વાલી મંડળની માંગ:રાજ્યમાં ધો.1થી 12ની શાળાઓ જાન્યુઆરી સુધી બંધ રાખો, સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્કૂલોમાં કોરોનાના કેસો સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જોકે બાળકો સ્કૂલે પહોંચતાં જ હવે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસો સામે આવતા વાલી મંડળે જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રાખવા માંગ કરી છે. અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોનાનું સંક્રમણ સામે આવી રહ્યું છે, જેમાં થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. આ સાથે જ રાજ્યની સ્કૂલોમાં છેલ્લા 10 દિવસમાં 18 જેટલાં બાળકોના કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં 9, અમદાવાદમાં 4, રાજકોટમાં 3 તથા 2 કેસ વડોદરામાં સામે આવી ચૂક્યા છે.

વાલી મંડળની સરકાર સમક્ષ માંગ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. તેમજ ઓમિક્રોનની દહેશત પણ વધી રહી છે. આ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી વાલી મંડળની માંગ છે કે ગુજરાતની શાળાઓમાં ભણતો વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો હોસ્પિટલ અને મેડિકલનો ખર્ચો ગુજરાત સરકાર ઉઠાવે. તે ઉપરાંત સરકાર તાત્કાલિક શાળાઓમાં ચેકિંગ ચાલુ કરાવીને નવી ગાઈડલાઈનનું પાલન કરાવે. તેમજ ઘોરણ 1થી12ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લે.

અમદાવાદની આ સ્કૂલોમાં કોરોનાના કેસ
છારોડીની નિરમા વિદ્યાવિહારમાં ત્રણ વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્‌ગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારના ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ઉપરાંત એક જ પરિવારના ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, પિતાને ચેપ પછી બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

રાજકોટના DEOએ સ્પષ્ટતા કરી
રાજકોટની નચિકેતા સ્કૂલના એક વિદ્યાર્થીનો રિપોર્ટ બે દિવસ પહેલાં પોઝિટિવ આવતાં સ્કૂલ દ્વારા એક અઠવાડિયાની રજા જાહેર કરાઇ છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની એક વિદ્યાર્થિની ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવતી હતી તેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થિની સ્કૂલે આવી નહોતી, એટલે તેનો કોઇ ઇસ્યુ નથી કે તે સ્કૂલમાં કોઇ સાથે સંપર્કમાં હોય. SNK સ્કૂલમાં ધો.10નાં ટ્વિન્સ ભાઇ-બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે, આથી સ્કૂલને એક અઠવાડિયું બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અને સંપર્કમાં આવેલા તમામનો ટેસ્ટ આજે થઇ રહ્યો છે.

સુરતની સ્કૂલોમાં 9 બાળક સંક્રમિત
સુરતમાં શાળાએ જતાં બાળકો કોરોના સંક્રમિત થયાં છે. સુરતની સંસ્કાર ભારતી શાળાના કુલ ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યા છે. રિવેરડાલે એકેડેમીના 4 વિદ્યાર્થી, ભૂલકા વિહાર સ્કૂલના 2 વિદ્યાર્થી, ડીપીએસ સ્કૂલના 2 વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ મળ્યા છે.

વડોદરાની સ્કૂલોમાં કોરોના
વડોદરામાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો. 3નો વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા બાદ સ્કૂલના ઓફલાઈન ક્લાસીસને બંધ કરી દેવામાં આવ્યા છે. એવી જ રીતે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલનો ધો.7નો વિદ્યાર્થી અને તેના પેરન્ટ્સ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલે તમામ ઓફલાઈન ક્લાસ બંધ કરી દીધા છે તેમજ શહેરની સંત કબીર સ્કૂલના ટીચર પણ પોઝિટિવ મળ્યા.

વાલી મંડળે સરકારને લખેલો પત્ર
વાલી મંડળે સરકારને લખેલો પત્ર