આડઅસર:કોરોના ગયો, પણ ડર નહીં, 10 ટકા કેસમાં કોરોનાગ્રસ્ત ન થયા હોય તોપણ મ્યુકરમાઇકોસિસ ગમે ત્યારે થઈ શકે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિનામાં જેમને કોરોના થયો હતો તેમને 6 મહિના બાદ મ્યુકોરમાઇકોસિસ થયો, જેઓ હાલમાં સિવિલમાં સારવાર લઈ રહ્યા છે : ડો. રાકેશ જોશી
  • દરેકના શરીરમાં મ્યુકર હોય છે, જેવી ઇમ્યુનિટી ઘટી તેમને સકંજામાં લઈ લે છે
  • ઓક્સિજન લેતા ટીબીના દર્દી, હાઈ ડાયાબિટીક, કેન્સર અને લો ઇમ્યુનિટી મ્યુકરના સોફ્ટ ટાર્ગેટ

કોરોના ભલે હવે લોકોમાં દેખાતો નથી, પણ એનો ભય 6 મહિના પછી પણ પીછો છોડશે નહીં. આ કોઈ ભ્રમણા નહીં, પરંતુ અમદાવાદ સિવિલ સહિત રાજ્યભરની હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)ના 10 ટકા કેસ એ બાબતને સાબિત કરે છે. કોરોના થયો હોય કે ન થયો હોય, મ્યુકોરમાઇકોસિસ ગમે ત્યારે થઈ શકે છે. અમદાવાદ સિવિલમાં અત્યારસુધી 840 દર્દી બ્લેક ફંગસની સારવાર લઈ ચૂક્યા છે, જેમાં 10 ટકા દર્દીઓને કોરોના થયો જ ન હતો. હજી સિવિલ હોસ્પિટલમાં એવા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમને 6 મહિના પહેલાં રિપોર્ટ નેગેટિવ થયો હતો, જે હવે 6 મહિના બાદ મ્યુકોરમાઈકોસિસ થયો છે.

કોરોનાથી ખતરનાક બીમારી છે
કોરોના કરતાં પણ ખતરનાક ગણાતા બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બીમારી છે, જેમાં મૃત્યુદર અને એની પીડા અત્યંત દર્દનાક હોય છે. હજી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યારસુધી 840 દર્દીને મ્યુકોરમાઈકોસિસ સારવાર આપવામાં આવી છે.

ઈમ્યુનિટી ડાઉન થઈ તો બીમારી લાગવાની સંભાવના વધારે
અત્યારસુધીની સારવારમાં 10 ટકા દર્દીઓ એવા છે, જેઓ નોન-કોવિડ હતા. જેમને કોરોના થયો ન હતો, પણ ઇમ્યુનિટી ડાઉન થઈ અને તેમને આ બીમારી થઈ હતી. એવું પણ નથી કે કોરોના મટી ગયાને સમય થયો એટલે મ્યુકોરમાઈકોસિસથી બચી જવાય છે. અમારી પાસે હાલ એવા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમને 6 મહિના પહેલાં માર્ચ-એપ્રિલમાં કોરોના મટી ગયો હતો અને હવે તેમને મ્યુકોરમાઈકોસિસ થયો છે.

દરેક વ્યક્તિના શરીરમાં મ્યુકર હોય છે
આ મ્યુકોરમાઈકોસિસ દરેક વ્યક્તિના શરીરમાં હોય છે. જેમની ઇમ્યુનિટી ડાઉન થાય, ભેજવાળી જગ્યાએ વધારે રહેવાનું થાય, હાઈ ડાયાબિટીસ હોય કે અન્ય કિડની કે કેન્સરની બીમારી હોય તેમને આ ફંગસ તરત વધવા માંડે છે, જેથી ઇમ્યુનિટી પર વધારે ધ્યાન આપીને પોતાની બીમારીને કન્ટ્રોલમાં રાખવો ખૂબ જરૂરી છે.