એક્સક્લુઝિવ:SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: ચેતન પુરોહિત
જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ફાઇલ તસવીર.
  • ખેડાવાલાએ કહ્યું- તાવ આવતા મેટાસિન દવા લીધી, મંગળવારે તાવ જેવું ન્હોતું લાગતું
  • મુખ્યમંત્રીની આફિસમાંથી ફોન આવતા મળવા ગયો હતો: ખેડાવાલા
  • ઇમરાન ખેડાવાલાને રાત્રે 8 વાગ્યે કોરોના પોઝિટિવ હોવાની જાણ થઇ

અમદાવાદના જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય હડકંપ મચી ગયો છે. કારણ કે તેમને કોરોનાના લક્ષણો હોવા અને રિપોર્ટ કરાવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પૂર્ણ કરી ઘરે પરત આવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને હવે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની સરકાર ચલાવનારા નેતાઓને જ ક્વોરન્ટીન થવું પડે તેવી સ્થિતિ પેદા થઇ છે. ત્યારે Divyabhaskar દ્વારા SVP હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇમરાન ખેડાવાલા સાથે રાત્રે 1 વાગ્યે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે તાવ, શ્વાસ લેવામાં મુશ્કેલી છતાં ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હોવાની વાત જણાવી હતી, સાથે જ તેમણે કોરોનાના રિપોર્ટ ફરીવાર ખાનગી હોસ્પિટલમાં કરાવશે તેવી વાત કહી હતી. આઇસોલેશનમાં રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથેની એક્સક્લુઝિવ વાતચીત અહીં પ્રસ્તુત છે. 
દિવ્ય ભાસ્કર: તમે ટેસ્ટ ક્યારે કરાવ્યો? 
ખેડાવાલા: ગઇકાલે (13 એપ્રિલના રોજ) ટીમને ઘરે બોલાવી હતી. 
દિવ્ય ભાસ્કર : તમને કોઇ સિમ્ટમ્સ (લક્ષણો) હતાં?  
ખેડાવાલા:
ના કોઇ લક્ષણ ન હતા. મને બે દિવસ સામાન્ય તાવ આવે તેવો તાવ આવ્યો, હાથ પગ દુખતા હતાં. જેથી મેટાસિન લઇ લેતો હતો. બે દિવસમાં ફરક પડ્યો હતો. પછી શરદી થઇ હોય તેમ નાક જામ થઇ ગયું અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
દિવ્ય ભાસ્કર : બે દિવસમાં કેટલા લોકોને મળ્યા? 
ખેડાવાલા:
બહુ ઓછા લોકોને મળ્યો, બે દિવસ તાવ આવ્યો એટલે ઘરમાંથી બહુ બહાર નથી નિકળ્યો. રિક્ષામાં ફરીને લોકોને અપીલ કરતો હતો તે વીડિયો રવિવારનો છે. ત્યારબાદ સોમવારે ઘરે જ રહ્યો. આજે મંગળવારે પણ હું ઘરે જ રહેવાનો હતો. પણ સીએમ ઓફિસમાંથી ફોન આવ્યો હતો આ બધા (પૂર્વ વિસ્તારમાં કરફ્યૂ) માટે. મને આજે તાવ હતો પણ નહીં. મેં રૂટિનમાં કોરોના માટે સોમવારે ચેક કરાવ્યું હતું.
દિવ્ય ભાસ્કર : SVPમાં તમારી સારવાર શરૂ કરી દીધી? 
ખેડાવાલા:
હું SVP હોસ્પિટલમાં જ છું. બે-ત્રણ જાતની ગોળીઓ આપી છે. એક્સરે કર્યો છે, કાર્ડિયોગ્રામ કર્યો છે, ડાયાબિટિસ ચેક કર્યો છે. કોરોના અંગે બીજી કોઇ ટ્રિટમેન્ટ નથી કરી. 
દિવ્ય ભાસ્કર : મુખ્યમંત્રીને મળવા ગયા ત્યારે તમને જાણ જ ન્હોતી કે તમને કોરોના પોઝિટિવ છે? 
ખેડાવાલા:
મને ના જ ખબર હોય ને? આજે તો મને બિલકુલ તાવ જેવું હતું જ નહીં. બિલકુલ અપટુડેટ હતો. તકલીફ હોય તો હું બહાર જ ના નિકળું. હું તો આજે ઘરમાં જ રહેવાનો હતો. સીએમ ઓફિસમાંથી ફોન હતો એટલે અમદાવાદ માટે કંઇ સારૂ કરવું હતું એટલે મળવા ગયો હતો. 
દિવ્ય ભાસ્કર : તમને કેવી રીતે ખબર પડી કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો? 
ખેડાવાલા:
મુખ્યમંત્રીને મળીને આવ્યા બાદ હું સીધો ઘરે આવ્યો હતો. હું ઘરે જ બેઠો હતો. અમુક લોકો સાથે ફોન પર વાત કરતો હતો. બાદમાં મેં ડૉ. ભાવિન સોલંકીને ફોન કરીને કોરોનાનો રિપોર્ટ શું આવ્યો તે અંગે પુછ્યું હતું. તેમણે કહ્યું હજું આવ્યો નથી થોડીવારમાં આપું છું તેમ કહ્યું. પછી મેં રિપોર્ટ માટે ચાર-પાંચ વાર ફોન કર્યો. સાંજે 8 વાગ્યે તેમનો ફોન આવ્યો કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઇ તકલીફ નથી છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેથી હું ખાનગી લેબમાં કોરોનાનો રિપોર્ટ ફરી કરાવીશ. 
દિવ્ય ભાસ્કર : તમારા પરિવારમાં કોઇને કોરોનાના લક્ષણો છે? 
ખેડાવાલા:
ના, મારા પરિવારમાં કોઇને તકલીફ નથી. હું મારા ફ્લેટમાં એકલો રહું છું. મારા ફ્લેટમાં મારા મોટાભાઇના દીકરીનો દીકરો મારી સાથે રહે છે. ફેમિલીના લોકો જુદાજુદા રહે છે. મારુ જમવાનું મારા ફ્લેટમાં આવી જાય છે. 

અન્ય સમાચારો પણ છે...