્યું છે, તો તંત્ર દ્વારા કેટલાંક કડક પગલાં ન લેવાયાં હોવાના આક્ષેપો થયા

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. એની સાથે ગુજરાતમાં કોરોનાથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. 15 નવેમ્બર એટલે કે દિવાળીના તહેવારોથી ગુજરાતમાં નવા કેસ તેમજ મૃત્યુઆંકમાં વધારો થયો છે, જ્યારે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જેનેે કારણે હાલમાં નવા દર્દીઓ માટે હોસ્પિટલમાં સારવાર અર્થે જગ્યા મળવી પણ મુશ્કેલ બની રહી છે. છેલ્લા એક મહિનામાં 2 લાખથી વધુ કેસ ધરાવતા 16 રાજ્યમાં ગુજરાતના રિકવરી રેટમાં ઉતારચઢાવ જોવા મળ્યા છે, જેમા એક નવેમ્બરના રોજ ગુજરાત રિકવરી રેટમાં 16 રાજ્યમાં 90.5 ટકા સાથે 11મા સ્થાને હતું, જ્યારે 15 નવેમ્બરના રોજ રિકવરી રેટનો આંકડો 91.3નો નોંધાયો હતો અને આજે(30 નવેમ્બર) ગુજરાત દેશનાં 16 રાજ્યમાં રિકવરી રેટમાં 91 ટકા સાથે 13મા સ્થાને આવી ગયું છે.

રિકવરી રેટની સ્થિતિ: નવેમ્બરના પહેલા 15 દિવસમાં વધ્યો, પછી સતત ઘટાડો
તહેવારોના સમયે ગુજરાતનાં બજારો તેમજ મોલમાં લોકોએ ભીડ જમાવી હતી, જેને કારણે લોકલ સંક્રમણ વધ્યું છે. નવેમ્બરની શરૂઆતમાં રાજ્યના રિકવરી રેટમાં સુધારો થયો હતો, પરંતુ 15 નવેમ્બરથી ફરી ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે. એક નવેમ્બરથી 15 નવેમ્બર સુધીમાં રિકવરી રેટ 2 ટકા વધ્યો હતો, જ્યારે 15 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં 0.3 ટકા રિકવરી રેટ ઘટ્યો છે જેને કારણે ગુજરાત હાલમાં અન્ય રાજ્યની સરખામણીએ 13મા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે બિહાર, તામિલનાડુ, આસામ, આંધ્રપ્રદેશના રિકવરી રેટમાં સતત વધારો નોંધાયો છે. આ આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 15 દિવસ સૌથી જોખમી સાબિત થયા છે. તહેવારોમાં બેફામ રીતે ફરનારાઓને કારણે લોકલ સંક્રમણ મોટે પાયે રાજ્યમાં ફેલાઈ રહ્યું છે.

રિકવરી રેટમાં ટોપ પર આસામ અને આંધ્રપ્રદેશ
નવેમ્બર મહિનામાં દેશનાં 16 રાજ્યમાં રિકવરી રેટમાં આંધ્રપ્રદેશ ટોપ પર રહ્યું છે. આંધ્રપ્રદેશમાં 1 નવેમ્બરે 96.2 ટકા રિકવરી રેટ નોંધાયો હતો, ત્યાર બાદ 15 નવેમ્બરે 0.4 ટકાના વધારા સાથે 96.8એ પહોંચ્યો હતો. આજે આંધ્રપ્રદેશનો રિકવરી રેટ 98.2 ટકાએ પહોંચી ગયો છે, એટલે કે છેલ્લા એક મહિનામાં આંધ્રપ્રદેશમાં દર 15 દિવસે 0.4થી 2 ટકાનો વધારો નોંધાયો છે. ત્યાર બાદ આસામ પણ રિકવરી રેટના મામલે આગળ છે. આસામમાં આજે 97.9 ટકાના રિકવરી રેટ સાથે દેશમાં સૌથી ઝડપી ડિસ્ચાર્જ થનારા દર્દીઓમાં આવે છે. સતત દર પંદર દિવસમાં આસામના રિકવરી રેટમાં 0.2થી 3 ટકાની આસપાસનો વધારો થયો છે.

શું છે હાલની ગુજરાતની સ્થિતિ?
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં સતત સાતમા દિવસે 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 98 દિવસ બાદ ગઈકાલે (સોમવાર) 20 દર્દીનાં મોત થયાં છે. આ પહેલાં 25 ઓગસ્ટે 20 મોત નોંધાયાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 78 લાખ 25 હજાર 615 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 9 હજાર 780ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,989એ પહોંચ્યો છે તેમજ અત્યારસુધીમાં 1 લાખ 90 હજાર 821 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 વેન્ટિલેટર પર જ્યારે 14,887 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...