ક્વોરન્ટીન પરિવારની પોઝિટિવિટી:કોરોના થતાં પિતા-પુત્ર હોસ્પિટલને બદલે હોમ આઈસોલેટ થયા; યોગા, વીડિયો કોલિંગ, બુક્સ વાંચીને પોઝિટિવ રહે છે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીડિયો કોલ પર વાત કરી રહેલા ઉન્મેષ બારોટ તથા તેમના પુત્ર વ્રજ - Divya Bhaskar
વીડિયો કોલ પર વાત કરી રહેલા ઉન્મેષ બારોટ તથા તેમના પુત્ર વ્રજ
  • સેટેલાઈટના પિતા-પુત્ર કોરોના સંક્રમિત થતા હોસ્પિટલના બદલે હોમ આઈસોલેટ થયા.
  • દિવસભર પોઝિટિવ રહેવાનો પ્રયાસ તથા વેબ સીરિઝ કે ફિલ્મો જોઈને દિવસ પસાર કરે છે.
  • પરિવાર તથા મિત્રો સાથે પણ વીડિયો કોલથી વાત કરીને ખુશ રહેવાનો પ્રયાસ કરે છે.

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા છે જેના કારણે અનેક લોકો હોસ્પિટલમાં દાખલ છે અને કેટલાક લોકો ઘરે જ ક્વોરન્ટીન છે. લક્ષણો ઓછાં હોવાને કારણે અનેક લોકોને ઘરે જ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ત્યારે ઘરે આઈસોલેટ લોકો 14 દિવસ અલગ-અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને દિવસ પસાર કરે છે. શહેરના સેટેલાઈટમાં પારસ કુંજ સોસાયટીમાં રહેતા ઉન્મેષ બારોટ અને તેમના 17 વર્ષીય પુત્ર બંને કોરોનાથી સંક્રમિત થયા છે. બંને પિતા-પુત્રને સામાન્ય લક્ષણો હોવાથી હોસ્પિટલની જગ્યાએ ઘરે ક્વોરન્ટીન થવાનું પસંદ કર્યું છે. 2 માળનું ઘર હોવાને કારણે પુત્ર બીજા માળે ક્વોરન્ટીન થયો છે, જ્યારે પિતા ગ્રાઉન્ડ ફ્લોર પર જ ક્વોરન્ટીન થયા છે. બંને પિતા-પુત્ર પરિવાર કરતા અલગ જ જીવન જીવી રહ્યા છે.

કોરોના થતા હોસ્પિટલની જગ્યાએ ઘરમાં જ ક્વોરન્ટીન થયા
કોરોનાથી સંક્રમિત થનાર ઉન્મેષ બારોટ જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં 7 સભ્યો રહે છે જેમાંથી તે અને તેમના પુત્ર કોરોના પોઝિટિવ આવ્યા છે. પહેલાં પુત્ર પોઝિટિવ આવ્યો હતો જેથી તેને બીજા માળે રૂમમાં કોરેન્ટાઈન કર્યો હતો બાદમાં 2 દિવસ બાદ તેઓને સામાન્ય લક્ષણ જણાતા તેમને પણ રિપોર્ટ કરાવ્યો હતો જેથી તેમનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારે તેઓ પણ ઘરમાં નીચેના રૂમમાં તેમના સામાન સાથે ક્વોરન્ટીન થઈ ગયા હતા.

હોમ આઈસોલેટ થયેલા પિતા-પુત્રની તસવીર
હોમ આઈસોલેટ થયેલા પિતા-પુત્રની તસવીર

દિવસભર ટીવી, ન્યૂઝ પેપરથી દૂર રહી પોઝિટિવ રહે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ તેઓ ન્યુઝ પેપર અને ટીવીથી દૂર રહે છે. પોઝિટિવ વિચાર સાથે યોગાથી દિવસની શરૂઆત કરે છે. બાદમાં સવારે ઉકાળો, લીંબુ પાણી, ફ્રૂટનું સેવન કરે છે.પરિવાર સાથે વીડિયો કોલિંગ પર વાત કરે છે. બાદમાં ભોજન લઇને બપોરે આરામ કરે છે. બપોર બાદ મોબાઈલ કે લેપટોપમાં વેબ સીરીઝ જોઈને દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત દિવસમાં અનેક વખત ઓક્સિજન, તાપમાન માપે છે. મિત્રો ઘરે મળવા આવે ત્યારે તેઓ એક રૂમમાં અને મિત્ર બીજા રૂમમાં એમ અંતર રાખીને વાતચીત કરે છે. પુત્ર ઉપરના રૂમમાં હોવાથી તેને મળી શકાય તેમ નથી જેથી પરિવાર અને પુત્ર સાથે ગ્રુપ વીડિયો કોલિંગથી કરી દિવસ પસાર કરે છે.

મિત્રો સાથે પણ વીડિયો કોલથી જ વાત કરે છે
તેમના જ પુત્ર વ્રજ બારોટે જણાવ્યું હતું કે, તેણે કોરોના થયો છે તેવું જાણ થતાં તે સ્વીકારીને ઉપરના રૂમમાં ક્વોરન્ટીન થયો હતો. શરૂઆતમાં એકલું રહેવાનું હોવાને કારણે ગુસ્સો અને અકળામણ થતી હતી. પરંતુ બાદમાં પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધી. અત્યારે દિવસમાં નાસ લેવાનું, ઉકાળો પીવાનું, ફ્રૂટ અને જ્યુસ પીવા જેવું નિયમિત કરીને સ્વસ્થ રહેવા પ્રયત્ન કરે છે.દિવસ દરમિયાન મિત્રો સાથે ફોનમાં વાતચીત, પોઝિટિવ બુક્સ, વેબ સીરીઝ, ફિલ્મ જોઈને દિવસ પસાર કરે છે. પરિવાર સાથે ગ્રુપ વીડિયો કોલમાં વાતચીત કરે છે. મોબાઈલની નોટ્સમાં રોજ પોતાની દિવસ દરમિયાનની એક્ટિવિટી લખીને જલ્દીથી 14 દિવસ પસાર થાય તે માટે પ્રયત્ન કરે છે.